કેનેડામાં ભારત વિરોધી તત્વો કેટલા બેખોફ થઈને ભારતને ધમકી આપે છે તેનો વધુ એક પુરાવો મળ્યો છે. કેનેડામાં ખાલિસ્તાન તરફી ચળવળ ચલાવતા ગુરપતવંત સિંહ પન્નુએ શીખોને ચેતવણી આપી છે કે 19 નવેમ્બર પછી કોઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવું નહીં, કારણ કે ત્યાર પછી બધાના જીવ જોખમમાં મૂકાવાના છે. ખાલિસ્તાન તરફી ત્રાસવાદીઓ દાયકાઓ અગાઉ એર ઈન્ડિયાની કેનેડાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી ચૂક્યા છે તેથી આ ધમકીને પણ બહુ ગંભીરતાથી લેવામાં આવે છે. કેનેડામાં ભારત વિરોધી તત્વો ઘણા સમયથી સક્રિય થયા છે અને તેમાં કેટલાક ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓ શંકાસ્પદ સંજોગોમાં માર્યા ગયા છે. કેનેડામાં અત્યારે શીખ ફોર જસ્ટિસ નામનું કટ્ટરવાદી સંગઠન સક્રિય છે જેના વડા તરીકે ગુરપતવંત સિંહ પન્નુ છે. તેણે શીખોને સલાહ આપી છે કે 19 નવેમ્બર પછી કોઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બેસવું નહીં. અગાઉ 1985માં એર ઈન્ડિયાની બોઈંગ 747 કનિષ્ક ફ્લાઈટને આકાશમાં જ ઉડાવી દેવાઈ હતી.
પન્નુને કહ્યું છે કે 19 નવેમ્બરે ગ્લોબલ બ્લોકેડ કરવામાં આવશે અને એર ઈન્ડિયા કોઈ પણ જગ્યાએ ઉડાન નહીં ભરી શકે. તે દિવસે ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ બંધ રાખવા માટે પન્નુને હાકલ કરી છે.
19 નવેમ્બર એ દિવસ છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ રમાવાની છે. તે દિવસે આખી દુનિયાને દેખાડવામાં આવશે કે ભારતમાં શીખોનો હત્યાકાંડ થયો હતો અને તે ભારતે કરાવ્યો હતો. આપણે જ્યારે પંજાબને આઝાદ કરાવીશું ત્યારે તે એરપોર્ટના નામ શહીદ બિયંત સિંહ અને શહીદ સતવંત સિંહ એરપોર્ટ રાખવામાં આવશે.
19 નવેમ્બર એ વડાપ્રધાન ઈંદિરાગાંધીની જન્મ જયંતિ પણ છે જેમની ઓપરેશન બ્લૂસ્ટારના વિરોધમાં હત્યા કરવામાં આવી હતી. અગાઉ ખાલિસ્તાનવાદી ત્રાસવાદીઓએ એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી દીધું હતું જેમાં 329 પેસેન્જર માર્યા ગયા હતા. મૃતકોમાં 268 કેનેડિયન નાગરિકો હતા જેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના હતા. આ ઉપરાંત 24 ભારતીય નાગરિકોના મોત થયા હતા. પન્નુન એક વિવાદાસ્પદ અને કુખ્યાત વ્યક્તિ છે અને તે વારંવાર હિંસા માટે ઉશ્કેરે તેવા નિવેદનો આપે છે.