Aapnu Gujarat
ગુજરાત

તાજેતરમાં ભારે વરસાદથી નુકશાન પામેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગના મરામત અંગે  સમિક્ષા બેઠક યોજતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા  

માન.કેન્દ્રીય રાજયકક્ષાના મંત્રીશ્રી સડક પરિવહન અને રાજમાર્ગ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રાલય, ભારત સરકાર શ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા ગુજરાત રાજયમાં તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે રાજયના રાષ્ટ્રીય ધોરીમાર્ગોને થયેલ ભારે નુકશાનના ત્વરીત મરામત કરવા અંગે આજ રોજ સરકીટ હાઉસ ગાંધીનગર ખાતે  સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નેશનલ હાઇવે ઓથોરીટી તથા રાજય સરકારના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજેલ હતી. જેમાં સંબંધિત અધિકારીશ્રીઓએ માન.મંત્રીશ્રીને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને થયેલ નુકશાન તથા કરેલ મરામતની કામગીરી, વાહન વ્યવહાર તાત્કાલીક ચાલુ કરવા અંગેનો એકશન પ્લાન રજૂ કરેલ.

રાજ્યમાં આવેલ ઘણા રાષ્ટ્રીય ધોરીમાર્ગો બંધ થયેલ તે પૈકી અમુક રાષ્ટ્રીય ધોરીમાર્ગો યુધ્ધના ધોરણે કામગીરી કરી વાહન વ્યવહાર માટે ચાલુ કરેલ છે. જ્યારે અન્ય માર્ગોના અમુક ભાગમાં પાણી ભરાવવાના કારણે કામગીરી હાથ ધરી શકાયેલ નથી, તેની પણ કામગીરી ટુંક સમયમાં હાથ ધરી ટ્રાફીક ચાલુ કરવામાં આવશે. આ સિવાય અન્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થયેલ મધ્યમ નુકશાન અંગે સપાટી સુધારણા તથા અન્ય કામગીરી ચાલુ છે તે ટુંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.

તાજેતરમાં રાજયમાં થયેલ ભારે વરસાદના કારણે, રાજયમાં આવેલ ૯ જેટલા રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ભારે નુકશાન થયેલ હતું. જે  યુધ્ધના ધોરણે મરામત કરેલ છે અને જે રસ્તા પર હજુ પાણી ભરાયેલ છે, જેનું સમારકામ થનાર છે, તેની વિગતો નીચે મુજબ છે

(૧)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૬૮-એ (નેનાવા-ધાનેરા-ડીસા)માં ટેટોડા ખાતે નુકશાન થયેલ જેની મરામત તત્કાલિક પુર્ણ કરવામાં આવેલ છે.

(૨)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૧૬૮ (થરાદ-ડીસા-પાંથાવાડા) માં વડગામડા તથા સરાલ ખાતે નુકશાન થયેલ જેની મરામત પુર્ણ કરવામાં આવેલ છે.

(૩)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૮ (સાંચોર-થરાદ-સુઈગામ) રસ્તા પર બે જગ્યાએ નુક્શાન થયેલ જેની મરામત પુર્ણ કરી વાહન વ્યવહાર ચાલુ કરેલ છે.

(૪)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૫૮ (વિજયનગર-ઈડર-ધરોઈ-ખેરાલુ) રસ્તા પર વિજયનગર પાસે થયેલ નુક્શાનની મરામત પૂર્ણ કરેલ છે. જ્યારે ધરોઈ નજીક પાણી ઉતર્યા બાદ મરામત કરવામાં આવશે.

(૫)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૬૮ (રાધનપુર-કમાલપુર-દુનાવાડા-પાટણ) વચ્ચે ૯ થી વધુ જગ્યાએ કટ પડેલ છે અને હજુ અમુક લંબાઈમાં પાણી ભરાયેલ છે. ખુલ્લી થયેલ લંબાઇમાં મરામત ચાલુ છે અને બાકીના રસ્તાની મરામત ત્વરીત પૂર્ણ કરી વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવશે.

