Aapnu Gujarat
ગુજરાત

ભેળસેળના કેસમાં આરોપી વ્યાપારી કોર્ટ રૂમથી પલાયન : પોલીસ તંત્રમાં હડકંપ

ભેળસેળના કેસમાં ટ્રાયલનો સામનો કરી રહેલો એક આરોપી વેપારી તારાચંદ જગ્ગાજીકુમાર પ્રજાપતિ ગઇકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, દાણાપીઠ ખાતેના પ્રાંગણમાં આવેલી કોર્ટ નંબર-૮માંથી ચાલુ કોર્ટે ભાગી જતાં જબરદસ્ત ચકચાર મચી ગઇ હતી. કોર્ટે આ સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લઇ ખુદ શહેર પોલીસ કમિશરને કોર્ટ રૂમમાંથી ભાગી ગયેલા આરોપીને ૨૪ કલાકમાં પકડીને હાજર કરવા સ્પષ્ટ હુકમ કર્યો હોવાછતાં આજે તે મુદત પૂરી થઇ ગઇ હોવાછતાં પોલીસ આરોપીને હાજર કરી શકી ન હતી. કોર્ટે આ સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી જેને લઇ આગામી દિવસોમાં અદાલત દ્વારા આકરૂ વલણ અપનાવાય તેવી શકયતા છે. કોર્ટરૂમમાંથી આરોપી ભાગી જવાની ઘટના અને ત્યારબાદ પણ કોર્ટના હુકમનું પાલન નહી કરવાની સમગ્ર બાબત પોલીસતંત્ર માટે શરમજનક કહી શકાય. આ અંગેની વિગત એવી છે કે, અમ્યુકોના આરોગ્ય વિભાગની ટીમે ગત તા.૧૫-૧૦-૨૦૧૧ના રોજ શહેરના બાપુનગર-ખોડિયારનગર વિસ્તારમાં જગદીશ પાર્ક ખાતે આવેલી આરોપી તારાચંદ જગ્ગાજીકુમાર પ્રજાપતિ(રહે. એ-૩, ફાઇનનગર, નિકોલ રોડ)ની મહાલક્ષ્મી ચવાણા સ્વીટ માર્ટ ખાતેથી પામોલીનનું સેમ્પલ લીધુ હતું, જે બિનઆરોગ્યપ્રદ માલૂમ પડયું હતું જેથી આરોપી તારાચંદ પ્રજાપતિ વિરૂધ્ધ અમ્યુકોની કોર્ટ નં-૮માં ફરિયાદ દાખલ થઇ હતી અને તેની વિરૂધ્ધનો ટ્રાયલ ચાલી રહ્યો હતો. જોકે, આરોપી તારાચંદ પ્રજાપતિ કેસના ટ્રાયલ દરમ્યાન છેલ્લા ઘણા સમયથી હાજર થતો ન હતો અને વોરંટની બજવણી પણ થવા દેતો ન હતો જેથી કોર્ટે આરોપી વિરૂધ્ધ પકડ વોરંટ પણ જારી કર્યું હતું. ખુદ ફરિયાદી અમ્યુકો અધિકારી એસ.એસ.મેકવાને જાતે રૂબરૂ વોરંટ બજવણીની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ માલૂમ પડયું કે, આરોપી પોતાની દુકાન અને ઘર ખાલી કરીને કયાંક જતો રહ્યો છે. છેવટે ભારે પ્રયાસો બાદ આરોપીના સંપર્કસ્થાનો અને સૂત્રોની મદદથી ગઇકાલે યેનકેન પ્રકારે આરોપી તારાચંદ પ્રજાપતિને કોર્ટ નંબર-૮માં હાજર કરાવાયો હતો. આરોપીના વકીલે પકડ વોરંટ રદ કરવાની અરજી આપી પરંતુ અમ્યુકોના એડવોકેટ મનોજ ખંધારે તેનો સખત વિરોધ કર્યો હતો અને આરોપી વિરૂધ્ધ સખત નશ્યત કરવા કોર્ટને રજૂઆત કરી હતી જે રજૂઆત ગ્રાહ્ય રાખી કોર્ટે આકરા વલણ સાથે આરોપીની અરજી ફગાવી દીધી હતી અને તેને તાત્કાલિક સેન્ટ્રલ જેલમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. હુકમ બાદ આરોપીને જેલમાં લઇ જવા બપોરે એક વાગ્યાની આસપાસ સાબરમતી સેન્ટ્રલ જેલમાં વર્ધી લખાવવામાં આવી હતી પરંતુ સાંજ સુધી પોલીસ કે જેલ સત્તાવાળાઓ તરફથી કોઇ કોર્ટમાં આવ્યું જ નહી, બીજીબાજુ, આ કોર્ટમાં સજા થાય છે જ અને હવે જેલમાં જવુ પડશે તેવા ડરથી ફફડી ગયેલો આરોપી તારાચંદ જગ્ગાજીકુમાર પ્રજાપતિ તકનો લાભ લઇ કોર્ટરૂમમાંથી જ સાંજે ૫-૦૦ વાગ્યે નાસી છૂટયો હતો. અમ્યુકોના એડવોકેટ મનોજ ખંધારે આ બાબતે કોર્ટનું ધ્યાન દોરતાં કોર્ટે આરોપીની વર્તણૂંકની ગંભીર નોંધ લીધી હતી અને તાત્કાલિક ૨૪ કલાકમાં તેને અટક કરી કોર્ટમાં રજૂ કરવા ખુદ શહેર પોલીસ કમિશનરને હુકમ કર્યો હતો પરંતુ આજે ૨૪ કલાક પૂરા થઇ જવા છતાં પોલીસતંત્ર તરફથી આરોપીને રજૂ કરી શકાયો ન હતો. કોર્ટે પોલીસતંત્રના આ વલણની ખૂબ જ ગંભીર નોંધ લીધી હતી અને આગામી દિવસોમાં આ મામલે અદાલત દ્વારા આકરૂં વલણ અપનાવાય તેવી શકયતા છે.

Related posts

Traffic jams, water logging as sudden rain lashes out in parts of Gujarat

aapnugujarat

બુધવારે અને રવિવારે કોરોના વેક્સિન બંધ રહેશે : નીતિન પટેલ

editor

નેશનલ હાઈવે પર ટ્રેલરે ભયજનક ટર્ન લેતા એસટી બસ સાથે ટક્કર, ઘટના કેમેરામાં થઈ કેદ

editor

Leave a Comment

UA-96247877-1