રાજ્યમાં નાની નયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત છે. બનાસકાંઠામાં એક યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. આ ઘટના પાલનપુરનાં બદરપુરા ગામની છે. જ્યાં કાણોદરની એસ કે એમ હાઇસ્કુલમાં ધોરણ-12 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી રોહિત ડાભીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. રાત્રે સૂતો હતો ત્યારે હાર્ટ એટેક આવતા મોત થયું છે. આશાસ્પદ યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
યુવાનોના હૃદય સતત નબળા પડી રહ્યા છે. એક ચોંકાવનારો અહેવાલ જણાવે છે કે આજે લોકો જે પ્રકારની જીવનશૈલી જીવી રહ્યા છે તેની અસર હૃદય પર પડી રહી છે અને હાર્ટ એટેક જેવી જીવલેણ બીમારીઓ ઝડપથી વધી રહી છે. અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક રિસર્ચમાં પ્રકાશિત અહેવાલ દર્શાવે છે કે 2015 સુધીમાં ભારતમાં લગભગ 6.5 કરોડ લોકો હૃદયની બીમારીઓથી પીડિત હતા. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી લગભગ 2.5 કરોડ લોકો 40 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના છે. WHOનો તાજેતરનો રિપોર્ટ પણ ભારતીયોને ડરાવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં હ્રદય રોગના કારણે મૃત્યુની સંખ્યામાં 75%નો વધારો થયો છે. રિપોર્ટ અનુસાર, માત્ર વર્ષ 2019માં જ સમગ્ર વિશ્વમાં લગભગ 1.80 કરોડ લોકો હૃદયની બીમારીઓને કારણે મૃત્યુ પામ્યા છે. આમાંથી 85 ટકા મૃત્યુનું કારણ માત્ર હાર્ટ એટેક છે.