ભારત બાદ હવે દુનિયાના સૌથી વિકસિત દેશ અમેરિકામાં પણ જય ભીમના નારા ગુંજવા લાગ્યા છે. તેના કારણે ભારતની બહાર ભારતીય સંવિધાન નિર્માતા ડો. ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમાનું ઔપચારિક રીતે અનાવરણ અમેરિકાના મેરીલેન્ડ શહેરમાં કર્યું છે. એક દિવસ પહેલા શનિવારે ૧૯ ફુટ ઊંચી આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેનું નામ સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી એટલે કે સમાનતાની પ્રતિમા આપવામાં આવ્યું છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ દરમ્યાન અમેરિકાના વિવિધ ભાગમાંથી ૫૦૦થી વધારે ભારતીય- અમેરિકી નાગરિકો ઉપરાંત ભારતથી અને અન્ય દેશોમાંથી કેટલાય લોકો સામેલ થયા હતા. અનાવરણના સમયે હાજર લોકોએ જય ભીમના નારા પણ લગાવ્યા હતા. સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટીના અનાવરણ સમારંભમાં સામેલ થવા માટે લોકો ભારે વરસાદ બાદ પણ અડગ રહ્યા હતા. કેટલાય લોકોએ તો આ ઐતિહાસિક કાર્યક્રમમાં સામેલ થવા માટે લગભગ ૧૦ કલાક સુધી લાંબી યાત્રા પણ કરી હતી.
દેશના અલગ અલગ ભાગમાંથી આવેલા ભારતીય-અમેરિકનોએ ત્યાં કેટલાય પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા. તો વળી અમેરિકામાં આંબેડકરવાદી આંદોલનનું નેતૃત્વ કરનારા દિલીપ મ્હાસ્કેએ કાર્યક્રમમાં ભાગ લેતા કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી ૧.૪ અબજ ભારતીયો અને ૪.૫ મિલિય ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિત્વ કરશે.
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની છે. તેને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નામ આપવામાં આવ્યું છે. જેને પ્રસિદ્ધ કલાકાર અને મૂર્તિકાર રામ સુતારે બનાવી છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટી ગુજરાતમાં સરદાર સરોવર ડેમની નીચે અને નર્મદાના એક દ્વિપ પર સ્થાપિત કરેલી છે. તેમણે જ અમેરિકામાં ભીમરાવ આંબેડકરની સૌથી ઊંચી પ્રતિમા બનાવી છે.
અમેરિકામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ ૧૪ ઓક્ટોબરની તારીખ પસંદ કરવા પાછળનું ખાસ કારણ છે. સ્વતંત્ર ભારતમાં પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુના પ્રથમ મંત્રીમંડળમાં ડો. આંબેડકરને કાનૂન અને ન્યાય મંત્રી બનાવ્યા હતા. બાદમાં આંબેડકરે ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ના રોજ પોતાના સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. તેમના બૌધ્ધ ધર્મ અપનાવવાની તારીખ અને મેરીલેન્ડમાં પ્રતિમાનું અનાવરણની તારીખ એક રાખવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસથી સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી દક્ષિણમાં લગભગ ૨૨ માઈલ દૂર છે. ૧૩ એકરમાં બનેલા આ સેન્ટર પ્રતિમા ઉપરાંત લાઈબ્રેરી, કન્વેંશન સેન્ટર અને બુદ્ધ ગાર્ડન પણ છે. આપને જણાવી દઈએ કે, ડોક્ટર ભીમરાવ આંબેડરનો જન્મ ૧૪ એપ્રિલ ૧૮૯૧માં થયો હતો. તેઓ ભારતની સંવિધાન સભાના ડ્રફ્ટિંગ કમિટિના અધ્યક્ષ પણ હતા.
આગળની પોસ્ટ