(૬)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૮-એ અને ૮-ક (અમદાવાદ-બગોદરા અને ગાંધીનગર-સરખેજ) રસ્તા પર મરામત યુધ્ધના ધોરણે ચાલુ છે.

(૭)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૨૭ (મોરબી-માળીયા-સામખીયાળી)ને આશરે ૨ કી.મી. લંબાઇમાં ભારે નુકશાન થયેલ જે યુધ્ધના ધોરણે પૂર્ણ કરી વાહન વ્યવહાર ચાલુ કરેલ છે.

(૮)    રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૨૭ (રાધનપુર-સામખીયાળી) મા થયેલ નુકશાનની મરામત પૂર્ણ કરી વાહન વ્યવહાર ચાલુ કરેલ છે.

(૯)    તે ઉપરાંત સામખીયાળી-ગાંધીધામ તથા પોરબંદર-જેતપુર અને ભાવનગર-વેરાવળ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર નુકશાન પામેલ પુલોની મરામત કરી રાષ્ટ્રીય ધોરીમાર્ગને વાહન વ્યવહાર લાયક રાખેલ છે.

આ ઉપરાંત પણ કેટલાંક અન્ય હાઇવેને મધ્યમ નુકશાન થયેલ છે, જેની મરામતની કામગીરી ચાલુ છે.

આ તમામ હાઇવેમાં પ્રાથમિક અંદાજ મુજબ રાજય સરકાર હસ્તકના હાઇવેમાં આશરે રૂા.૨૬ કરોડ ની નુકશાનીનો અંદાજ મુકવામાં આવેલ છે. જયારે NHAI હસ્તના હાઇવેમાં રૂા.૧૦ કરોડની નુકશાનીનો અંદાજ મુકવામાં આવેલ છે. રાજય સરકાર તથા નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાને તમામ હાઇવેને ગમે તેવા સંજોગોમાં વાહન વ્યવહાર લાયક રાખવા સૂચના આપવામાં આવેલ છે.

ઉપરોકત રાષ્ટ્રીય ધોરીમાર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરી આ કામ માટેની મશીનરી સહિતનું તંત્ર રાજય હસ્તકના હાઇવેની મરામત માટે ઉપયોગ કરવા તથા આ વરસાદને ધ્યાને લઇ ભવિષ્યમાં બનતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ડી.પી.આર.માં જરૂરી ધારા-ધોરણો રાખવા પણ માન. મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપેલ છે.

આ મીટીંગમાં રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગના સચિવશ્રી એસ.બી.વસાવા, ભારત સરકારના સડક પરિવહન મંત્રાલયના મુખ્ય ઇજનેરશ્રી આઇ.કે.પાંડે, નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના સભ્યશ્રી એ.કે.સિંગ અને મુખ્ય ઈજનેર (રાષ્ટ્રીય ધોરીમાર્ગ ) શ્રી પી.આર.પટેલીયા તથા રીજીઓનલ ઓફીસર, સડક પરિહવન અને રાજમાર્ગ મંત્રાલય, ગાંધીનગરના શ્રી પુરણ  સીંગ હાજર રહેલ.

માન. મંત્રીશ્રીએ ઉપરોક્ત કામગીરી સત્વરે પૂર્ણ કરવા માર્ગદર્શન આપી કરેલ કામગીરીથી સંતોષ કરેલ છે.

Related posts

સાબરકાંઠામાં દશેરા નિમિત્તે નિયમો નેવે મૂકી ફાફડા – જલેબીનું વેચાણ થયું

aapnugujarat

કોંગી દ્વારા વફાદારને ઇનામ તેમજ ગદ્દારોને સજા અપાશે

aapnugujarat

शहर में पिछले सात वर्ष में २९५१६४ लोगों को कुत्तों ने काटा खसीकरण के पीछे १० करोड़ खर्च

aapnugujarat

Leave a Comment

UA-96247877-1