Aapnu Gujarat
ગુજરાત

અતિવૃષ્ટિથી૧૯ લાખ હેકટરથી વધુ જમીનમાં વાવેતર ધોવાયાની દહેશત

વર્તમાન ચોમાસાની સિઝનના માત્ર દોઢ મહિનામાં રાજ્યમાં કુલ સરેરાશ વરસાદના ૮૧ ટકા જેટલો વરસાદ પડી ચૂક્યો છે. એમાં પણ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી જેવા જિલ્લાઓ સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના તમામ ૬ જિલ્લાઓ મળીને ૮થી વધુ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ છે. રાજ્યના આશરે ૬૨ જેટલા તાલુકાઓમાં તો અત્યારથી ૧૦૦થી ૨૦૦ ટકા કરતાં વધુ વરસાદ પડ્યો છે.ગત સપ્તાહ દરમિયાન જ ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદે દ્દદય દ્રવી ઊઠે તેવી તારાજીના ખતરનાક દશ્યો સજાર્યા છે.
૨૫૦થી વધુ માનવ મોત અને ૫૦૦૦થી વધુ પશુઓના મોત થયા છે અને પૂરના પાણી ઓસરતાં હજુ આ આંક વધે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમના મંત્રીમંડળના ૧૫ જેટલા સાથી અને ૨૦થી વધુ ઉચ્ચાધિકારીઓ સહિતનું તંત્ર અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ધામા નાંખીને રાત-દિવસ રાહત કામ કરી રહ્યું છે.અતિ-વૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં ક્યાં કેટલું નુકસાન થયું છે, તેનો તાગ મેળવવા સરકારી તંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરાઈ છે. હાલને તબક્કે ખેતી ક્ષેત્રે અતિભારે વરસાદ અને પૂરના પરિણામે આશરે ૧૯ લાખ હેકટરથી વધુ જમીનમાં કરાયેલી વાવણીને નુકસાન થયું છે અને મોટાપ્રમાણમાં ખેતીની જમીન ધોવાઈ ગઈ છે. જોકે, ખેતી ક્ષેત્રે થયેલી તારાજીનો સાચો આંકડા તો હજુ સર્વે કામગીરી પૂરી થયા બાદ જાહેર થશે.
રાજ્યના કૃષિ વિભાગના આંકડા મુજબ, ચોમાસાની સિઝન દરમ્યાન રાજ્યભરમાં સરેરાશ કુલ ૮૫,૭૬,૦૦૦ હેકટર જમીનમાં વિવિધ પાકોનું વાવેતર કરાય છે. જેમાં અત્યાર સુધી ૭૩,૭૭,૦૦૦ હેકટર જેટલી જમીન અર્થાત કુલ સરેરાશ વાવેતર વિસ્તારના ૮૬ ટકા વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે.જેમાં ખાસ કરીને ડાંગરનું વાવેતર ૬,૧૨,૭૦૦ હેકટર વિસ્તારમાં, બાજરી, જુવાર, મકાઈ સહિતના અન્ય ધાન્ય પાકોનું વાવેતર ૫.૨૨ લાખ હેકટરમાં કઠોળનું વાવેતર ૫,૧૫,૦૦૦ હેકટરમાં, મગફળીનું વાવેતર ૧૬,૧૫,૪૦૦ હેકટર જમીનમાં, તલ, દિવેલા, સોયાબિન સહિતના અન્ય તેલિબિયાંના પાકોનું વાવેતર ૩,૬૪,૦૦૦ હેકટરમાં, કપાસનું વાવેતર ૨૬,૩૫,૭૦૦ હેકટરમાં અને અન્ય પાકોનું વાવેતર ૧૧,૧૨,૨૦૦ હેકટર જમીનમાં થઈ ચૂક્યું છે.
સરકારની માહિતી મુજબ, ઉત્તર ગુજરાતમાં હાલ નુકસાનીનો સર્વે ચાલુ છે અને બીજીબાજુ અસરગ્રસ્તોને મહેસુલના નોર્મ્સ પ્રમાણે રોકડમાં કેશડોલ્સ, ઘરવખરી સહિતના સાધન-સામગ્રીની કીટ, માનવ મોતના કિસ્સામાં પરિવરજનોને રાહત-સહાય, પશુધનના મોતના કેસમાં પણ સહાય ચૂકવવાની શરુઆત કરી દીધી છે પરંતુ આ વિસ્તારોમાં સોથી મોટું નુકસાન ખેતી ક્ષેત્રે થયું છે કેમકે અહીં વાવેતરનું તો ધોવાણ થયું છે પણ સાથોસાથ ખેતીની જમીનનું પણ ધોવાણ થયું છે. ફળદ્રુપ જમીનમાં રેતી કે અન્ય માટી ભરાઈ ગઈ છે. વાસ્તવિક નુકસાની જોતા તેના સરભર થતાં ખાસ્સો સમય પસાર થશે એમ મનાય છે.

Related posts

એટીએસ દ્વારા જુહાપુરામાંથી કોલસેન્ટર ઝડપાયુ

editor

પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાયું

aapnugujarat

બાપુનગરમાં સગા મામાએ ભાણિયાનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1