Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

એએપીના ૨૦ ધારસભ્યોને ગેરલાયક જાહેર કરવા ભલામણ

દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં એએપી સરકારને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, ચૂંટણી પંચે લાભના હોદ્દાના મામલામાં એએપીના ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દીધા છે. ચૂંટણી પંચે પોતાનો અહેવાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલવા તૈયારી કરી લીધી છે. હવે તમામની નજર રાષ્ટ્રપતિ કોવિંદ ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે. જે મામલામાં અંતિમ મંજુરીની મહોર મારનાર છે. રાષ્ટ્રપતિ જો ચૂંટણી પંચની ભલામણના આધાર પર આ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરશે તો દિલ્હીમાં આ તમામ સીટો ઉપર ફરીથી ચૂંટણી માટેની સ્થિતિ સર્જાઈ શકે છે અને આમ આદમી પાર્ટીને મરણતોડ ફટકો પડી શકે છે. અલબત્ત એક બાબત નક્કી છે કે, ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની સ્થિતિમાં પણ ૬૭ સીટોની બમ્પર બહુમતિ ધરાવનાર કેજરીવાલ સરકાર અકબંધ રહેશે. આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. આમ આદમી પાર્ટીએ આ મામલામાં ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર પર તેજાબી પ્રહારો કર્યા છે. એએપીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું છે કે, મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જોતિનો ૨૩મી જાન્યુઆરીના દિવસે જન્મદિવસ છે. તેઓ ૬૫ વર્ષના થઇ રહ્યા છે. જોતિ નિવૃત્ત થતાં પહેલા વડાપ્રધાન મોદીને ખુશ કરવા ઇચ્છુક છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ચૂંટણી પંચમાં આમ આદમી પાર્ટીના કોઇપણ ધારાસભ્યની જુબાની લેવામાં આવી નથી. આજે ચૂંટણી પંચની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં આ સંદર્ભમાં રાષ્ટ્રપતિને અહેવાલ મોકલવાનો નિર્ણય કરાયો હતો. આ મામલાની તપાસ રાષ્ટ્રપતિના નિર્દેશ ઉપર જ કરવામાં આવી રહી હતી. ચૂંટણી પંચે આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને લાભના હોદ્દાના મામલામાં અગાઉ કારણદર્શક નોટિસ જારી કરી હતી. આ મામલામાં પહેલા ૨૧ ધારાસભ્યોની સંખ્યા હતી પરંતુ જર્નેલસિંહ પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે.
દિલ્હી સરકારે માર્ચ ૨૦૧૫માં આમ આદમી પાર્ટીના ૨૧ ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવી દીધા હતા. આને લઇને મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ અને કોંગ્રેસે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આની સામે પ્રશાંત પટેલ નામની વ્યક્તિએ રાષ્ટ્રપતિ પાસે અરજી દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે, આ ૨૧ ધારાસભ્યો લાભના હોદ્દા ઉપર છે જેથી તેમને ગેરલાયક જાહેર કરવા જોઇએ. દિલ્હી સરકારે ત્યારબાદ દિલ્હી વિધાનસભામાં બિલમાં સુધારો કર્યો હતો. આ બિલનો હેતુ સંસદીય સચિવના હોદ્દાને લાભના હોદ્દાથી મુક્તિ અપાવવાનો હતો પરંતુ તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આ બિલને ફગાવી દીધો હતો. ત્યારબાદથી આ તમામ ૨૧ ધારાસભ્યોની મેમ્બરશીપને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા હતા. અનેક દોરની બેઠકો ચાલી હતી. હવે ચૂંટણી પંચે આ મામલાને વધુ નહીં ખેંચવાનો નિર્ણય કર્યો હતો. આ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરવાની આજે ભલામણ કરી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું છે કે તેમની સામે આરોપો પુરવાર થયા છે અને તેઓ પોતાના જવાબથી સંતુષ્ટ કરી શક્યા નથી જેથી તેમને ગેરલાયક જાહેર કરવાની ભલામણ કરાઈ છે. જો રાષ્ટ્રપતિ ૨૦ ધારાસભ્યોને ગેરલાયક જાહેર કરી દેશે તો એએપી પાસે ૪૭ ધારાસભ્યો રહી જશે અને તેની સરકાર ટકી જશે.

Related posts

FPI દ્વારા ૮ સેશનમાં બે અબજ ડોલર ખેંચી લેવાયા

aapnugujarat

शोपिया में सुरक्षाबलों ने 2 आतंकि ढेर

aapnugujarat

કોંગ્રેસ-લેફ્ટ સાથે અમારા મુકાબલો રાજ્યમાં, રાષ્ટ્રીય સ્તરે અમે એક : મમતા બેનર્જી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1