Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા સામેની અરજી ખેંચાઈ

ઐતિહાસિક વારસો, વૈભવ અને અસ્મિતા ધરાવતાં અમદાવાદ શહેરનું નામ બદલી કર્ણાવતી કરવાના સત્તાવાળાઓની તજવીજ સામે વિરોધ ઉઠાવતી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટ અરજી આજે હાઇકોર્ટમાં પરત ખેંચી લેવાઇ હતી. હાઇકોર્ટના એકટીંગ ચીફ જસ્ટિસ અનંત એસ.દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે અરજદારને આ સમગ્ર મામલે સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરવા નિર્દેશ કરી ભવિષ્યમાં જરૂર જણાય તો નવી રિટ અરજી કરવાની લિબર્ટી(સ્વતંત્રતા) આપી કેસનો નિકાલ કર્યો હતો. ગુજરાત હાઇકોર્ટની એડવોકેટ હેતવી સાંચેતીએ પાર્ટી ઇન પર્સનની રૂએ અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી કરવાના મામલે કરેલી જાહેર હિતની રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કર્યા હતા કે, અમદાવાદ શહેરનું નામ તેમાં રહેતા લાખો નાગરિકોની ઓળખ છે. એહમદ શાહ બાદશાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી ત્યારબાદ ૬૦૦ વર્ષો સુધી આ નામ તેના નાગરિકોની સાંસ્કૃતિક અસ્મિતા અને ઓળખનું અભિન્ન અંગ રહ્યું છે. આ હકીકત ખુદ રાજય સરકાર દ્વારા અમદાવાદને હેરીટેજ સીટીનો દરજ્જો મેળવવાની પ્રક્રિયાના ભાગરૂપે યુનેસ્કો સમક્ષ આપવામં આવી હતી. રાજય સરકારે રજૂ કરેલા ડોઝીયરના આધારે જ અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જયારે કર્ણાવતી નામનો ઉલ્લેખ કયાંય ઐતિહાસિક દ્રષ્ટિએ કે વ્યવહારિક રીતે પણ ઉલ્લેખ થયેલો જણાતો નથી. તેમછતાં ખુદ રાજયના મુખ્યમંત્રી દ્વારા એક જાહેરમંચ પરથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની જાહેરાત કરાઇ હતી. જે બિલકુલ અયોગ્ય અને ગેરવાજબી પગલું હોઇ અમદાવાદ શહેરના નામને કાયમી ધોરણે સુરક્ષિત અને પ્રવર્તમાન રાખતો આદેશ હાઇકોર્ટે કરવો જોઇએ. અમદાવાદ શહેરનું નામ શહેરના પ્રત્યેક નાગરિકની એક ઓળખની રીતે જોડાયેલ છે, ત્યારે આ મુદ્દા સાથે લોકોની લાગણી પણ જોડાયેલી છે ત્યારે હાઇકોર્ટે અમદાવાદ નામની ધરોહર જાળવતો મહત્વનો હુકમ કરવો જોઇએ. જો કે, રાજય સરકાર તરફથી અરજદારની અરજીનો વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે, અરજદારે રિટમાં ઉઠાવેલા તમામ મુદ્દાઓ અસ્થાને છે. હાલના તબક્કે અરજદારની રિટ અરજી ટકી શકે તેમ જ નથી.

Related posts

ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રૂપાણીના આવાસે બેઠક થઇ

aapnugujarat

બોટાદ માં કલેકટર ના હસ્તે ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ

editor

ભરૂચમાં ઝનોર નજીક બંદુકની અણીએ ૨૦૦ તોલા સોનાની લૂંટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1