Aapnu Gujarat
શિક્ષણ

ભારતીય વિદ્યાર્થીઓને હાશકારોઃ ઓસ્ટ્રેલિયાની કડક ઈમિગ્રેશન નીતિ હાલમાં નહીં નડે

ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ્સ પર અંકુશ મૂકવા માટે નવી પોલિસી ઘડવામાં આવી રહી છે, પરંતુ ભારતીય વિદ્યાર્થીઓએ તેની હાલમાં ચિંતા કરવાની જરૂર નથી. ભારતીય સ્ટુડન્ટ્સ માટે જૂની વિઝા પોલિસીના લાભો હજુ પણ ચાલુ જ રહેશે. ઓસ્ટ્રેલિયા પોતાની માઈગ્રેશન નીતિમાં સુધારા કરવા જઈ રહ્યું છે જેમાં સ્ટુડન્ટે અંગ્રેજીની ટેસ્ટમાં વધુ સારા ગુણ મેળવવા પડશે તથા વધારે નાણાકીય વ્યવસ્થા કરવી પડશે.

હવે ભારત ખાતે ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશ્નર ફિલિપ ગ્રીને જાહેરાત કરી છે કે, “ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહકાર વધારવા માટે જે કરાર થયા છે તે ચાલુ રહેશે. ભારતીય ગ્રેજ્યુએટ્સ બેચલર ડિગ્રી માટે બે વર્ષના ઓસ્ટ્રેલિયાના ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા મેળવી શકશે જ્યારે માસ્ટર ડિગ્રી માટે ત્રણ વર્ષના વિઝા અને પીએચડી માટે ચાર વર્ષના ટેમ્પરરી વિઝા મેળવી શકશે.”

ઓસ્ટ્રેલિયામાં નવા માઈગ્રેશન કાયદા લાગુ થાય ત્યારે પણ ભારતીય સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલોની સંખ્યામાં મોટો ઘટાડો નહીં થાય તેમ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની નવી પોલિસીમાં કુલ 25 મુદ્દા સમાવવામાં આવ્યા છે. જેમાં અંગ્રેજી ભાષાની આવડત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કારણ કે હાલમાં જે ધોરણો છે તેમાં ઘણા સ્ટુડન્ટનું અંગ્રેજી નબળું હોવા છતાં તેઓ ઓસ્ટ્રેલિયા ભણવા પહોંચી જાય છે.

ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે પાંચ લાખ લોકો ઈમિગ્રન્ટ તરીકે આવ્યા હતા. કોવિડ અગાઉ આ આંકડો 2.50 લાખનો હતો અને ઓસ્ટ્રેલિયા ઈચ્છે છે કે ફરીથી આ આંકડો ઘટીને 2.50 લાખ સુધી આવી જાય. ભારતીય સ્ટુડન્ટ અને પ્રોફેશનલોને પણ હવે ઓસ્ટ્રેલિયાના વિઝાથી સરળતા નહીં મળે એવી વાતો થઈ રહી હતી. પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે AI-ECTA હેઠળ કરાર થયેલા છે.

કેટલાક જાણકારોનું કહેવું છે કે અંગ્રેજીના ટેસ્ટ પર વધારે ભાર મૂકવામાં આવે તો પણ ભારતીય સ્ટુડન્ટને ખાસ અસર થવાની શક્યતા ઓછી છે કારણ કે આ બાબતમાં તેમનો દેખાવ પહેલેથી સારો છે. ઓગસ્ટ 2023ના આંકડા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના 1.20 લાખ સ્ટુડન્ટ અભ્યાસ કરતા હતા. એટલે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીયો બીજા ક્રમે સૌથી મોટું વિદેશી સ્ટુડન્ટનું જૂથ છે.

ઓસ્ટ્રેલિયાએ સ્પષ્ટતા કરી છે કે તે હજુ પણ હાઈ ક્વોલિટી સ્ટુડન્ટને આવકારવા માટે તૈયાર છે. ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા ઘટવાના બદલે વધવાની છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશ્નર ફિલિપ ગ્રીને કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે કમિટમેન્ટ થયા છે તેનું પાલન કરવામાં આવશે. ભારતીયોએ એજ્યુકેશનમાં જે સિદ્ધિ મેળવી હશે તેના આધારે તેમને ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિઝા મળતા રહેશે.

ઓસ્ટ્રેલિયાની માઈગ્રેશન નીતિ ઘણા સમયથી વિવાદમાં છે કારણ કે સ્થાનિક લોકોને લાગે છે કે આ પોલિસીનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાએ માઈગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાની યોજના બનાવી છે. તેઓ ઓછામાં ઓછા 50 ટકાનો ઘટાડો કરવા માંગે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન સરકારે ઘર ખાલી રાખનારા વિદેશી ખરીદદારો માટે ફીમાં પણ વધારો કર્યો હતો. વિદેશી ખરીદદાર ઘર ખરીદ્યા પછી છ મહિના સુધી ખાલી રાખે તો તેણે ડબલ વેકેન્સી ફી ભરવી પડશે. 62 ટકા જેટલા ઓસ્ટ્રેલિયન વોટર્સ માને છે કે ઓસ્ટ્રેલિયામાં વધુ પડતા બહારના લોકોને લેવામાં આવે છે. તેના કારણે પબ્લિક સેન્ટીમેન્ટ પણ માઈગ્રન્ટ વિરોધી બની રહ્યું છે.

Related posts

કેનેડામાં ભણવાના ચક્કરમાં 700 ભારતીયો સાથે ફ્રોડઃ ડિપોર્ટ કરવાના બદલે કેનેડા ચાન્સ આપશે

aapnugujarat

ખાનગી-સરકારી શાળામાં સીસીટીવી ફરજિયાત લગાવવા હાઈકોર્ટનો આદેશ

aapnugujarat

कक्षा-१२ साइंस की पूरक परीक्षा में अहमदाबाद के सिर्फ २३४ विद्यार्थी पास

aapnugujarat
UA-96247877-1