Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોંગ્રેસમાંથી ઉઠી પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવાની માગ

કર્ણાટકમાં ભાજપને હરાવ્યા બાદ કોંગ્રેસનું મનોબળ સાતમા આસમાને પહોંચી ગયું છે. કોંગ્રેસ હવે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને મિશન મોડ પર કામ કરી રહી છે. જોકે, કર્ણાટકની જીત બાદ કોંગ્રેસની અંદરથી કેટલાક અવાજો પણ આવવા લાગ્યા છે. આ અવાજ એ વાતનો સંકેત છે કે, પાર્ટી હવે એક મહિલા નેતૃત્વના સહારે લોકસભાના જંગમાં ઉતરવા ઈચ્છે છે. આ મહિલા છે, કોંગ્રેસના કદ્દાવર નેતા પ્રિયંકા ગાંધી. આ એ જ પ્રિયંકા ગાંધી છે, જેમણે કર્ણાટકમાં કેટલીક સભાઓમાં જ કોંગ્રેસના પક્ષમાં વાતાવરણ ઊભું કરી દીધું. કોંગ્રેસના ઘણા નેતા પણ કર્ણાટકની જીતનો શ્રેય રાહુલ કરતા વધુ પ્રિયંકાને જ આપી રહ્યા છે. કોંગ્રેસની અંદર જ નહીં કોંગ્રેસની બહાર પણ પ્રિયંકા ગાંધીની નેતૃત્વ ક્ષમતાની ભારે પ્રશંસા થઈ રહી છે.

રાજનીતિના જાણકારોનું કહેવું છે કે, કર્ણાટકમાં પ્રિયંકા ગાંધીએ જે રીતે પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ પર રાખી ચૂંટણી પ્રચાર કર્યો, તે સટિક નિશાના પર લાગ્યું અને અંધારામાં કૂવામાં ડૂબી રહેલી કોંગ્રેસને જીતનો સ્વાદ ચાખવા મળ્યો. કોંગ્રેસના સીનિયર નેતા પણ પ્રિયંકાની પ્રતિભાથી સારી રીતે વાકેફ છે. એ જ કારણ છે કે, પાર્ટીની અંદરથી હવે પ્રિયંકાને 2024માં કોંગ્રેસના વડાપ્રધાન પદનો ચહેરો બનાવવાની માગ ઉઠવા લાગી છે. તેની શરૂઆત કોંગ્રેસના સીનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કરી છે. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી ઘણો મોટો ચહેરો છે, જેને નરેન્દ્ર મોદીની સામે 2024ની લોકસભા ચૂંટણીમાં લાવવો જોઈએ. તે જ મોદીને સીધી ટક્કર આપી શકે છે.

કોંગ્રેસના સીનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમનું કહેવું છે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં જો પીએમ મોદીને હરાવવા છે તો વિપક્ષને એવો ચહેરો સામે લાવવો જોઈએ, જેનો ચહેરો દેશમાં ફેમસ હોય અને જે મોદીને ટક્કર આપી શકે. કૃષ્ણમે કહ્યું કે, ‘2024માં લોકસભા ચૂંટણીમાં મોદીને હરાવવા છે, તો વિપક્ષે કોઈ એવો ચહેરો લાવવો પડશે જે સૌથી વધુ પોપ્યુલર હોય. હાલમાં જેટલા પણ પ્રાદેશિક પક્ષોના નેતાઓ છે, તેઓ પોત-પોતાના રાજ્યોના નેતા છે અને રાષ્ટ્રીય સ્તર પર આ નેતાઓની કોઈ લોકપ્રિયતા નથી.’
કૃષ્ણમે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી આ દેશનો સૌથી મોટો ચહેરો છે અને 2024ની જે ચૂંટણી છે, તે મુદ્દા કરતા વધારે ચહેરાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે, ‘મને મારી વાત રજૂ કરવાનો અધિકાર છે અને નિર્ણય વિપક્ષે જ લેવાનો છે. હું વિપક્ષને એ કહેવા ઈચ્છું છું કે નરેન્દ્ર મોદીની સામે પ્રિયંકા ગાંધી ઘણો મોટો ચહેરો છે. પ્રિયંકા જ પીએમ મોદીને હરાવી શકે છે.’ તેમનું કહેવું છે કે, વિપક્ષે એ વાત પર વિચાર કરવો જોઈએ.

ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘણી વધી છે. રાહુલે જે રીતે લોકોને ગળે લગાવ્યા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું, તે આખા દેશે જોયું. પરંતુ તેમ છતાં રાહુલ ગાંધી હવે પીએમ ફેસની રેસમાંથી ધીરે-ધીરે બહાર થતા જઈ રહ્યા છે. આવું કેમ થયું? કોંગ્રેસની અંદરથી જ પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની માગ કેમ થવા લાગી છે? તેની પાછળ સૌથી મોટું કારણ છે, રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવી. હકીકતમાં, સુરતની કોર્ટે માનહાનિના એક કેસમાં રાહુલ ગાંધીને દોષી ઠેરવતા 2 વર્ષની સજા સંભળાવી હતી અને તેમનું સભ્યપદ પણ રદ કરી દેવાયું હતું. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી સાંસદ હતા. જનપ્રતિનિધિ કાયદા મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ મામલે 2 વર્ષ કરતા વધુની સજા થાય છે, તો એવામાં તેમનું સભ્યપદ રદ થઈ જાય છે. એટલું જ નહીં, સજા પૂરી કર્યા પછી 6 વર્ષ સુધી ચૂંટણી લડવા માટે તેઓ અયોગ્ય થઈ જાય છે.

રાજકીય જાણકારોનું કહેવું છે કે, વિપક્ષની પાસે જ્યાં સુધી કોઈ ચહેરો નહીં હોય, ત્યાં સુધી ભાજપને ટક્કર આપવી ઘણી મુશ્કેલ હશે. વિપક્ષ તરફથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પીએમ ચહેરા તરીકે જોવામાં આવી રહ્યા હતા. પરંતુ વિપક્ષમાં હજુ સુધી એકમત જોવા નથી મળ્યો. જોકે, જે રીતે મમતા બેનર્જી એક્ટિવ છે અને સતત વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે, તેનાથી એવું જરૂર લાગી રહ્યું છે કે, મમતા બેનર્જી વિપક્ષનો ચહેરો બની શકે છે. બીજી તરફ નીતિશ કુમાર પહેલા જ કહી ચૂક્યા છે કે, તેમની વડાપ્રધાન બનવાની કોઈ ઈચ્છા નથી. જોકે, રાહુલ ગાંધીના નામની ચર્ચા પણ હવે નથી થઈ રહી, ત્યારે પ્રિયંકા ગાંધીનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે.

Related posts

अनुच्छेद 370 हटाने से J&K में शांति स्थापित होगी : अमित शाह

aapnugujarat

પાટણ જિલ્લામાં સ્વાઇન ફ્લુના ૬ પોઝિટિવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી

aapnugujarat

અરૂંધતી પર ટ્‌વીટ કરીને ફસાયા પરેશ રાવલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1