Aapnu Gujarat
ગુજરાત

નારણપુરા વિસ્તારમાં બીઆરટીએસની ટક્કરથી કિશોર ઘાયલ થતાં ચકચાર

શહેરના એસ.જી હાઇવે પર ગોતા બ્રીજ પર એક બાઇકચાલક યુવકે વાહનનો કાબૂ ગુમાવતાં તેનું બાઇક સ્લીપ થઇ જતાં ડિવાઇડર સાથે અથડાયો હતો. માથામાં ગંભીર ઇજાઓ થવાના કારણે બાઇકચાલક યુવકનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયુ હતું. અકસ્માતના અન્ય એક બનાવમાં, નારણપુરા એઇસી બ્રીજ પાસે વાળીનાથ ચોક નજીક બીઆરટીએસ બસની ટક્કરથી ૧૪ વર્ષનો કિશોર ઘાયલ થયો હતો. પોલીસે ઉપરોકત બનાવો અંગે જરૂરી ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર સેકટર -૪ ખાતે રહેતા અને શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મેરિયોટ હોટલ સામેની જોધપુરકુંજ સોસાયટીમાં એનીમેશનનું કામ કરતાં ૩૨ વર્ષીય શાર્દુલ રજનીકાંતભાઇ દવે ગઇકાલે સાંજે ગાંધીનગરથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા ત્યારે ગોતા બ્રીજ પર ઉતરતી વખતે તેણે પોતાના બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને અચાનક જ બાઇક સ્લીપ થઇ ગયું હતું.
શાર્દૂલ બ્રીજના ડિવાઇડર સાથે જોરદાર રીતે અથડાતાં માથાના ભાગે તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને નજીકની સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયાં સારવાર દરમ્યાન તેનું કરૂણ મોત નીપજયું હતું. દરમ્યાન નારણપુરા એઇસી બ્રીજ પાસે વાળીનાથ ચોક નજીક સવારે ૧૦-૩૦ વાગ્યાના સુમારે ૧૪ વર્ષીય એક કિશોર બરફ લેવા ઘરની સામે ગયો હતો અને બરફ લઇ પરત ફરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસની હડફેટે આવી ગયો હતો. બીઆરટીએસ બસની ટક્કરથી કિશોર ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે, અકસ્માતના બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ભેગા થઇ ગયા હતા.

Related posts

છરો બતાવીને લૂંટ કરતી ગેંગનો આરોપી ઝડપાયો

aapnugujarat

मास्क पहनने पर विवाद : नारणपुरा और बापूनगर में पुलिस के साथ व्यापारियों की झड़प

editor

મગફળી ગોડાઉન સળગવા દેવા માટેનું દબાણ હતું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1