Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલા અને દેડીયાપાડા ખાતે વિશ્વ આદિવાસી દિવસની કરાયેલી ઉજવણી

નાંદોદ, ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાનો નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને પ્રાયોજના કચેરી દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો સંયુક્ત કાર્યક્રમને શ્રી ભીલ રાજાની પ્રતિમા પાસે જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા, નાંદોદ તાલુકા પ્રમુખ શ્રી જતીનભાઇ વસાવા, જિલ્લા પંચાયતના સભ્ય સર્વશ્રી દિનેશભાઇ તડવી, શ્રી કિરણભાઇ વસાવા, જિલ્લા અગ્રણીશ્રી ગજેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પ્રમુખશ્રી દિનેશભાઇ તડવી, ડૉ. દર્શનાબેન દેશમુખ, શ્રીમતી ભારતીબેન તડવી, શ્રીમતી સરસ્વતીબેન વસાવા વગેરે ઉપસ્થિત મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. જ્યારે દેડીયાપાડા-સાગબારા તાલુકાનો વિશ્વ આદિવસી દિવસની ઉજવણીનો કાર્યક્રમ દેડીયાપાડા પ્રાંત અધિકારીશ્રી ડી.એન. ચૌધરી, શ્રી શંકરભાઇ વસાવા, શ્રી મનજીભાઇ વસાવા, શ્રી ચન્દ્રકાંતભાઇ લુહાર વગેરેની ઉપસ્થિતિમાં દેડીયાપાડા ખાતે યોજાયો હતો.

રાજપીપલા ખાતેના કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક પ્રવચન કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજ મુખ્ય પ્રવાહ સાથે ભળીને સ્પર્ધામાં ભાગ લેતો થયો છે. આદિવાસી નૃત્યએ તેમની આગવી ઓળખ ઉભી કરી છે. પેસા કાયદામાં જુદી જુદી સમિતિઓ દ્વારા પ્રશ્નોનો નિકાલ કરાય છે. અનામત જંગલનો અધિકાર વનબંધુઓને સીધો લાભ મળવાનો છે. આદિવાસી સમાજની કોઇ કન્યા શિક્ષણથી વંચિત ના રહે તે માટે સરકાર કન્યાઓને મફત શિક્ષણ પુરૂં પાડે છે. વિવિધ સરકારી યોજનાઓ અંગે જાગૃત થઇ તેમનો લાભ લેતા થવું જોઇએ. આ પ્રસંગે શ્રી નિનામાએ વિશ્વ આદિવાસી દિવસની સૌને શુભકામના પાઠવી હતી.

પૂર્વ નાંદોદ તાલુકા પ્રમુખશ્રી દિનેશભાઇ તડવીએ વિવિધ સરકારી યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું. ડૉ. દર્શનાબેન દેશમુખે સ્વતંત્રતાની ચળવળમાં આદિવાસી સમાજના યોગદાન અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અસંખ્ય આદિવાસી વીરો અને વિરાંગનાઓ આઝાદીની ચળવળમાં ભાગ લઇ શહીદ થયા છે. માનગઢ હત્યાકાંડના શહીદોની યાદમાં વિરાંજલી વન ઉભુ કરવામાં આવ્યું છે. શ્રીમતી ભારતીબેન તડવીએ પણ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સરકાર દ્વારા મળતી વિવિધ યોજનાઓ અને તેમાં મળતી સહાય વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા સહિતના મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે મેળવેલી સિધ્ધિઓના ભાગરૂપે આદિવાસી સમાજના તેજસ્વી તારલાઓને પ્રશસ્તિપત્ર એનાયત કર્યા હતા. જ્યારે એચ.એસ.સી. અને એસ.એસ.સી બોર્ડની પરીક્ષામાં સારૂ પરિણામ મેળવનાર શાળાના આચાર્યશ્રીઓને શિલ્ડ અને શાલ ઓઢાડી સન્માનિત કરાયા હતા.

આ ઉજવણીના ભાગરૂપે સવારે ૮=૩૦ કલાકે રાજપીપલા કાળીયાભૂત પાસેથી જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ વિશાળ રેલીને ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ઢોલના સથવારે આદિવાસી લોકનૃત્ય સાથે જય આદિવાસીના નારા લગાવી શહેરના મુખ્ય માર્ગ-ગાંધીચોક, સંતોષ ચોકડી, સફેદ ટાવર, સ્ટેશન રોડ, બસ સ્ટેશન થઇ ભીલરાજાની પ્રતિમા પાસે સભામંડપમાં ફેરવાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામા સહિતના મહાનુભાવોએ ભીલ રાજાની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી હતી. તેઓશ્રી દ્વારા આ સર્કલના રીનોવેશન કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી ધવલ પંડ્યા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. દિપાબેન પટેલ, તાલુકા મામલતદાશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, અગ્રણીશ્રી વલ્લભભાઇ જોશી સહિત વરિષ્ઠ પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, જિલ્લાભરમાંથી પધારેલા આદિવાસી ભાઇ-બહેનો, શાળાના બાળકો, શહેરીજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી અને નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.કે. બારીયાએ શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા. જ્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.ડી. બારીયાએ આભારદર્શન કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સરકારી યોજનાકીય માહિતી દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

Related posts

બર્થ-ડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાત યુવક-યુવતી ઝડપાયા

editor

કેરાળા ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે રસ્તાનું ખાતમુહૂર્ત

editor

મેન્ટેનન્સનાં અભાવે ગુજરાત માલિકીની દુરન્તો ટ્રેન મુંબઈને સોંપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1