હાલમાં ભારતીય યુવાનોને વિદેશનું ઘેલું લાગ્યું છે. આમાં ગુજરાતના લોકોની સંખ્યા પણ ઘણી મોટી છે. લોકો કેનેડા, અમેરિકા કે લંડન જવા ઈચ્છે છે. જેમાં ઘણા કાયદેસર રીતે તો ઘણા ગેરકાયેદસર રીતે ત્યાં જવાનો પ્રયાસ કરતાં હોય છે. વિદેશની જવાની ઘેલછા એટલી બધી વધી ગઈ છે કે લોકો પોતાના જીવનનો પણ વિચાર કરતાં નથી. ગેરકાયદેસર રીતે જવામાં જીવનું જોખમ હોવાનું જાણવા છતાં લોકો તેમ કરતાં ખચકાતા નથી. હાલમાં નડિયાદમાં એક યુવકે પોતાના વિઝા રિજેક્ટ થવાના કારણે આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે.
નડિયાદના સુંદરકુઈ નજીક રેલવે ટ્રેક પર એક યુવકનું મોત થયું હતું. આવી ઘટના પોલીસ બંને આત્મહત્યા કે હત્યા બંનેને ધ્યાનમાં રાખીને તપાસ કરતી હોય છે. નડિયાદ પશ્ચિમ પોલીસે અહીં પણ આ મૃતક યુવાન અકસ્માતે મોતને ભેટ્યો હતો કે તેણે આત્મહત્યા કરી હતી કે પછી તેની હત્યા કરવામાં આવી તે દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવાન ડભોઉનો રહેવાસી છે અને તેના બે-ત્રણ વખત તેના વિઝા રિજેક્ટ થવાના કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું. પોતાના જુવનાજોધ પુત્રના સમાચાર મળતાં જ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું.
યુવાનના ચહેરાના ફોટા અને હાથ પરના નિશાનના પોટા ખેડા, આણંદ અને પંચમહાલ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન સોજીત્રા પોલીસ સ્ટેશને એક પરિવાર આવ્યો હતો અને જણાવ્યું હતું કે તેમનો પુત્ર ગુમ થઈ ગયો છે. પોલીસે તેમને મૃતક યુવાનનો ફોટો બતાવ્યો હતો ત્યારે મૃતકની ઓળખ થઈ હતી. આ મામલાની તપાસ કરી રહેલી નડિયાદ પશ્ચિમ પોલીસે જણાવ્યું હતું કે મૃતક 26 વર્ષીય યુવક શ્યામ રજનીકાંત પટેલ હતો. જે સોજીત્રાના ડભોઉનો વતની હતો. તેનો એક ભાઈ લંડનમાં રહે છે અને આ યુવક પણ લંડન જવા ઈચ્છતો હતો. યુવકે લંડન જવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા પરંતુ બે-ત્રણ વખત તેના વિઝા રિજેક્ટ થઈ ગયા હતા. જેના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો. જેના કારણે તેણે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું.