Aapnu Gujarat
ગુજરાત

નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશ્યલ SIT કોર્ટએ તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

વર્ષ 2002માં ગુજરાતમાં થયેલા તોફાનો દરમિયાન નરોડા ગામમાં થયેલા હત્યાકાંડ મામલે સેશન્સ કોર્ટે આજે 21 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે આ મામલે તમામ આરોપીને નિર્દોષ છોડી મૂક્યા છે. આ હત્યાકાંડમાં 11 લોકોને જીવતા સળગાવી દેવાયા હતા. જેમાં પોલીસે તબક્કાવાર 86 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 69 લોકો હાલમાં જીવિત છે. નિર્દોષ જાહેર થનારાઓમાં બજરંગ દળના નેતા બાબુ બજરંગી, ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, જયદીપ પટેલનો પણ સમાવેશ થાય છે.
આજે ચુકાદો આવવાનો હતો તેને પગલે કોર્ટમાં આરોપીઓના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. આરોપીઓના પરિવાજનો કોર્ટની બહાર મંત્રજાપ કરતા જોવા મળ્યા હતા. જેવો કોર્ટનો ચુકાદો આવ્યો એ લોકોએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા. ફરિયાદી પક્ષના વકીલ શમશાદ પઠાણે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે તેમ જણાવ્યું હતું.

આજે આ કેસનો ચુકાદો આવવાનો હોવાના પગલે ભદ્ર કોર્ટની બહાર અને નરોડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ કેસમાં 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. આ કેસનો ચુકાદો 21 વર્ષ અને 41 દિવસ બાદ આવ્યો છે.

આ મામલે કોર્ટમાં આજે હિયરિંગ ચાલી રહ્યું હતું, ત્યારે આરોપીઓ સવારથી જ કોર્ટ સંકુલમાં પહોંચી ગયા હતા અને ચુકાદો આવ્યો ત્યાં સુધી હાજર રહ્યા હતા. કેસની સુનાવણી સવારે 11 કલાકે શરૂ થવાની હતી, પરંતુ બપોર પછી 2.45 વાગ્યે સુનવાણી શરૂ થઈ હતી અને ચુકાદો સાંજે 5.30 વાગ્યા પછી આવ્યો હતો.

આ કેસમાં ટ્રાયલ દરમિયાન 17 આરોપીઓના મૃત્યુ થયા હતા અને 1ને સમરી ભરી બિનતોહમતદાર મુક્ત કરાયો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વર્ષ 2008માં આર કે રાધવનની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરાઈ હતી. વર્ષ 2010થી સતત સ્પેશ્યલ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી. આ કેસમાં એસઆઈટીના સ્પેશ્યલ જજ પીબી દેસાઈની કોર્ટમાં અંતિમ દલીલો ચાલી હતી. જોકે, તેઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા જજ એમ કે દવે સમક્ષ નવેસરથી દલીલો ચાલુ કરવામાં આવી હતી. તેમની પણ બદલી થતા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ અને નરોડા ગામ તોફાન કેસની સ્પેશ્યલ કોર્ટના જજ એસ કે બક્ષી સમક્ષ દલીલો ચાલી હતી, જે ગત 5મી એપ્રિલ પૂર્ણ થઈ હતી.

શું હતો મામલો?
વર્ષ 2002ના ફેબ્રુઆરી મહિનાની 27મી તારીખે ગુજરાતના ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવાઈ હતી. આ ટ્રેનમાં અયોધ્યાથી પર આવી રહેલા કારસેવકો જીવતા સળગાવી દેવાયા હતા. આ ઘટનાનો પડઘારૂપે 28મી ફેબ્રુઆરીએ ગુજરાત બંધનું એલાન અપાયું હતું અને એ દરમિયાન સમગ્ર ગુજરાતમાં કોમી તોફોનો ફાટી નીકળ્યા હતા. તેમાં અમદાવાદના નરોડા ગામનો પણ સમાવેશ થતો હતો. નરોડા ગામમાં સવારે 10 વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યાની આસપાસ આગચંપીના બનાવો બન્યા હતા અને રાત થતા સુધીમાં તો તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 4 મહિલાઓ સહિત 11 લોકોની હત્યા કરવામાં આવી હતી. આ મામલે ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી સહિત કુલ 86 લોકો સામે કેસ નોંધાયો હતો.

Related posts

મહિસાગર જંગલમાં દેખાયેલ વાઘને લઇ સાવચેતી રખાશે

aapnugujarat

અરવલ્લીમાંથી વધુ એક બોગસ ડોકટર ઝડપાયો

editor

રાજ્યમાં 24 કલાકમાં નવા 1073 કેસ, અને 23નાં મોત, વાંચો વધુ માહિતી

editor

Leave a Comment

UA-96247877-1