Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભોપાલમાંઓનર કિલિંગ : પરિવારે દીકરી અને તેના પ્રેમીની ગોળી મારીને કરી હત્યા

મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાંથી ઓનર કિલિંગનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જ્યાં એક યુવતી અને તેના પ્રેમીની માતા-પિતાએ કથિત રીતે હત્યા કર્યા બાદ લાશને પથ્થર સાથે બાંધી દીધી હતી, જે બાદ મગરથી ભરેલી ચંબલ નદીમાં ફેંકી દીધી હતી. મોરેનાના એસપી શૈલેન્દ્ર સિંહ ચૌહાણે કહ્યું હતું કે, આરોપી દ્વારા ઓળખવામાં આવેલા કેટલાક સ્થળ પર ગોતાખોરોની મદદથી તેમના મૃતદેહની શોધ કરવામાં આવી રહી છે. ‘અમને હજી સુધી કંઈ જ મળ્યું નથી. તપાસ ચાલી રહી છે’, તેમ એક અધિકારીએ કહ્યું હતું. મોરેના જિલ્લાના અંબાહ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ્સ પ્રમાણે, ઘટના આશરે બે મહિના પહેલા બની હતી. યુવતીના પરિવારે અન્ય કેટલાક સંબંધો સાથે મળીને યુવાન કપલને ગોળી ધરબી દીધી હતી. જે બાદ તેમની લાશને નદીમાં ફેંકી દીધી હતી. આ ગુનાની જાણ થયા બાદ પોલીસે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની (SDRF) ટીમ અને ગોતાખોરોને તૈનાત કર્યા હતા. ઘટના રતનબસાઈ ગામમાં બની હતી. આ ગામમાં રહેતી 18 વર્ષની શિવાની તોમરને પાડોશી ગામ બાલુપુરામાં રહેતા 21 વર્ષીય રાધેશ્યામ તોમર સાથે અફેર હતું. જો કે, જ્ઞાતિ સહિતના કેટલાક મુદ્દાને ધ્યાનમાં રાખીને બંનેનો પરિવાર તેમના આ સંબંધોની સખત વિરોધમાં હતો.

3 જૂનથી યુવતી અને યુવક બંને ગુમ હતા, જે બાદ રાધેશ્યામ તોમરના પરિવારે યુવતીના પરિવાર પર વારંવાર બંનેની હત્યાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે યુવતીના પરિવારના કેટલાક સભ્યોની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ હાથ ધરી હતી. જે બાદ શિવાનીના પિતા રાજપાર સિંહ તોમલ અને કેટલીક મહિલા સંબંધીઓએ બંનેની 3 જૂને ગોળી મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે બાદ રાતના અંધારામાં લાશને ચંબલ નદીમાં ફેંકી હોવાનું કહ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે, લાશને નદીમાં ફેંકી તેને 15 દિવસ થઈ ગયા છે. તેઓ મોટી માછલી અથવા મગરનો શિકાર બન્યા હોવાની આશંકા વચ્ચે લાશને શોધવાનું કામ વધુ પડકારજનક છે. છેલ્લા 10 દિવસથી રાધેશ્યામ તોમરનો પરિવાર અંબાહ પોલીસ સ્ટેશનથી લઈને પોલીસ સુપ્રીટેન્ડેન્ટની ઓફિસ સુધી ધક્કા ખાઈ રહ્યો છે અને હત્યાની તપાસ કરવા તેમજ લાશને શોધી આપવાની વિનંતી કરી રહ્યો છે. બંને કદાચ ભાગી ગયા હશે તેવી શક્યતા દર્શાવતા અંબાહ પોલીસે શરૂઆતમાં કેસ નોંધવાનો ઈનકાર કરી દીધો હતો. હકીકત એ હતી કે કપલ ઘણા દિવસથી ગાયબ હતું, આ માટે અંબાહ પોલીસ સ્ટેશનના ઓફિસર ઈન ચાર્જે એસપી અને અન્ય સીનિયર અધિકારીઓને આ અંગે સ્પષ્ટતા આપવી પડી હતી.

પરિવારના દાવા છતાં, કોઈ પ્રત્યક્ષદર્શીએ કપલને ગામ છોડી જતાં જોયાની જાણ કરી હતી. સાયબર ક્રાઈમ ટીમની તપાસ પણ કોઈ નિર્ણાયક પુરાવા મેળવવામાં નિષ્ફળ રહી હતી. પરિણામે, પોલીસે યુવતીના પરિવારની પૂછપરછ કરી જેમણે ગુનો કબૂલ્યો હતો અને આ ઘટનામાં પરિવારના સભ્યો તેમજ સંબંધીઓ સહિત કુલ 15 લોકો સામેલ હોવાનું જણાવ્યું હતું.
પૂછપરછ દરમિયાન, યુવતીના પિતાએ ખુલાસો કર્યો હતો કે, 3 જૂને જ રાધેશ્યામ અને શિવાનીની હત્યા કરવામાં આવી હતી, જે બાદ તેમની લાશને નદીમાં ફેંકી હતી. એસડીઆરફની ટીમ અને ગોતાખોરો ચંબલ નદીમાં સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે, પરંતુ જ્યાં સુધી લાશ નહીં મળે ત્યાં સુધી અધિકારીઓ હત્યા થઈ હોવાનું કન્ફર્મ કરી શકશે નહીં. પોલીસે કહ્યું હતું કે, લાશ ન મળે ત્યાં સુધી તેઓ હત્યા થઈ હોવાનું નહીં કરી શકે. ગોળી મારીને હત્યા કરાઈ હોવાનો આરોપ છે ત્યારે મોરેનાના એસપીએ કહ્યું હતું કે, આરોપીઓએ હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો કોઈ પુરાવો નથી. ‘જ્યાં સુધી લાશ ન મળે ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં, હાલ તપાસ ચાલી રહી છે’, તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

Female’s to be more safe in TN as CM hands over 40 vehicles to Amma patrol

aapnugujarat

ભ્રષ્ટાચાર કેસમાં તેજસ્વી યાદવની પણ આકરી પુછપરછ હાથ ધરાઈ

aapnugujarat

કર્ણાટક કેબિનેટનું વિસ્તરણ કરવા હિલચાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1