Aapnu Gujarat
ગુજરાત

નરોડા ગામ રાયોટીંગ કેસ : બચાવ પક્ષના સાક્ષીની અંતિમ યાદી રજૂ કરવા કોર્ટનો આદેશ

નરોડા ગામ રાયોટીંગ કેસના ટ્રાયલ દરમ્યાન આજે બચાવપક્ષના વધુ બે સાક્ષીઓની જુબાની અને ઉલટતપાસ થઇ હતી. બચાવપક્ષે જે સાક્ષીઓને તપાસવાના છે તેમની યાદી સિવાયના આ બે સાક્ષી હોઇ પ્રોસીકયુશન પક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું હતું, એ વખતે બચાવપક્ષ અને પ્રોસીકયુશન પક્ષ વચ્ચે બે મિનિટ સહેજ ચકમક ઝરી હતી. જો કે, ડેઝીગ્નેટેડ કોર્ટના સ્પેશ્યલ જજ પી.બી.દેસાઇએ બંને પક્ષને શાંત પાડતાં બચાવપક્ષને મૌખિક નિર્દેશ કર્યો હતો કે, આ કેસમાં હવે તમારે જે સાક્ષીઓને તપાસવાના હોય તેમનું આખરી લીસ્ટ(યાદી) સોમવાર સુધીમાં અદાલત સમક્ષ રજૂ કરી દો. ત્યારબાદ કોર્ટે કેસની વધુ સુનાવણી સોમવાર પર મુકરર કરી હતી. નરોડા ગામ કેસમાં આજે આરોપી જગદીશભાઇ પ્રજાપતિ તરફથી બે સાક્ષીઓ રમેશભાઇ પ્રજાપતિ અને શંકરભાઇ વાઘેલાને તપાસવામાં આવ્યા હતા. જેમાં રમેશભાઇએ પોતાની જુબાનીમાં જણાવ્યું હતું કે, હું દહેગામ ખાતે રહું છું અને તા.૨૮-૨-૨૦૦૨ના રોજ મારા ત્યાં મકાનનું વાસ્તુ રાખ્યું હતું એટલે મારી બહેન અને બનેવી જગદીશભાઇ પ્રજાપતિ તેમના સંતાનો સાથે ત્યાં આવ્યા હતા અને બે દિવસ સુધી મારા ત્યાં જ રોકાયા હતા. બનાવ વખતે તેઓ મારા ઘેર જ રોકાયેલા હતા. જેથી પ્રોસીકયુશન પક્ષ તરફથી રમેશભાઇની ઉલટતપાસ કરાઇ હતી કે, શું તમારી પાસે આ અંગેનો કોઇ લેખિત પુરાવો છે, જેનો જવાબ રમેશભાઇએ નકારમાં આપ્યો હતો. ત્યારબાદ પ્રોસીકયુશન પક્ષે પૂછયું કે, નરોડાથી તમારૂં દહેગામનું ઘર કેટલા અંતરે છે? જેથી તેમણે જણાવ્યુ કે, ૨૦ કિ.મી જેટલું થાય છે ત્યારબાદ બીજા સાક્ષી શંકરભાઇ વાઘેલા કે જે આરોપી જગદીશ પ્રજાપતિના મિત્ર થાય છે તેમણે પોતાની જુબાનીમાં જણાવ્યું કે, તે જગદીશભાઇના મિત્ર છે અને તેથી તેઓ પણ તેમની સાથે ઉપરોકત પ્રસંગમાં ગયા હતા અને તેમની સાથે રોકાયા હતા. બનાવ વખતે તેઓ ઘટનાસ્થળે હાજર જ ન હતા. દરમ્યાન આ બંને સાક્ષીઓના મુદ્દે પ્રોસીકયુશન પક્ષ તરફથી કોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, આ બંને સાક્ષીઓ બચાવપક્ષે જે યાદી આપી છે, તેમાં તેમના નામ નથી જેથી બચાવપક્ષે જણાવ્યું કે, હા, યાદીમાં તેમના નામ નથી પરંતુ હજુ બીજા ઘણા સાક્ષી છે કે જેઓને તપાસવાના છે. અને કાયદામુજબ, બચાવપક્ષે પ્રોસીકયુશનને કોઇ યાદી આપવાની હોતી નથી. આ તો, કોર્ટના ધ્યાન પર રહે તેથી અમે યાદી રજૂ કરી છે. જેથી સ્પેશ્યલ કોર્ટે બચાવપક્ષને ટકોર કરી હતી કે, તમે અગાઉ ૧૦૫ સાક્ષીઓને તપાસવા યાદી રજૂ કરી છે. હજુ કેટલા સાક્ષીઓને તમારે તપાસવાના છે? જે પણ સાક્ષીઓ હોય હવે આખરી યાદી રજૂ કરી દો..એમ કહી કોર્ટે સોમવાર સુધીમાં બચાવપક્ષને તેમના સાક્ષીઓની આખરી યાદી રજૂ કરી દેવા તાકીદ કરી હતી.

Related posts

ખાડિયા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીનો કકળાટ

aapnugujarat

એસજી હાઈવે પર પાંચ ફૂડ કોર્ટ બાંધકામને તોડાતા તંગદિલી ફેલાઈ

aapnugujarat

ભારતના અંદાજિત 5 લાખથી વધુ લોકોને પ્રોસ્થેટિક, ઓર્થોટિક ડિવાઈસીસની જરૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1