Aapnu Gujarat
Uncategorized

રાજકોટમાં ૧૨ ચોપડી ભણેલ ડોક્ટર ઝડપાયો

રાજકોટ શહેરમાં ડીગ્રી વગરના ડોકટરો દવાખાના ખોલીને બેસી જઇ લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં હોવાનું અનેક વખત સામે આવી ચુકયું છે અને એસઓજી તથા અન્ય પોલીસે અનેક નકલી ડોકટરોને દબોચી જેલભેગા પણ કર્યા છે. ત્યાં હવે નવું જ કારસ્તાન ખુલ્યું છે. જેમાં ૧૨ ચોપડી ભણેલો પરેશ પટેલ પોતાના નામ આગળ ડોકટર ઉમેરી મોટે ભાગે કિડની અને ડાયાબિટીશના દર્દીઓ માટે આયુર્વેદિક દવાના નામે એકસપાયરી ડેટવાળી દવાઓ (શીરપ અને ટેબલેટ) વેંચી રોકડી કરતો હોવાનું ખુલ્યું છે. પાંચ વર્ષથી તે આવું કારસ્તાન ચલાવતો હોવાનો પર્દાફાશ શહેર એસઓજીની ટીમે કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે પણ તપાસમાં ઝંપલાવ્યું છે. એકસપાયરી ડેટના શીરપ તે એક બેરલમાં ઠાલવી તેમાંથી નવી શીશીઓ-બોટલો ભરી નવા સ્ટીકર લગાવી દેતો હતો અને ટેબલેટની ડબલીઓ, રેપર ઉપર પણ નવી તારીખના સ્ટીકર્સ લગાડી વેંચીને રોકડી કરતો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે ૨૧,૨૫,૧૦૦નો શંકાસ્પદ શીરપ-ટેબલેટનો જથ્થો કબ્જે કર્યો છે. વિગત એવી છે કે ઢેબર રોડ પર ગુરૂકુળ નજીક શ્રમજીવી સોસાયટી-૨/૫ના ખુણે ઓશો મેડિકેર નામે ગોડાઉન ધરાવતો અને પોતાને ડોકટર તરીકે ઓળખાવતો શખ્સ પરેશ પટલ (ચોવટીયા) હકિકતે ડોકટરની ડિગ્રી ધરાવતો નથી અને તેના ગોડાઉનમાં પાયરેટેડ એટલે કે જેની તારીખ તારીખ જતી રહી હોય તેવી આયુર્વેદિક દવાઓને નવા સ્ટીકર લગાવી ખાસ કરીને કિડની અને ડાયાબિટીશના દર્દીઓને ધાબડી આરોગ્ય સાથે ચેડા કરે છે તેવી બાતમી એસસીએસટી સેલના એસીપી શ્રી એસ. બી. પટેલને મળતાં એસઓજી પીઆઇ આર.વાય. રાવલ અને પીએસઆઇ એમ. એસ. અંસારીની ટીમે ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો અને પરેશ પટેલને તેના રામનગરના ઘરેથી દબોચી લાવી તેની હાજરીમાં ગોડાઉનમાં તપાસ શરૂ કરી હતી. ફૂડ એન્ડ ડ્રગ વિભાગના આસી. કમિશનર એસ. એસ. વ્યાસ અને મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી પંચાલ પણ પોતાની ટીમો સાથે પહોંચ્યા હતાં. પોલીસે તપાસ કરતાં એવી વિગતો ખુલી હતી કે પરેશ પટેલ એકસપાયર થયેલા આયુર્વેદિક શીરપને ગોડાઉનમાં રાખેલા એક મોટા બેરલમાં ઠાલવી દેતો અને તેમાં ચ્યવનપ્રાશ ભેળવી આ શીરપને નવી બોટલોમાં ભરી લેતો હતો. જેથી એકસપાયરી ડેટની દવા હોવાની કોઇને ખબર પડતી નહિ. આવા શીરપને કોરોનાકાળમાં ઇમ્યુનિટી બુસ્ટર (રોગપ્રતિકાર શકિત વધારતા પ્રવાહી) તરીકે ધાબડી દીધાનું ખુલ્યું હતુ઼. આ ઉપરાંત તેની પાસેથી આયુર્વેદિક ટેબલેટ (ટીકડીઓ)નો જથ્થો પણ મળ્યો છે. આ ટેબલેટ કે જે એકસપાયર થઇ ગઇ હોઇ તેની ડબલીઓ પર નવી તારીખના સ્ટીકર લગાવી ફરી વેંચાણમાં મુકી દેતો હતો. આવા સ્ટીકર તે ગોંડલ રોડ પર મયુર ભજીયા નજીક આવેલા એક પ્રિન્ટીંગ પ્રેસમાં છપાવતો