Aapnu Gujarat
ગુજરાત

રાજપીપલાની એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી નિનામાની ઉપસ્થિતિમાં કોલેજ પ્રવેશોત્સવ યોજાયો

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ કોલેજમાં પ્રવેશ પામતા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને શીખ આપતા જણાવ્યું હતું કે, ઇશ્વરે દરેક વ્યક્તિમાં અતૂટ શક્તિઓનો ખજાનો મુકેલો છે. અને સાપ્રંત સમયમાં અનેકવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે, ત્યારે વિદ્યાર્થીઓને પોતાની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર થાય તે માટે આ અતૂટ શક્તિઓનો સમયસર અને યોગ્ય રીતે ઉપયોગ કરીને પોતાનામાં રહેલી શ્રૃસુપ્ત શક્તિઓની ખીલવણી સાથે તે વધુ નિખાર પામે તે દિશાના પ્રયાસો માટે સંકલ્પબધ્ધ થવા તેમણે ખાસ અનુરોધ કર્યો હતો.

નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાએ આજે રાજપીપલા મુખ્યમથકે એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે FYBA અને BSC ના પ્રથમ વર્ષમાં તેમજ MSC પાર્ટ-1 ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર નવા વિદ્યાર્થીઓને પુષ્પ, કલમ અને ચોકલેટ આપીને કોલેજમાં પ્રવેશ અપાવ્યો હતો.

કોલેજના પ્રાચાર્ય ડૉ. શૈલેન્દ્રસિંહજી માંગરોલા, નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલા, કોલેજના વિવિધ વિદ્યાશાખાના વડા પ્રધ્યાપકશ્રીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, કોલેજ પરિવાર વગેરેની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા કોલેજ પ્રવેશોત્સવને દિપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મુકતા જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ. નિનામાએ કોલેજની BSC ની વિદ્યાર્થીની કું.મેહજબીન શેખે તેના વ્યક્તવ્યમાં કોલેજ વિશેના પ્રતિભાવમાં “વુમેન એમ્પાવર” ના કરેલા ઉલ્લેખને દોહરાવતા જણાવ્યું હતું કે, આકાશની ઉંચાઇઓને આંબવા માટે પતંગ ચગાવવા માટે જેમ દોરીની જરૂરિયાત રહે છે તેવી જ રીતે વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે શૈક્ષણિક સંસ્થાના આચાર્યશ્રી, પ્રોફેસર્સ ટીમની સાથોસાથ સમાજ પણ આવા વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી શ્રેષ્ઠતમકક્ષા સુધી લઇ જવા માટે પતંગની દોરીના રૂપમાં ભૂમિકા ભજવતા હોય છે. તેમણે હવે પછીની આ કોલેજની મુલાકાત પ્રસંગે મેહજબીનની જેમ જ અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર ટીમમાંથી પણ માર્ગદર્શન રૂપે પ્રેરક વ્યક્તવ્ય રજુ થાય તે જોવા કોલેજના આચાર્યશ્રી, કોલેજ પરિવારને ખાસ અનુરોધ કર્યો હતો.

શ્રી નિનામાએ માનવીના જીવનપથ ઉપર પ્રસરેલા કાંટાળા માર્ગને દુર કરવા માટે એક ગુરૂજી દ્વારા તેમના બે શિષ્યોના દ્રષ્ટિકોણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, શિક્ષણ અને વિદ્યાને સાચા અર્થમાં અપનાવનાર વ્યક્તિ હંમેશા માર્ગ ઉપરના કાંટાઓ વિણીને સમાજના અન્ય લોકો માટેનું જીવનપથ સરળ અને મોકળુ બનાવે છે. આમ સાચુ શિક્ષણ વિદ્યાર્થીઓને રસ્તામાંથી કાંટા વિણી લેવાનો બોધ આપી જાય છે, ત્યારે શૈક્ષણિક સંસ્થામાંથી શિક્ષણની સાથોસાથ સંસ્કાર, સિંચન અને શિષ્તપાલનના ગુણો વિકસે તે દિશાના પ્રયાસોની જરૂરિયાત પર શ્રી નિનામાએ ખાસ ભાર મૂક્યો હતો.

નાયબ માહિતી નિયામકશ્રી યાકુબ ગાદીવાલાએ તેમના પ્રાસંગિક પ્રવચનમાં રાજ્ય સરકારના માહિતી વિભાગ દ્વારા શિક્ષિત બેરોજગાર ઉમેદવારોની કારકિર્દી ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતા “ગુજરાત રોજગાર સમાચાર” સાપ્તાહિક અને રાજ્ય સરકારના મુખપત્ર “ગુજરાત પાક્ષિક” તથા પ્રકિર્ણ પ્રકાશનોની જાણકારી–ઉપયોગીતા સમજાવી ઉક્ત બંને પ્રકાશનોની ગ્રાહક તરીકે નોંધણી કરાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે કોલેજના પ્રાચાર્યશ્રી શૈલેન્દ્રસિંહજી માંગરોલાએ જિલ્લા કલેક્ટરશ્રી આર.એસ.નિનામાને પુષ્પગુચ્છ-શાલ ઓઢાડીને-સ્મૃતિચિન્હ એનાયત કરી તેમનું અભિવાદન કર્યું હતું. કોલેજની દરેક વિદ્યાશાખાના વડા પ્રાધ્યાપકશ્રીઓ, એન.સી.સી.ના છાત્રો, વિદ્યાર્થીઓ અને કોલેજ પરિવાર તરફથી પણ શ્રી નિનામાને પુષ્પગુચ્છ અર્પીને ભવ્ય સ્વાગત કરાયું હતું.

કોલેજના પ્રાચાર્યશ્રી શૈલેન્દ્રસિંહજી માંગરોલાએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારતાં જણાવ્યું હતું કે, દેશમાં પ્રાથમિક શિક્ષણમાં ૨૨ કરોડ વિદ્યાર્થીઓ, માધ્યમિક શિક્ષણમાં ૮ કરોડ વિદ્યાર્થીઓ અને ઉચ્ચ શિક્ષણમાં ૨ કરોડ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવતાં હોય છે, ત્યારે આજના શુભ અવસરે ઉચ્ચ શિક્ષણમાં કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર ભાગ્યશાળી તમામ વિદ્યાર્થીઓ પોતાની શ્રેષ્ઠ કારકિર્દીના ઘડતરની સાથોસાથ પોતાના રાજ્ય, રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનવા અને માતા-પિતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે કોલેજમાં BSC ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કુ. મેહજબીન શેખે તેના પ્રતિભાવમાં આ કોલેજમાં પ્રવેશ મેળવ્યા બાદ તેના શૈક્ષણિક વિકાસની સાથોસાથ સર્વાંગી વિકાસ માટેની કોલેજમાં ચાલતી ઘડતર પ્રવૃત્તિઓને બિરદાવી આચાર્યશ્રી સહિત ગુરૂજનો, કોલેજ પરિવારના માર્ગદર્શન-સહયોગની મુક્તકંઠે પ્રસંશા કરી હતી.

પ્રારંભમાં કોલેજની એન.સી.સી.ની છાત્રાઓએ પ્રાર્થના રજૂ કરી હતી અને અંતમાં શ્રી એસ.પી. ચાવડાએ આભારદર્શન કર્યું હતું.

Related posts

અનલૉક-૪ : રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ

editor

સચિવાલયનો કર્મચારી ૧૦ મિનિટ ફરજ પર મોડો પડશે તો અડધી રજા ગણવામાં આવશે

editor

સરસપુરમાં લાખો શ્રદ્ધાળુ જમશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1