તાજેતરમાં કેનેડામાં સેટલ થવાના સપના જોઈ રહેલા કેટલાક ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ સાથે છેતરપિંડીની ઘટના બની છે જેમાં એકલા ભારતીયોની સંખ્યા 700 જેટલી છે. આ મામલે કેનેડાએ મોટું મન રાખીને આ યુવાનોને સેકન્ડ ચાન્સ આપવાનો નિર્ણય લીધો છે. એટલે કે આ સ્ટુડન્ટ્સને ડિપોર્ટ કરવામાં નહીં આવે, પરંતુ તેમને કેનેડામાં કાયદેસર રીતે વસવા માટે એક તક આપવામાં આવશે.
શું છે આખો મામલો?
કેનેડિયન બોર્ડર સિક્યોરિટી એજન્સી (CBSA)ની તપાસમાં બહાર આવ્યું હતું કે ઘણા લોકો સાથે કેનેડામાં ઈમિગ્રેશન કરાવી આપવાના નામે છેતરપિંડી થઈ છે. તેમાં 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓના એડમિશન ઓફર લેટર બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. તેના કારણે CBSA દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશનની નોટિસ ફટકારવામાં આવી હતી. હવે કેનેડાના ઈમિગ્રેશન મંત્રીએ જણાવ્યું છે કે અમારે હેતુ આ કૌભાંડનો ભોગ બનેલા લોકોને પરેશાન કરવાનો નહીં પરંતુ આ માટે જવાબદાર લોકોને સજા કરવાનો છે. જે લોકો ફ્રોડનો ભોગ બન્યા છે તેમને પોતાનો પક્ષ રજુ કરવા માટે એક તક આપવામાં આવશે. તેઓ પોતાની પરિસ્થિતિ રજુ કરી શકશે અને પોતાના કેસ માટે પૂરાવા આપી શકશે.
કેનેડામાં ઘણા લોકો બનાવટી એક્સેપ્ટન્સ લેટર લઈને આવે છે જે ઓક મોટી સમસ્યા બની ગયું છે. હવે કેનેડાના પ્રયાસો છે કે જે તે સંસ્થા દ્વારા તે એક્સેપ્ટન્સ લેટરની ચકાસણી કરવામાં આવે.
જલંધરથી મોટું કૌભાંડ થયું
કેટલાક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જલંધર સ્થિત સ્ટડી અબ્રોડ (Study Abroad) નામની કંપનીએ 2018થી 2022 વચ્ચે વિદ્યાર્થીઓના નામે 700થી વધારે બનાવટી વિઝા અરજીઓ ફાઈલ કરી હતી. આ વિદ્યાર્થીઓ જ્યારે કેનેડા પહોંચે ત્યારે તેમને કોઈ પણ કોલેજમાં એડમિશન થયું ન હોવાનું જાણવા મળતું હતું. ત્યાર પછી તેમણે ભારત પરત જવું ન પડે અને રૂપિયા ગુમાવવા ન પડે તે માટે કેનેડાની ઓછી જાણીતી અને નબળી કોલેજોમાં ફરજિયાત એડમિશન લેવું પડતું હતું.
આ સ્ટુડન્ટ જ્યારે પોતાનો કોર્સ તથા વર્ક રિક્વાયરમેન્ટની જરૂરિયાત પૂરી કરીને કેનેડાના પીઆર માટે અરજી કરતા હતા ત્યારે સમસ્યા શરૂ થતી હતી. CBSA દ્વારા જ્યારે એ વાતની ચકાસણી કરવામાં આવી કે વિઝાને કયા ડોક્યુમેન્ટના આધારે આપવામાં આવ્યા છે ત્યારે જાણવા મળ્યું કે તમામ સ્ટુડન્ટ પાસે બનાવટી ડોક્યુમેન્ટ હતા. તેન કારણે આ મામલે કોર્ટ કાર્યવાહી થઈ અને ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશનની નોટિસ આપવામાં આવી હતી.
