Aapnu Gujarat
શિક્ષણ

ઓસ્ટ્રેલિયાએ ઈમિગ્રેશનના નિયમો ચુસ્ત બનાવ્યા

વર્ષ 2023એ વિદાય લીધી છે અને 2024ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આ વર્ષમાં સ્ટુડન્ટ વિઝા અને ઈમિગ્રેશન અંગે ઓસ્ટ્રેલિયાની નીતિ પર નજર રહેશે. ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી ઉદાર મનથી ભારતીય સ્ટુડન્ટને આવકાર આપ્યો હતો. પરંતુ ઘણા વિદ્યાર્થીઓ અહીં ભણવા માટે નહીં પરંતુ ગમે તે કામની શોધમાં આવે છે તેવું જાણ્યા પછી ઓસ્ટ્રેલિયાએ વિઝાના નિયમો કડક કરી દીધા છે. તેના કારણે ઘણા ભારતીય સ્ટુડન્ટ હવે ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિઝાથી વંચિત રહી જાય તેવી શક્યતા છે.

ઓસ્ટ્રેલિયામાં ભારતીય વિદ્યાર્થીઓ કેટલા?
ભારતીય વિદ્યાર્થીઓમાં કેનેડા અને અમેરિકાની જેમ ઓસ્ટ્રેલિયા પણ એક મનપસંદ દેશ છે. વર્ષ 2022માં અહીં 1.10 લાખ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 2019માં આ સંખ્યા 73800 હતી અને 2020માં ઘટીને 33600 થઈ ગઈ હતી. 2021માં તો કોવિડના કારણે માત્ર 8950 ભારતીય સ્ટુડન્ટ ઓસ્ટ્રેલિયામાં હતા. ત્યાર પછી અહીં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે.

હવે કેવા ફેરફાર થયા છે?
સૌથી પહેલા તો ઓસ્ટ્રેલિયાએ અંગ્રેજી ભાષાની ટેસ્ટ અઘરી બનાવી દીધી છે અને વિઝાના નિયમો કડક બનાવ્યા છે. તેના કારણે ભારતીયોની ચિંતા વધી છે. હવેથી ઓસ્ટ્રેલિયામાં એડમિશન માટે IELTS, TOEFL અને DuoLingoમાં વધારે ગુણની જરૂર પડશે. ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા માટે IELTSમાં 6.0ના બદલે 6.5 સ્કોર જોઈશે. જ્યારે સ્ટુડન્ટ વિઝા માટે 5.5ના બદલે 6.0નો સ્કોર જરૂરી બનશે. આ ઉપરાંત તમામ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટે જેન્યુઈન સ્ટુડન્ટ ટેસ્ટ પાસ કરવી પડશે. તેના કારણે જેન્યુઈન ન હોય તેવા લોકો અરજી કરતા જ બંધ થઈ જશે. જે લોકો ભણવાના બદલે કામ કરવા માટે ઓસ્ટ્રેલિયા આવવા માગે છે તેમના માટે રસ્તા બંધ થઈ જશે. મોટા ભાગના ઈન્ટરનેશનલ સ્ટુડન્ટે અભ્યાસ કર્યા પછી પોતાના દેશ પરત જવું પડશે. ઓસ્ટ્રેલિયાએ હાઈ રિસ્ક સ્ટુડન્ટ સામે અને લેભાગુ સંસ્થાઓ સામે પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા ભણવા આવવું હોય તો વધારે નાણાકીય સદ્ધરતા સાબિત કરવી પડશે. તમામ સ્ટુડન્ટે પોતાની પાસે 24,505 ડોલરની બચત હોવાનું દેખાડવું પડશે. ત્યાર પછી જ તેઓ ઓસ્ટ્રેલિયાના વિઝા માટે અરજી કરી શકશે. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે આ રકમ 17 ટકા વધી ગઈ છે.

ભારતીય સ્ટુડન્ટે કેવી અસર થશે?
એજ્યુકેશન એ ઓસ્ટ્રેલિયા માટે આવક પેદા કરતું સેક્ટર છે. તેનાથી ઓસ્ટ્રેલિયાને દર વર્ષે 30 અબજ ડોલરની આવક થાય છે. ઓસ્ટ્રેલિયામાં હજુ પણ કોવિડ અગાઉની સંખ્યા ફરીથી પ્રાપ્ત નથી થઈ. તેથી અત્યારે પણ વિદેશી સ્ટુડન્ટને આકર્ષવા પર ફોકસ રહે છે. ઉદાહરણ તરીકે મેક્વેરી યુનિવર્સિટીમાં હાલમાં 45,000 વિદ્યાર્થીઓ છે જેમાંથી 10,000 વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ છે. અહીં લગભગ 80 દેશોમાંથી યુવાનો હાયર એજ્યુકેશન માટે આવે છે. તેમાં પણ સાઉથ એશિયાના સ્ટુડન્ટની સંખ્યા સૌથી વધુ છે. ઓસ્ટ્રેલિયાની ડિકિન યુનિવર્સિટીમાં ગયા વર્ષે ભારતીય સ્ટુડન્ટની 25,000 અરજીઓ મળી હતી. 2019માં વોલોનગોંગ યુનિવર્સિટીને 36 હજાર અરજીઓ મળી જેમાંથી 25 ટકા વિદેશી સ્ટુડન્ટ હતા. ભારતીય માટે ઓસ્ટ્રેલિયા બહુ લોકપ્રિય દેશ છે પરંતુ વિઝાના કડક બનતા કાયદા ચિંતાજનક છે.

એક્સપર્ટ માને છે કે અંગ્રેજીમાં માંડ માંડ જરૂરી બેન્ડ લાવી શકતા સ્ટુડન્ટને આગામી દિવસોમાં તકલીફ પડી શકે છે. લુધિયાણાના એક સ્ટુડન્ટે કહ્યું કે તે ઠીક ઠીક અંગ્રેજી બોલી શકે છે. તેને લાગતું હતું કે સહેલાઈથી સ્કોર આવી જશે. પરંતુ જ્યારથી અંગ્રેજીના નિયમો ચુસ્ત બન્યા છે ત્યારથી તેના કોન્ફીડન્સને અસર થઈ છે. તેના એજન્ટને પણ લાગે છે કે બ્રિજ કોર્સ કરવા છતાં ફાયદો નહીં થાય.

જે ભારતીય સ્ટુડન્ટ પહેલેથી ઓસ્ટ્રેલિયામાં છે તેમને પણ બીક છે કે તેમણે ફરીથી IELTS/ TOEFLની એક્ઝામ આપવી પડશે. એક ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે હું હંમેશા મારી મરાઠી ભાષામાં ભણ્યો છું. મેં ઘણી મહેનત કરી અને IELTSમાં 6.5 બેન્ડ મેળવ્યા હતા. પરંતુ હવે હું ગ્રેજ્યુએટ થઈશ ત્યાર પછી મારે ફરીથી આ એક્ઝામ આપીને વધારે બેન્ડ મેળવવા પડશે.

Related posts

ધો. ૧૦નું પરિણામ ૨૪ જૂન સુધી જાહેર થવાની સંભાવના

editor

કેનેડા આ વર્ષે 4.65 લાખ લોકોને PR આપશે

aapnugujarat

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષાને લઈને ચિંતિત : સર્વેક્ષણ

aapnugujarat
UA-96247877-1