યુકેએ તાજેતરમાં જાહેરાત કરી હતી કે સ્કિલ્ડ વર્ક વિઝા પર આવનાર વ્યક્તિનો મિનિમમ વાર્ષિક પગાર 38,700 ડોલર હોવો જોઈએ, પરંતુ હવે આ પગાર એક સાથે વધારવાના બદલે ધીમે ધીમે વધારવાનો નિર્ણય લેવાયો છે. તેના કારણે ઈમિગ્રન્ટ પરિવારોને ફાયદો થશે. કારણ કે યુકેએ મિનિમમ પગારમાં એક સાથે વધારો કરી દીધો હોત તો ઈમિગ્રન્ટ્સ માટે યુકેમાં જોબ શોધવી મુશ્કેલ બની ગઈ હોત
યુકે સરકારે હવે જણાવ્યું છે કે ફેમિલી વિઝા માટે મિનિમમ સેલેરીની જરૂરિયાત તાત્કાલિક વધારવામાં નહીં આવે. ચાલુ મહિનાની શરૂઆતમાં યુકેની રિશિ સુનક સરકારે યુકે આવનારા ઈમિગ્રન્ટ માટે મિનિમમ સેલેરી 29,000 પાઉન્ડથી વધારીને 38,700 પાઉન્ડ એટલે કે 49,100 ડોલર કરવાનો નિર્ણય લીધો હતો. હવે આ પગાર એક સાથે નહીં વધારતા ધીમે ધીમે વધારો કરવામાં આવશે. જેથી ઈમિગ્રન્ટ માટે હાલમાં જોબની શક્યતાઓ ટકી રહેશે.
ઈંગ્લેન્ડના હોમ સેક્રેટરી જેમ્સ ક્લેવરલીએ જણાવ્યું કે યુકેમાં ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નેટ માઈગ્રેશનમાં ત્રણ લાખ લોકોનો ઘટાડો કરવાની યોજના છે. આ ઉપરાંત યુકેએ પોતાને ત્યાં અછત હોય તેવા વ્યવસાયોની યાદીમાં પણ ફેરફાર કર્યો છે. જેથી આ વ્યવસાયોમાં આવડત ધરાવતા લોકો જ માઈગ્રેશન માટે અરજી કરે અને પોતાના પરિવારજનોને નિભાવી શકે.
યુકેની નવી વિસ્તૃત ઈમિગ્રેશન સ્ટ્રેટેજીમાં કેટલાક ફેરફાર થયા છે. તે મુજબ સ્ટુડન્ટ માટેના રેગ્યુલેશન વધારે ચુસ્ત બનાવવામાં આવ્યા છે જ્યારે યુકેની નેશનલ હેલ્થ સર્વિસનો ઉપયોગ કરનારા વિદેશીઓ માટે હેલ્થ સરચાર્જમાં 66 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે યુકેમાં સરકારના અંદાજ કરતા પણ ઈમિગ્રેશનનો આંકડો વધી ગયો છે. સરકારની ગણતરી હતી કે બહારના 6 લાખ લોકો યુકે રહેવા આવશે પરંતુ આ આંકડો વધીને 7.50 લાખ થઈ ગયો છે. અહીં આગામી જાન્યુઆરી 2024માં ચૂંટણી આવી રહી છે અને તેમાં પણ આ મહત્ત્વનો મુદ્દો બનશે. આ વખતે વિરોધપક્ષ લેબર પાર્ટી યુકેની ચૂંટણી જીતી જાય તેવી શક્યતા છે.