Aapnu Gujarat
ગુજરાત

પરેશ ધાનાણી દ્વારા પણ હવે રાજીનામુ આપવાની ઓફર

લોકસભા ચૂંટણીમાં કારમી હાર થયા બાદ દેશભરમાં કોંગ્રેસ પાર્ટીમાં ખળભળાટ મચેલો છે અને રાજીનામાનો દોર જારી રહ્યો છે. અનેક રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા રાજીનામા આપી દેવામાં આવ્યા છે જ્યારે અનેક રાજ્યોમાં પ્રદેશ પ્રમુખ દ્વારા રાજીનામાની ઓફર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ કોંગ્રેસ પાર્ટીના સુપડા સાફ થયા છે. લોકસભાની ૨૬ બેઠક પૈકી એક પણ સીટ કોંગ્રેસને મળી નથી ત્યારે જોરદાર અસંતોષ વચ્ચે પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામુ આપવાની કોંગ્રેસને ઓફર કરી હતી. જો કે, હાલના તબક્કે કોંગ્રેસે ધાનાણીના આ પ્રસ્તાવને મંજૂર કર્યો નથી. આ અંગે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, હારની નૈતિક જવાબદારી સ્વીકારી પરેશ ધાનાણીએ રાજીનામુ આપવાની ઓફર કરી હતી. પરંતુ પક્ષે તેને સ્વીકારી નથી. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો તમામ ૨૬ લોકસભા બેઠકો પરાજય થયો છે. માત્ર એટલું જ નહીં, અમરેલી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડેલા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી પણ પોતાની સીટ બચાવી શક્યા નથી. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુજરાતમાંથી એક પણ સીટ ન મળતા ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામું આપવા અંગેની ઇચ્છા વ્યક્ત કરી તે અંગેનો પ્રસ્તાવ પક્ષને મોકલી આપ્યો હતો. અમરેલી બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનણી લોકસભાની ચૂંટણી લડ્‌યા હતા અને તેમાં પણ તેમની હાર થઇ અને ભાજપના ઉમેદવારની જીત થઇ હતી. કોંગ્રેસને ગુજરાતમાં મળેલી હારની નૈતિક જવાબદારી તેમણે સ્વીકારી હતી. લોકસભાના પરિણામો ભાજપ તરફી આવતા કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતાનું પદ છોડવાનો પ્રસ્તાવ રજૂ કરતાં હવે કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે. બીજીબાજુ, જો પરેશ ધાનાણી વિરોધ પક્ષના નેતા પરથી રાજીનામું આપે તો કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષનો નેતા કોને બનાવામાં આવે તે અંગે પણ અટકળો તેજ બની છે. દરમ્યાન મોડી સાંજે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ રાજીનામુ આપ્યાની ચર્ચા તેજ બની હતી. જો કે, કોંગ્રેસ તરફથી તે અંગે કોઇ સત્તાવાર સમર્થન કરાયું ન હતું. ગુજરાત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હારને લઇ કોંગ્રેસમાં એક પછી એક નેતાઓના રાજીનામાના પ્રસ્તાવને લઇ કોંગ્રેસમાં હાલ તો ખળભળાટ મચ્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસમાં તેના પ્રત્યાઘાતો જોવા મળશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. પરેશ ધાનાણી ઉપરાંત અમિત ચાવડાએ પણ રાજીનામુ આપી દીધું હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

સુરતમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર દિવાલ ધસી પડતા ૪ શ્રમિકોના મોત

editor

સીમલીયા ગામમાં દીપડાએ બાળક પર કર્યો હુમલો

editor

સિવિલ નર્સિંગ વિદ્યાર્થીની દ્વારા બોયફ્રેન્ડ વિરૂદ્ધ દુષ્કર્મ ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1