ભારતીય વિદ્યાર્થીઓની હાલત એકદમ કફોડી થઈ ગઈ કારણ કે CBSAના અધિકારીઓ તેમની કોઈ દલીલ સ્વીકારવા તૈયાર ન હતા અને સમગ્ર કૌભાંડમાં સ્ટુડન્ટ્સ પણ સામેલ છે તેવા આરોપ થયા હતા. વિદ્યાર્થીઓની દલીલ હતી કે તેમણે બધી પ્રકારિયા એજન્ટ મારફત કરાવી છે તેથી એજન્ટો જ આ માટે જવાબદાર છે, પરંતુ આ દલીલ સ્વીકારાઈ ન હતી.
આ ઉપરાંત ફ્રોડનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને કેનેડામાં લેન્ડ થવા બદલ કેનેડિયન વિઝા અને એરપોર્ટ ઓથોરિટીની જવાબદારી હોવાનો પણ CBSAએ ઈનકાર કર્યો હતો. હવે આ યુવાનોને પોતાની જાતને ફરીથી પૂરવાર કરવા માટે એક તક અપાશે અને તેમને દેશમાંથી કાઢી મુકવામાં નહીં આવે.
ફ્રોડથી બચવું હોય તો કેનેડા જતી વખતે કઈ વાતો ધ્યાનમાં રાખવી?
વિદ્યાર્થીઓને ગમે તે ભોગે કેનેડા પહોંચાડી દેવાના નામે ભારતમાં ઘણી જગ્યાએ મોટા પાયે ફ્રોડ ચાલતા હોય છે. તેમાં વિદ્યાર્થીઓ પોતાની ઈચ્છાથી અથવા જાણે-અજાણે ફસાઈ જતા હોય છે. આ માટે આટલું યાદ રાખોઃ
ઈન્ટરનેશનલ સ્ટુડન્ટે કેનેડા જતા પહેલાં સ્ટડી પરમિટની અરજી કરવી ફરજિયાત છે. આવી અરજીઓના રિવ્યૂ અને તેના પ્રોસેસ માટે IRCC જવાબદાર છે.
એક વખત સ્ટડી પરમિટ ઈશ્યૂ થઈ જાય ત્યાર બાદ IRCC દ્વારા નિર્ધારિત સંસ્થામાં નોંધાયેલા સ્ટુડન્ટ્સનું કોમ્પ્લાયન્સ મોનિટરિંગ પણ કરવામાં આવે છે.
કેનેડિયન પોર્ટ ઓફ એન્ટ્રી પર પહોંચો ત્યારે ટ્રાવેલરે CBSA અધિકારીને દેખાડવું પડશે કે તેઓ કેનેડામાં એન્ટ્રી માટે જરૂરી તમામ નિયમોનું પાલન કરે છે.
તમને કેનેડાની સ્ટડી પરમિટ મળે છે તેનો અર્થ એ નથી કે વિઝા મળી ગયા છે. તેની મદદથી તમે સીધા કેનેડામાં એન્ટ્રી નહીં કરી શકો. ઈન્ટરનેશનલ સ્ટુડન્ટે વિઝિટર વિઝા અથવા ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન (eTA) મેળવવું જરૂરી છે.
બોર્ડર સર્વિસ ઓફિસરને લાગે કે તેમને આપવામાં આવેલી માહિતી ખોટી છે, તો તેઓ ગમે તે પોર્ટ ઓફ એન્ટ્રી પરથી પરમિટ આપવાની ના પાડી શકે છે. વિદેશી વ્યક્તિને સિક્યોરિટી, હેલ્થ અથવા ફાઈનાન્શિયલ કારણોથી પ્રવેશ કરતા અટકાવી શકાય છે.
તમે કેનેડા પહોંચો ત્યારે તમે શા માટે ટ્ર્રાવેલ કરી રહ્યા છો તેના પૂરતા પૂરાવા અને ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. તેમાં તમારે કોઈ પણ સંસ્થાનો એક્સેપ્ટન્સ લેટર રજુ કરવો પડી શકે છે. આ ઉપરાંત તમારી પાસે ટ્યુશનનો ખર્ચ ઉઠાવવા અને પોતાના રોજિંદા ખર્ચ માટે પૂરતા રૂપિયા છે તેના પૂરાવા પણ આપવા પડશે.