Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકન વિઝા ફીનો તોતિંગ વધારો હાલ પૂરતો ટળી ગયો

ભારતથી અમેરિકા જનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને US કોન્સ્યુલેટ પાસે વિઝાની અરજીઓનો ઢગલો થયો છે. આ દરમિયાન અમેરિકા પોતાના અલગ અલગ વિઝાની ફીમાં જંગી વધારો કરશે તેવા અહેવાલ આવ્યા હતા, જેના કારણે ભારતીયોની ચિંતા વધી ગઈ હતી. જોકે, હવે જાણવા મળ્યું છે કે અમેરિકન વિઝાની ફીનો વધારો હાલ પૂરતો ટાળી દેવાયો છે. હવે કદાચ એપ્રિલ 2024માં ફાઈનલ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

અમેરિકામાં એજ્યુકેશન અથવા બીજા કોઈ પણ કારણોથી જવું આમ પણ મોંઘું હોય છે. તેમાં પણ જો US visa feeમાં તોતિંગ વધારો થાય તો ઘણા લોકોને તે પોસાય તેમ નથી. આવી સ્થિતિમાં હાલ પૂરતી રાહત મળી હોય તેમ લાગે છે. અમેરિકાએ H-1B સહિત અનેક પ્રકારના વિઝાની ફી વધારવાની વિચારણા કરી હતી, પરંતુ હવે તે એપ્રિલ મહિના સુધી મુલતવી રખાયું છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે જાન્યુઆરી 2024થી જ વિઝા ફીમાં મોટો વધારો થશે.

ઈ-રજિસ્ટ્રેશનનો ચાર્જ વધી જશે
H-1B સહિતના વિઝાની ફી વધી જાય તો અમેરિકન કંપનીઓ પર મોટો ખર્ચ આવે તેમ હતો કારણ કે આ વિઝાની પ્રક્રિયા તેમણે કરવાની હોય છે. આ વિઝાની એપ્લિકેશન ફી 70 ટકા વધીને 780 ડોલર થવાની શક્યતા હતી. વિદેશી કર્મચારીને સ્પોન્સર કરનાર અમેરિકન કંપનીએ લોટરીમાં પસંદ થયેલા લોકો માટે H-1B વિઝાની વિગતવાર અરજી કરીને ઈ-રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. માર્ચ મહિનામાં સામાન્ય રીતે H-1B કેપની લોટરી થતી હોય છે. ઈ-રજિસ્ટ્રેશન માટેની ફી 10 ડોલરથી વધારીને 215 ડોલર કરવાની દરખાસ્ત હતી જેથી કરીને લોટરીના મિકેનિઝમનો દુરુપયોગ ન થાય.

લોટરીમાં સફળ થયેલા લાભાર્થીઓ માટે ફાઈલિંગની વિન્ડો એપ્રિલ મહિનામાં ખુલશે. હવે ફીમાં વધારો મોકુફ રાખવામાં આવ્યો હોવાથી 2024-25 માટે H-1B કેપ એપ્લિકેશનને ઉંચી ફીની અસર નહીં થાય તેમ લાગે છે.

EB-5 ઈન્વેસ્ટરો માટે ફીમાં વધારો
અમેરિકન ઓથોરિટી NPRM દ્વારા સિટિઝનશિપની ફી 19 ટકા વધારવાની દરખાસ્ત છે જેને 640 ડોલરથી વધારીને 760 ડોલર કરવામાં આવશે. સૌથી વધુ ફીનો વધારો EB-5 ઈન્વેસ્ટરો માટે હતો જેઓ અમેરિકામાં રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવતા હોય છે. એનપીઆરએમના આંકડા મુજબ રોકાણકારોએ પોતાની I-526 પિટિશન માટે 11160 ડોલરની ફી ફરવી પડશે જે અગાઉ કરતા 204 ટકા વધારે છે જ્યારે I-829 પિટિશન માટે 9535 ડોલરની ફી ભરવાની તૈયારી રાખવી પડશે. એટલે કે અગાઉની ફી કરતા નવી ફીમાં 148 ટકાનો વધારો થયો છે.

વહેલી અરજી કરીને ફી વધારામાંથી બચી શકો
અમેરિકન વિઝા ઓથોરિટીને અત્યારે ફંડિંગની ખાસ જરૂર છે અને આ રકમ તે ફીમાં વધારો કરીને મેળવશે તેવું ઈમિગ્રેશન એક્સપર્ટ્સ માને છે. તેઓ કહે છે કે જાન્યુઆરી 2023માં જે ફી વધારાની દરખાસ્ત કરવામાં આવી હતી તેમાં બહુ મોટો ફેરફાર નહીં કરાય. એટલે કે એપ્રિલ મહિનાથી ઉંચી ફી અમલમાં આવવાની છે. તેમની સલાહ છે કે નવો ફી વધારો લાગુ થાય તે અગાઉ EB-5 પ્રોગ્રામમાં રોકાણ કરવામાં આવે કારણ કે તેની ફીમાં ઘણો મોટો વધારો આવવાનો છે. જે લોકો અમેરિકન સિટિઝન શિપ અથવા ગ્રીન કાર્ડ મેળવવા માંગે છે તેમને પણ વહેલાસર અરજી કરવાની સલાહ અપાય છે.

Related posts

અમેરિકામાં -૪૦ ડિગ્રી તાપમાન

aapnugujarat

કુલભૂષણ જાધવની સજા માફી પર વિચાર કરી શકે છે પાકિસ્તાનઃ અબ્દુલ બાસિત

aapnugujarat

અમેરિકી છૂટ ખતમ થયા બાદ અમે ઈરાનથી તેલની ખરીદી બંધ કરી : ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા

aapnugujarat
UA-96247877-1