કેરળ હાઈકોર્ટે તેના સગીર ભાઈ સાથેના અનૈતિક સંબંધોને કારણે ગર્ભવતી બનેલી ૧૨ વર્ષની છોકરીના ગર્ભપાતની અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે ગર્ભ ૩૪ અઠવાડિયાનો છે, સંપૂર્ણ રીતે વિકસિત છે અને ગર્ભાશયની બહાર જીવન માટે તૈયાર છે. આ સિવાય કોર્ટે એમ પણ કહ્યું કે આ તબક્કે ગર્ભપાત શક્ય નથી અને બાળકનો જન્મ સિઝેરિયનથી થશે કે સામાન્ય ડિલિવરી તે નિર્ણય તબીબી નિષ્ણાતો પર છોડી દેવામાં આવ્યો છે. ન્યાયાધીશ દેવન રામચંદ્રને સગીર છોકરીને અરજદારો/માતા-પિતાની કસ્ટડી અને સંભાળમાં રહેવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સત્તાવાળાઓ અને માતા-પિતાને એ સુનિશ્ચિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે કે તેના સગીર ભાઈ, જેની સામે આરોપો દાખલ કરવામાં આવ્યા છે, તેને છોકરીની નજીક ન આવવા દેવામાં આવે. આ મામલે માતાપિતાએ દલીલ કરી હતી કે બાળકને જન્મ આપવાથી છોકરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડશે. કોર્ટે એવો પણ આદેશ આપ્યો છે કે પ્રેગ્નન્સી સુધી ભાઈને બહેનથી દૂર રાખવામાં આવે. રિપોર્ટ અનુસાર, જ્યારે માતા-પિતાને તેમની પુત્રીની પ્રેગ્નન્સીની જાણ થઈ તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ૧૨ વર્ષની બાળકીના માતા-પિતાએ તેની ૩૪-અઠવાડિયાની પ્રેગ્નન્સીને મેડિકલ ટર્મિનેશન માટે કોર્ટનો સંપર્ક કર્યો હતો. અરજદારોએ દલીલ કરી હતી કે ગર્ભાવસ્થા સગીર છોકરીને શારીરિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનું કારણ બની શકે છે અને કોર્ટને કહ્યું કે તેઓ તાજેતરમાં સુધી ગર્ભાવસ્થા વિશે જાણતા ન હતા. ગયા વર્ષે એપ્રિલમાં, કલકત્તા હાઈકોર્ટે કથિત રીતે બળાત્કાર અને યૌન શોષણનો ભોગ બનેલી ૧૨ વર્ષની સગીર છોકરીને તેની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે ચુકાદો આપ્યો હતો કે અબોર્શન થવાથી માતાનું મૃત્યુ થઈ શકે છે. મેડિકલ બોર્ડે તારણ કાઢ્યું હતું કે સંપૂર્ણ અવધિ સુધી પહોંચવા માટે વધારાના બે અઠવાડિયા સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવાથી છોકરી પર ગંભીર માનસિક અસર થવાની શક્યતા નથી. બોર્ડે તેની ઓછી માનસિક અસરને ધ્યાનમાં રાખીને સિઝેરિયન સેકશનથી ડિલિવરીનું પણ સૂચન કર્યું હતું.