Aapnu Gujarat
ગુજરાત

લક્ઝરી બસમાંથી દારૂની પાંચ બોટલો ઝડપાઇ

ક્રિસમસમાં યોજાતી દારૂની પાર્ટીઓને રોકવા માટે પોલીસે ઠેરઠેર નાકાબંધી કરી દીધી છે. હાલ પોલીસનો ટાર્ગેટ દારૂ તેમજ ડ્રગ્સની હેરાફેરી કરનાર ખેપિયાને પકડવાનો છે. મોડી રાતે નરોડા પોલીસે બંદોબસ્ત દરમિયાન પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસના ડ્રાઇવર અને પેસેન્જર પાસેથી દારૂની પાંચ બોટલ ઝડપી લીધી હતી. બીજીબાજુ, શહેરના મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર ઉભી રહેતી સંખ્યાબંધ લકઝરી બસોમાં પણ દારૂ પીવાતો હોવાની વ્યાપક ફરિયાદો અગાઉ ઉઠવા પામી હતી, તેમછતાં ઘાટલોડિયા પોલીસ નજીકમાં જ હોવાછતાં આજદિન સુધી કોઇ કાર્યવાહી થઇ નથી, તેને લઇને હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારે ઉભી રહેલી લકઝરી બસો વાસ્વમાં દારૂ-જુગાર સહિતની બદીઓના અડ્ડા બની જતા હોવાની પણ વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે પરંતુ શહેર પોલીસ લકઝરી બસોના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી કરતી નહી હોવાની છાપ સામે આવી રહી છે. નરોડામાંથી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસમાંથી ડ્રાઇવર-પેસેન્જર પાસેથી પાંચ બોટલ દારૂ જપ્ત કરાયા બાદ હવે મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર ઉભી રહેલી સંખ્યાબંધ લકઝરી બસો સહિત અન્ય વિસ્તારોમાં લકઝરી બસોના અડ્ડાઓ પર સરપ્રાઇઝ ચેકીંગ અને સખત કાર્યવાહીની માંગણી સ્થાનિકોમાં ઉઠવા પામી છે. શહેરી વિસ્તારમાં લકઝરી બસના પ્રવેશ પર પાબંદી હોવાછતાં ગેરકાયદે રીતે ખુલ્લા મેદાનો અને જાહેર માર્ગો પર લકઝરી બસો પાર્ક કરી દેવાતી હોવાછતાં અને ટ્રાફિકમાં ગંભીર અડચણરૂપ બનતી હોવાછતાં હજુ સુધી ટ્રાફિક પોલીસે પણ લકઝરી બસો વિરૂધ્ધ જોઇએ તે પ્રકારે અસરકારક ડ્રાઇવ ચલાવી નથી. વાસ્તવમાં આ લકઝરી બસો સાંજના સમયે લાવીને પાર્ક કરી દેવાતી હોય છે અને રાતભર ઉભી રખાતી હોય છે, ત્યારબાદ રાત્રે લકઝરી બસોમાં દારૂ-જુગારના અડ્ડા ચાલતા હોય છે. ઘણીવાર ડ્રાઇવર-કલીનર દારૂ પીધેલી હાલતમાં હોય છે અને યુવતીઓ-મહિલાઓની છેડતીના બનાવો પણ બનતા હોય છે પરંતુ તેમછતાં શહેર પોલીસ દ્વારા લકઝરી બસોના દૂષણની આ ગંભીર સમસ્યા સામે ખતરનાક દુર્લક્ષ્ય સેવવામાં આવી રહ્યું છે, જેને લઇ કયારેક કોઇ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ તેવા સવાલો સ્થાનિક જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે. લકઝરી બસોના દૂષણનું સૌથી મોટુ ઉદાહરણ મેમનગર વિસ્તારમાં દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ પર ઉભી રહેતી લકઝરી બસોનું છે, જયાં વર્ષોથી ડ્રાઇવર-કલીનરોની દારૂ પીધેલી હાલતમાં ગેરવર્તણૂંક, પાર્કિંગમાં અડચણો, દારૂ-જુગારના અડ્ડા સહિતની બદીઓ અહીંની બસોમાં ચાલતી હોવાની ફરિયાદો વારંવાર ઉઠતી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે, ઘાટલોડિયા પોલીસ મથક એકદમ નજીકના અંતરે છે અને પીસીઆર વાન પણ અહીંથી રાબેતામુજબ પસાર થતી હોય છે પરંતુ તે કોઇ ચેકીંગ કે લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગને દૂર કરાવ્યા વિના બારોબાર જતી રહે છે અને કોઇ કાર્યવાહી થતી નથી. લકઝરી બસોના સંચાલકો પાસેથી પોલીસવાળાના હપ્તા પહોંચી જતા હોવાથી પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહી થતી હોવાની ચર્ચા પણ આ વિવાદમાં કેન્દ્રસ્થાને ચાલતી હોય છે ત્યારે હવે નરોડાના પટેલ ટ્રાવેલ્સ એજન્સીના બનાવ બાદ શહેર પોલીસ તંત્ર દ્વારા મેમનગર દિવ્યપથ હાઇસ્કૂલવાળા રોડ સહિતના અન્ય વિસ્તારોમાં લકઝરી બસોના આવા અડ્ડાઓ પર ત્રાટકે અને લકઝરી બસ સંચાલકો વિરૂધ્ધ કડક કાયદાનુસાર કાર્યવાહી કરે તેવી લાગણી નગરજનો વ્યકત કરી રહ્યા છે. પટેલ ટ્રાવેલ્સની બસના કિસ્સામાં પોલીસે ડ્રાઇવર અને પેસેન્જર વિરૂધ્ધ અલગ અલગ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કેશોદથી હવાઈ સેવાનો શુભારંભ કરાવ્યો

aapnugujarat

ડભોઈના ૮૦૦ વર્ષ જૂના બદ્રીનારાયણ મંદિરના શિખરે સુવર્ણ કળશ બિરાજમાન

editor

 CM’s fruitful meeting with delegation of Japan’s External Trade Organization (JETRO)

aapnugujarat

Leave a Comment

UA-96247877-1