ક્રિપ્ટો કરન્સી બજારમાં અત્યારે ભારે ઉતારચઢાવનો માહોલ છે. એક સમયે ક્રિપ્ટો કરન્સીમાં આગ ઝરતી તેજી હતી, પરંતુ ત્યાર પછી કેટલાક કૌભાંડો બહાર આવતા જ તેનો ફુગ્ગો ફૂટી ગયો છે. જોકે, અત્યારે પણ સૌથી મહત્ત્વની ક્રિપ્ટો કરન્સી Bitcoin જ ગણાય છે. આજે બિટકોઈનનો ભાવ મે 2022 પછી પહેલી વખત 40,000 ડોલરને પાર કરી ગયો હતો. અમેરિકામાં વ્યાજના દર ઘટશે અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડની ડિમાન્ડ વધશે તેવી શક્યતા હોવા છતાં બિટકોઈનના ભાવમાં ઉછાળો આવ્યો છે. સિંગાપોરના માર્કેટમાં આજે સવારે બિટકોઈનના ભાવમાં લગભગ એક ટકાનો વધારો થતા તેની કિંમત 40,005 ડોલર થઈ ગઈ હતી. વર્ષ 2023માં બિટકોઈનની વેલ્યૂમાં લગભગ 142 ટકાનો વધારો થયો છે.
છેલ્લે TerraUSD સ્ટેબલ કોઈનમાં કડાકો આવ્યો તે અગાઉ બિટકોઈનનો ભાવ 40,000 ડોલર પર હતો. પરંતુ સ્ટેબલ કોઈનના કડાકામાં બિટકોઈનની વેલ્યૂમાં ભારે ધોવાણ થયું હતું. અમેરિકામાં હવે આગામી વર્ષથી વ્યાજદરમાં કાપ મૂકવામાં આવે તેવી શક્યતા છે. આ દરમિયાન બ્લેકરોક જેવી કંપની પણ પોતાનું પ્રથમ બિટકોઈન એક્સચેન્જ ટ્રેડેડ ફંડ લોન્ચ કરવા જઈ રહ્યું છે. બ્લેકરોકે આ માટે એપ્લિકેશન કરી દીધી છે. જાન્યુઆરી સુધીમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા આવા ફંડને મંજૂરી મળી જશે તેમ માનવામાં આવે છે.
હવે ઘણા એનાલિસ્ટ માને છે કે ક્રિપ્ટો કરન્સીની ઈન્ડસ્ટ્રીમાં મેચ્યોરિટી આવી રહી છે. તેના કારણે જ ગોટાલા સામે પગલાં લેવાઈ રહ્યા છે અને કાયદેસરના ઈટીએફ લોન્ચ થઈ રહ્યા છે. આનાથી ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટર બેઝમાં મોટો વધારો થશે. જોકે, બિટકોઈન હજુ મોટા ભાગના લોકો માટે નવું સાધન છે તેથી તેમાં રોકાણ કરનારાઓ તેને બરાબર સમજે છે કે નહીં તે સવાલ છે.
બિટકોઈન એ સૌથી મોટું ટોકન ગણવામાં આવે છે જેની વેલ્યૂ નવેમ્બર 2021માં 69,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. બિટકોઈન અને બીજા નાના ટોકન જેવા કે ઈથર અને BNBનો ભાવ ઓલ ટાઈમ રેકોર્ડ સપાટીએ પહોંચ્યા પછી ઘણો ઘટી ગયો છે. કોવિડ દરમિયાન આ કોઈન્સમાં તેજી હતી, પરંતુ કોવિડ પછી તેના ભાવ સાવ ગગડી ગયા છે. ભારત સરકાર ક્રિપ્ટો કરન્સીની ફેવરમાં નથી. આરબીઆઈએ વારંવાર કહ્યું છે કે ક્રિપ્ટો એક જોખમી રોકાણ છે અને તેને અંડરલાઈંગ એસેટનો ટેકો નથી.