હતો. તેની પાસે ડોકટરની કોઇ જ ડિગ્રી નથી છતાં તે ડોકટર બની બેઠો હતો. તેણે પોતાના નામ આગળ ડોકટર લખાવી તેનું એફિડેવીટ કરાવી લીધું હતું અને આ રીતે પોતે ડો. પરેશ પટેલના નામે ઓળખ આપતો હતો. તે અમદાવાદની એક કંપનીની દવાઓના બેચ નંબરનો ઉપયોગ પોતે એકસપાયરી ડેટમાંથી બનાવેલી દવાઓ શીરપ માટે કરતો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ કોડ સ્કેન કરી તપાસ કરતાં આ કોડ અમદાવાદની કંપનીના નામે હોવાનું ખુલ્યું હતું. પરેશ પટેલે કહ્યું હતું કે પોતે અગાઉ આ કંપનીમાંથી માલ લેતો હોઇ જેથી તેના બેચ નંબરનો ઉપયોગ કરતો હતો. પ્રાથમિક પુછતાછમાં પરેશ પટેલે કબુલ્યું છે કે પોતે પાંચેક વર્ષથી આવા ધંધા કરે છે. તે પોતાની દવાથી કિડની ડાયાબિટીશના દર્દીઓને સારુ થઇ જાય છે તેવા દાવા પણ અમુક દર્દીઓ કે બીજા પાસે કરાવતો હતો અને તેની જાહેરાતો કરાવતો હતો. તેની એક દૂકાન અમીધારા કોમ્પલેક્ષમાં છે. જાે કે તે બંધ હાલતમાં છે. અગાઉ તેણે શ્રમજીવીમાં દવાખાનુ ચાલુ કર્યુ હતું. પણ હાલમાં ઢેબર રોડ પર નવા બસ ડેપોમાં ત્રીજા માળે ત્રણ દૂકાનો ચાલુ કરી હતી. જ્યાંથી તે આવી દવા-શીરપના અને ઇમ્યુનિટી બુસ્ટરના વેંચાણ કરતો હતો. હાલ પોલીસે શ્રમજીવી સોસાયટીના ગોડાઉનમાંથી શંકાસ્પદ આયુર્વેદિક દવાઓનો જથ્થો પેકીંગ તથા લુઝ હાલતમાં મળતાં ખોરાક અને ઓૈષધ નિયમન તંત્ર તથા મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને સાથે રાખી તેમના માર્ગદર્શન હેઠળ રૂ. ૨૧,૨૫,૧૦૦નો જથ્થો કબ્જે કર્યો છે. જેમાં આયુર્વેદિક શીરપ અને આયુર્વેદિક દવાઓ-ટીકડીઓ છે. આ જથ્થો સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કરાયો છે. અન્ય મોટો જથ્થો પણ હતો. જેના બીલ વગેર હોઇ તે હાલ શીઝ કરાયેલ નથી. પરેશ પટેલને આધાર પુરાવા રજુ કરવા નોટીસ પાઠવવામાં આવી છે. તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા આરોગ્ય વિભાગે સેમ્પલ કબ્જે કર્યા હોઇ તેના પરિક્ષણનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી થશે. એસઓજી પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી, એએસઆઇ ભાનુભાઇ મિંયાત્રા, સુભાષભાઇ ડાંગર, હેડકોન્સ. ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિશનભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, પેરોલ ફરલો સ્કવોડના યુવરાજસિંહ, સિરાજભાઇ, યોગેન્દ્રસિંહ અને સોનાબેન મુળીયા સહિતે આ કામગીરી મોડી રાત સુધી કરી હતી. આજે પરેશ પટેલની નવા બસ સ્ટેશનમાં આવેલી ત્રણ દૂકાનોમાં તપાસ કરવામાં આવશે.

Related posts

રાજકોટમાં જીએસટી વિભાગનો ૮ પેઢીઓ પર સપાટો

aapnugujarat

મુખ્યમંત્રી સહાય યોજના અને પાક વીમા મુદ્દે આંદોલન ધ્રોલ મામલતદારને આવેદનપત્ર સોંપાયું

editor

श्रद्धालु ने गिरनार परिक्रमा की शुरुआत शुरू कर दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1