દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના વડા મુકેશ અંબાણીએ આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તેમને ગુજરાતી હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું કે એવું એક પણ ઈન્વેસ્ટર સમિટ નથી જે આટલા વર્ષોથી સતત ચાલુ હોય. મેં અત્યાર સુધીમાં યોજાયેલા તમામ વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં હાજરી આપી છે. તેમણે પોતાના સ્વર્ગીય પિતા અને રિલાયન્સ જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણીને યાદ કરતા કહ્યું કે મારા પિતાએ અમને બાળપણમાં જ જણાવ્યું હતું કે ગુજરાત હંમેશા તમારી કર્મભૂમિ રહેશે. તેમણે વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરતા કહ્યું કે મોદી જે વિચારે છે તેનો અમલ કરે છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાઈબ્રન્ટ સમિટમાં જણાવ્યું કે આજે વિશ્વ ભારતનો વિચાર કરે છે ત્યારે સૌથી પહેલાં તેમને ગુજરાતનો વિચાર આવે છે. તેમણે ગુજરાત માટે પાંચ વચનો પણ આપ્યા હતા.
મુકેશ અંબાણીએ જણાવ્યું કે ગુજરાતના લોકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ આપવા અને સામાન્ય લોકોનું જીવનધોરણ ઉંચું આવે તે માટે રિલાયન્સ રિટેલ સક્રિય છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ગુજરરાતને ન્યુ મટિરિયલ્સ અને સર્ક્યુલર ઈકોનોમિક્સમાં ભારતનું અગ્રણી રાજ્ય બનાવશે. તેના માટે રિલાયન્સ ગુજરાતમાં હજીરા ખાતે ભારતની પહેલી કાર્બન ફાઈબર ફેસિલિટી સ્થાપિત કરશે.
તેમણે એમ પણ કહ્યું કે, ભારતમાં 2036 ઓલિમ્પિક યોજાય તે માટે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન પ્રતિબદ્ધ છે. અમે ગુજરાતમાં પાર્ટનર સાથે મળીને રમતગમત ક્ષેત્રે ચેમ્પિયન્સને તૈયાર કરીશું અને રાજ્યમાં સ્પોર્ટ્સના વિકાસ પર ફોકસ કરીશું.
મુકેશ અંબાણીએ ઉમેર્યું કે વર્ષ 2047 સુધીમાં ગુજરાત 3000 અબજ ડોલરનું અર્થતંત્ર બનશે અને ત્યાં સુધીમાં ભારતને 35 લાખ કરોડ ડોલરનું અર્થતંત્ર બનતા કોઈ નહીં રોકી શકે. અમે વર્ષ 2030 સુધીમાં ગુજરાતની અડધી એનર્જી જરૂરિયાત રિન્યુએબલ એનર્જી દ્વારા સંતોષવા માગીએ છીએ. આ માટે જામનગરમાં 5000 એકર એરિયામાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ પર કામ ચાલુ થઈ ગયું છે.