Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું ૩ લાખ સુધી દેવું માફ કરાશે : રાહુલ ગાંધી

હાલ ગુજરાતમાં ચૂંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ફ્રી વીજળી, બેરોજગારી ભથ્થા સહિતની જાહેરાતો કરી લોકોને વિચારતા કરી મુક્યા છે, ત્યારે કોંગ્રેસ પણ જાણે આ રેસમાં પાછળ રહી ગઈ હોય તેમ રાહુલ ગાંધી પણ આજે અમદાવાદ આવી વચનોની લ્હાણી કરી ગયા. જોકે, તેમાં સૌથી વધુ ધ્યાન કોરોનામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને ચાર લાખ રુપિયાની સહાય આપવાના વચને ખેંચ્યું છે.
રાહુલ ગાંધીએ આજે રિવરફ્રંટ પરથી પક્ષના કાર્યકરોને સંબોધતા જાહેરાત કરી કે જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બની તો કોરોનામાં મોતને ભેટેલા દરેક મૃતકના પરિવારજનને ચાર લાખ રુપિયાનું વળતર મળશે. ત્યારબાદ તેમણે પોતે જ દાવો કર્યો કે ગુજરાતમાં ત્રણ લાખ લોકો કોરોનામાં મોતને ભેટ્યા છે. આ હિસાબે જોવા જઈએ તો જો ત્રણ લાખ પરિવારોને ચાર લાખ રુપિયા આપવામાં આવે તો આ આંકડો ૧૨,૦૦૦ કરોડ રુપિયાને આંબી જાય છે. ગુજરાત સરકારે કોરોનાના એક લાખ જેટલા મૃતકોના પરિવારજનોને ૫૦,૦૦૦ રુપિયાનું વળતર આપ્યું છે. જોકે, નવાઈની વાત એ છે કે, જે મહેસૂલ વિભાગ દ્વારા આ વળતર ચૂકવવાની કામગીરી કરવામાં આવી છે તેને ૨૦૨૨-૨૩ના બજેટમાં ૪,૩૯૪ કરોડ રુપિયા ફાળવાયા છે જ્યારે રાહુલ ગાંધીએ જેટલું વળતર આપવાની વાત કરી છે તે આંકડો મહેસૂલ વિભાગના બજેટ એલોકેશનથી ત્રણ ગણો વધારે છે.
કોરોનાકાળમાં કોંગ્રેસે ઘેર-ઘેર ફર્યા બાદ મૃતકોનો ત્રણ લાખ જેટલો હોવાની જાહેરાત કરી હતી. સામે પક્ષે રાજ્ય સરકારનો સત્તાવાર આંકડો દસ હજારની આસપાસ હતો. જોકે, એ વાત અલગ છે કે કોરોનામાં ૧૦ હજાર જેટલા મોત થયા હોવાના દાવા કરતી ગુજરાત સરકારે એકાદ લાખ જેટલા મૃતકના પરિવારજનોને વળતર ચૂકવી આપ્યું છે, જે રકમ ૫૦૦ કરોડની આસપાસ થાય છે. ગુજરાત સરકારે ૦૩ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટમાં કરેલી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ૧૦,૫૭૯ના સત્તાવાર કોરોના મૃત્યુઆંકની સામે વળતર માટે ૧,૦૨,૨૩૦ જેટલા દાવા થયા છે, જેમાંથી ૮૭,૦૪૫ મંજૂર કરી દેવાયા છે.
કોરોનાના મૃતકોને ચાર લાખના વળતર ઉપરાંત રાહુલ ગાંધીએ ખેડૂતોના ત્રણ લાખ રુપિયા સુધીના દેવા માફ કરવાની પણ વાત કરી છે. જોકે, આ જાહેરાતનો કેટલા ખેડૂતોને લાભ મળી શકે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી. આ સિવાય તેમણે ખેડૂતોને ફ્રી વીજળી તેમજ સામાન્ય વપરાશકારોને ૩૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી આપવાનું પણ વચન આપ્યું છે. રાહુલ ગાંધીએ ૧૦ લાખ નોકરીઓ સર્જવાનું કહેતા બેરોજગારોને મહિને ૩,૦૦૦ રુપિયા ભથ્થું આપવાની વાત કરી છે, ગુજરાતમાં કેટલા બેરોજગાર છે તેનો ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પરંતુ જો ભથ્થું લેવાની વાત આવે તો તેના દાવેદારોનો આંકડો પણ લાખોમાં પહોંચી શકે છે.

Related posts

गुजरात मंे किलर स्वाइन फ्लू से अधिक पांच की मौत हुई

aapnugujarat

સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી

editor

બિટકોઇન કેસ : આરોપીઓ સોમવાર સુધી રિમાન્ડ ઉપર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1