અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જેનાથી H-1B વર્કર્સના પતિ કે પત્નીને મોટો ફાયદો થશે. અમેરિકામાં H-1B વિઝા હોલ્ડરના સ્પાઉઝને નોકરી કરવાની અથવા પોતાનું કોઈ સ્વતંત્ર કામ કરવાની જે તક મળી હતી તે ચાલુ રહેશે. EAD તરીકે ઓળખાતા રુલને કેટલાક સંગઠનોએ સુપ્રીમમાં પડકાર્યો હતો, પરંતુ તેમાં તેમને સફળતા નથી મળી. સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના એક ઓર્ડરને રિવ્યૂ કરવાનો ઈનકાર કર્યો છે જેમાં H-4 એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટેશન (ઈએડી) રૂલને માન્ય રાખવામાં આવ્યો હતો. એટલે કે H-1B વિઝાધારકના સ્પાઉઝને મોટી રાહત મળી છે અને તેમાં ભારતીયોની સંખ્યા સૌથી મોટી છે.
હવેથી EADનો નિયમ અમલમાં રહેશે. અમેરિકામાં લગભગ એક લાખ ભારતીયો પાસે EAD જેમાં મોટા ભાગે એચ-1બી વિઝાધારકની પત્નીઓ છે. તેથી તેઓ અમેરિકામાં કોઈ પણ ચિંતા વગર કામ કરી શકશે અથવા સેલ્ફ-એમ્પ્લોય્ડ બની શકશે. વર્ષ 2017નો ડેટા દર્શાવે છે કે 84,360 ભારતીય સ્પાઉઝ (જેમાં પતિ -પત્ની બંને સામેલ છે) પાસે ઈએડી છે. કુલ ઈશ્યૂ કરવામાં આવેલા ઈએડીમાં ભારતીયોનો હિસ્સો 93 ટકા છે. ઓબામાના વહીવટીતંત્રે વર્ષ 2015માં આ નિયમ લાગુ કર્યો હતો જેથી ઈમિગ્રન્ટ્સ અમેરિકા આવતા ખચકાય નહીં અને તેમને રાહત મળે. અમેરિકામાં એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ ગ્રીન કાર્ડ મેળવવામાં દાયકાઓ લાગી જાય છે તેથી ઈમિગ્રન્ટ્સ પરેશાન છે. હવે તેમને EAD ઈશ્યૂ થવાથી તેમની પરેશાની દૂર થશે.
EADના નિયમ સામે 2015માં એક કેસ દાખલ થયો હતો. અમેરિકાના લોકો માટે જોબ બચાવવા માગતા સંગઠન દ્વારા આ કેસ ફાઈલ કરાયો હતો. આ એવા લોકોનું સંગઠન છે જેમણે H-1B વિઝા હોલ્ડરોના કારણે જોબ ગુમાવી હોય. 30 માર્ચે કોલંબિયાની ડિસ્ટ્રીક્ટ કોર્ટે H-4 EADનો રુલ માન્ય રાખ્યો હતો. આ નિયમને બદલવા માટે અમુક સંગઠનો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પરંતુ સુપ્રીમે આ નિયમમાં કોઈ પણ ફેરફાર કરવાનો ઈનકાર કર્યો છે.
ઓક્ટોબરની શરૂઆતમાં પણ એક ચુકાદો આવ્યો હતો જે અમેરિકામાં ભારતીય ઈમિગ્રન્ટ્સ માટે ફાયદાકારક હતો. તેમાં યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસે ચોક્કસ એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ્સ (ઈએડી) માટે વેલિડિટી વધારીને પાંચ વર્ષ કરી હતી. આ વેલિડિટી એવા લોકો માટે છે જેમની ગ્રીન કાર્ડની એપ્લિકેશન હજુ પેન્ડિંગ છે અને કોઈ નિર્ણય લેવાયો નથી. અગાઉ EAD માત્ર બે વર્ષ માટે વેલિડ હતા અને તેને વારંવાર એક્સ્ટેન્ડ કરાવવા પડતા હતા.