ગુજરાતમાં હાલમાં ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂની છૂટને લઈને ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. ગિફ્ટ સિટીમાં વિદેશી રોકાણકારોને આકર્ષવા અને બિઝનેસને વેગ મળે તે હેતુંથી દારૂની છૂટ આપવામાં આવી છે. દારૂબંધી હળવી થતાંની સાથે જ ગિફ્ટ સિટીમાં ફક્ત પાંચ દિવસમાં જ 500 કરોડ રૂપિયાના સોદા થયા છે. સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીઓ અને બેન્કિંગ સેક્ટર્સની કચેરીઓના કાયમી કર્મચારીઓ તથા તેમના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આધીન ગિફ્ટ સિટીમાં જ વાઈન અને ડાઈનની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. જેના કારણએ લાંબા સમયથી અટવાયેલા કેટલાક પ્રોપર્ટીના કામકાજમાં અચાનક જ તેજી આવી ગઈ છે. ગુજરાતી અખબાર નવગુજરાત સમયમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, ગિફ્ટ સિટીમાં છેલ્લા 11 વર્ષમાં એક સાથે એટલા સોદા નથી થયા જેટલા છેલ્લા પાંચ દિવસમાં થયા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ બાદ 500 કરોડ રૂપિયાના કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના 300 જેટલા યુનિટના સોદા થયા છે અને પ્રોપર્ટી માટેની પૂછપરછમાં 500 ટકાનો વધારો થયો છે.
ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં છૂટછાટના પગલે 85 9 એકરની આસપાસના વિસ્તાર અને ફેઝ-2 માટે ભેળવાયેલા ગામોમાં હલચલ મચી છે. ગ્રામજનો અને અહીં ડેવલોપમેન્ટ માટે અગાઉથી સોદા કરીને બેઠેલા ડેવલોપર્સમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. ગિફ્ટ સિટી સંલગ્ન ડેવલપમેન્ટ્સ માટે જમીનોના સોદા કરનારા લોકો માટે ફેઝ-2માં સૂચવાયેલી કપાતની જોગવાઈએ ઘણા પ્લાનિંગ ખોરવી નાંખ્યા છે. ફેઝ-2માં 48 ટકા કપાતની જોગવાઈ છે અગાઉ ફેઝ-1માં ન હતી. ફેઝ-1માં 115 મીટરની ઊંચાઈના બિલ્ડિંગ્સની મંજૂરી હતી જે હવે ઘટાડીને 22.5 મીટર કરી દેવામાં આવી છે. આને લઈને શાહપુર અને રતનપુર આસપાસના ગ્રામજનોમાં પણ કચવાટ છે. શાહપુર ગામના સરપંચ અર્પિત પટેલ અને અન્ય આગેવાનોએ આ મુદ્દે ગિફ્ટ સત્તાવાળા અને સરકારને રજૂઆત કરવાની તૈયારી કરી છે. ગિફ્ટ સિટીના કારણે ત્યાં જમીનોના ભાવમાં મોટો વધારો થયો હતો પરંતુ ફેઝ-2માં કેટલાક નવા નિયમોના કારણે હવે જમીનોના ભાવમાં ઘટાડો થયો છે.