Aapnu Gujarat
બિઝનેસ

ભાજપના સોલિડ વિજયને બજારે વધાવી લીધું : સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે ચારમાંથી ત્રણ રાજ્યમાં બહુમતી મેળવી હોવાથી શેરબજાર પર તેની પોઝિટિવ અસર પડી છે. આજે સેન્સેક્સ સીધું 950 પોઈન્ટથી વધારે અપમા ખુલ્યું હતું. આ લખાય છે ત્યારે સેન્સેક્સ 985 પોઈન્ટ વધીને 68466 પર ચાલે છે જ્યારે નિફ્ટી 305 પોઈન્ટ અથવા 1.50 ટકા વધીને 20572 ની સપાટી પર છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે એક્ઝિટ પોલ કરતા પણ વધુ સારો દેખાવ કર્યો છે અને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ જેવા નોર્થના રાજ્યો જીતી લીધા છે, જ્યારે તેલંગણામાં કોંગ્રેસનો વિજય થયો છે.

મિઝોરમમાં આજે મતગણતરી ચાલુ છે. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપનો જુસ્સો ઘણો વધી ગયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2024માં પણ હેટટ્રિક કરવાનું એલાન કર્યું છે. તેના કારણે સ્ટોક માર્કેટમાં આજે તીવ્ર વધારો જોવા મળ્યો છે.

માર્કેટને અપેક્ષા છે કે લોકપ્રિયતા વધારતી નીતિઓ ચાલુ રાખીને પણ ભારત આર્થિક સુધારા જારી રાખશે જેના કારણે ઈકોનોમીને ફાયદો થશે. ગયા સપ્તાહમાં જ ભારતીય સ્ટોક માર્કેટની બજારમૂડી ચાર ટ્રિલિયન ડોલર એટલે કે ચાર લાખ કરોડ ડોલરને પાર કરી ગઈ હતી. ભારતનું જીડીપી પણ હવે ચાર ટ્રિલિયન ડોલરને વટાવે તેવી અપેક્ષા છે. આગામી બે વર્ષમાં ભારત જાપાનને પાછળ રાખીને વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

આ લખાય છે ત્યારે ICICI Bank, SBI, ભારતી એરટેલ, Mahindraના શેરમાં બે ટકા કરતા વધુ વધારો થયો છે. માત્ર મારુતિ સુઝુકીનો શેર ઘટાડે ચાલી રહ્યો છે. બાકી સેન્સેક્સના 30માંથી 29 શેર પોઝિટિવ છે.

ભારતીય બજાર પર એશિયન બજારોના ટ્રેડની પણ અસર પડી છે જેમાં ફેડ રિઝર્વે જણાવ્યું છે કે તેમને વ્યાજના દરમાં ઘટાડો કરવાની કોઈ ઉતાવળ નથી. આજે ગોલ્ડ અને ઓઈલના ભાવમાં પણ વધારો થયો છે. શુક્રવારે અમેરિકન સ્ટોક્સ અને બોન્ડમાં ઉછાળો આવ્યો હતો.

આજે પ્રિ-ઓપન સેશનમાં સેન્સેક્સ 1001 પોઈન્ટ વધીને 68,482 પર પહોંચ્યો હતો જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 310 પોઈન્ટ વધીને 20,578 પર હતો. મોદી સરકારના આર્થિક સુધારા ચાલુ રહેશે અને ઈકોનોમીને વેગ મળશે તેવી આશાથી બજારમાં આ તેજી જોવા મળી છે. એક્સપર્ટ માને છે કે આગામી દિવસોમાં ભાજપ ગ્રામીણ અર્થતંત્ર પર વધારે ફોકસ કરે તેવી શક્યતા છે. તેથી હેલ્થકેર અને રુરલ સેક્ટરને લગતા સ્ટોક્સમાં રોકાણ કરી શકાય છે.

એક્સપર્ટ શું કહે છે?
જિયોજિત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડો. વી કે વિજયકુમારે જણાવ્યું કે રાજ્યોની ચૂંટણીના પરિણામો માર્કેટ માટે મોટી ઈવન્ટ સાબિત થયા છે. માર્કેટને રાજકીય સ્થિરતા અને સુધારાતરફી, માર્કેટ ફ્રેન્ડલી સરકાર પસંદ હોય છે. બજારના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો આ રિઝલ્ટ અપેક્ષા કરતા પણ વધુ સારું હતું. ભાજપના વિજયને પહેલેથી ડિસ્કાઉન્ટ કરી દેવાયું હતું. પરંતુ આ વખતનો મૂડ અલગ હતો. નજીકના ગાળામાં બજાર ફંડામેન્ટલ્સને અવગણીને ઉપર વધતું રહેશે.

Related posts

NPA કટોકટી : રાજનને માહિતી આપવા હુકમ

aapnugujarat

સિરિયામાં હુમલાની અસર હેઠળ શેરબજારમાં ઉતારચઢાવ રહી શકે

aapnugujarat

હોમ અને કાર લોન મોંઘી થવાનાં એંધાણ

aapnugujarat
UA-96247877-1