ભારતથી કેનેડા ગયેલા અને ત્યાં ઠરીઠામ થયેલા લોકોની સંખ્યા નવો રેકોર્ડ બનાવી રહી છે. તેના કારણે ભારતથી પોતાના પેરન્ટ્સ કે ગ્રાન્ડ પેરન્ટ્સને કેનેડા બોલાવવા માગતા અને તેમને પીઆર (પર્મેનન્ટ રેસિડન્સી) અપાવવા માગતા લોકોની સંખ્યા પણ વધી છે. આ લોકોને પેરન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરન્ટ્સ સ્પોન્સરશિપ સ્કીમ હેઠળ કેનેડા બોલાવી શકાય છે જેની નવી બેચ ૧૦ ઓક્ટોબરથી શરૂ થશે. આ સ્કીમ હેઠળ લગભગ ૨૪,૨૦૦ સ્પોન્સર્સ પાસેથી અરજીઓ મગાવવામાં આવશે.
કેનેડાના ઈમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ વિભાગ દ્વારા ચાલુ વર્ષમાં વધુમાં વધુ ૧૫,૦૦૦ અરજીઓ સ્વીકારવામાં આવશે અને આ લોકોને પેરન્ટ્સ એન્ડ ગ્રાન્ડ પેરન્ટ્સ સ્પોન્સરશિપ પ્રોગ્રામમાં સામેલ કરવામાં આવશે. તેથી આ લોકો પોતાના માતાપિતા કે દાદા-દાદી, નાના-નાનીને કેનેડા આમંત્રિત કરી શકશે. ઇમિગ્રેશન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે બે અઠવાડિયાના સમયગાળામાં આ આમંત્રણ આપવામાં આવશે અને તે ૧૦ ઓક્ટોબર ૨૦૨૩થી શરૂ થશે.
એક મહત્ત્વનો ફેરફાર એ પણ જોવા મળ્યો છે કે આઈઆરસીસીને જે અરજીઓ મળશે તેમાંથી રેન્ડમલી સ્પોન્સર્સની પસંદગી કરવામાં આવશે. તેનાથી એપ્લિકેશનની પ્રોસેસ વધારે વ્યવસ્થિત થશે. માતાપિતા કે ગ્રાન્ડ પેરન્ટને કેનેડાના પીઆર અપાવવા માટે કઈ રીતે સ્પોન્સર કરવા કોઈ વ્યક્તિ પોતાના માતાપિતા અથવા ગ્રાન્ડ પેરન્ટને કેનેડાના પીઆર માટે સ્પોન્સર કરવા માગતી હોય તો તેની વય ઓછામાં ઓછા ૧૮ વર્ષ હોવી જોઈએ. તે વ્યક્તિ કેનેડાની નાગરિક અથવા પીઆર હોવી જોઈએ. અથવા કેનેડિયન ઈન્ડિયન એક્ટ હેઠળ રજિસ્ટર થયેલી હોવી જોઈએ. તમે જે લોકોને સ્પોન્સર કરવા માગતા હોવ તેને સપોર્ટ કરવા માટે પૂરતી આવક હોવી જોઈએ. આઈઆરસીસીની ગાઈડલાઈન પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષની આવકના પૂરાવા આપવાના રહેશે.
આ સ્કીમ હેઠળ સ્પોટ મેળવી ન શકે તેવા લોકોને સુપર વિઝા મળી શકે છે. આ વિઝાની મદદથી કેનેડામાં વધારે લાંબા સમય માટે મુલાકાત લઈ શકાય છે. તેથી પરિવારજનો એકબીજા સાથે વધુ સમય ગાળી શકે છે. સુપર વિઝા ૧૦ વર્ષના સમયગાળા માટે વેલિડ છે અને તેના દ્વારા કેનેડામાં મલ્ટિપલ એન્ટ્રી કરી શકાય છે. આ ઉપરાંત સુપર વિઝા હોલ્ડરો કેનેડામાં એક સાથે ૫ વર્ષ સુધી રહી શકે છે. આ ઉપરાંત તેઓ પોતાના રોકાણને બે વર્ષ માટે લંબાવી શકે છે અને તેના માટે તેમણે દેશ છોડવાની પણ જરૂર નથી.
સુપર વિઝા એક એવી સગવડ છે જેનાથી વાલીઓ અને દાદા-દાદી અથવા નાના-નાની પોતાના પરિવારજનોને મળવા સળંગ પાંચ વર્ષ સુધી જઈ શકે છે અને તેમાં તેમણે વિઝિટર સ્ટેટસને રિન્યૂ કરવાની જરૂર નથી. તે લોકો પહેલેથી સુપર વિઝા ધરાવે છે તેઓ કેનેડામાં વિઝિટર તરીકે સાત વર્ષ સુધી રહી શકે છે.
આગળની પોસ્ટ