ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૧૦મી મેના રોજ લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજકેટની પરીક્ષામાં ૯૯થી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૨૭ જેટલી થતી હતી. જેમાં એ ગ્રુપના ૬૬૫ અને બી ગ્રુપના ૬૬૨ વિદ્યાર્થીઓને ૯૯થી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મળ્યા હતા. બોર્ડ દ્વારા વેબસાઇટ પર સવારે આઠ વાગ્યે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. વિદ્યાર્થીઓને ગુજકેટની માર્કશીટ પરિણામના દિવસે જ મળી જાય તેવું આયોજન બોર્ડ દ્વારા કરાયું હતું. રાજયમાં આવેલી ડિગ્રી એન્જિનીયરીંગ અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી કોલેજોમાં પ્રવેશ માટે અત્યારસુધી જેઇઇ મેઇનની પરીક્ષાના ગુણ ધ્યાને લેવાતા હતા પરંતુ રાજય સરકાર દ્વારા જેઇઇ મેઇનની પરીક્ષાને બદલે ગુજકેટની પરીક્ષા ફરીથી અમલમાં મૂકાતા આ વખતે પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા તા.૧૦મી મેના રોજ બોર્ડ દ્વારા લેવાઇ હતી. ગુજકેટની પરીક્ષામાં સમગ્ર રાજયમાંથી એ ગ્રુપના ૬૭ હજાર, બી ગ્રુપના ૬૬ હજાર અને એબી ગ્રુપના ૪૨૨ જેટલા વિદ્યાર્થીઓ મળી કુલ ૧.૩૪ લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી એ ગ્રુપના ૬૬ હજાર, બી ગ્રુપના ૬૫ હજાર અને એબી ગ્રુપના ૩૭૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૧.૩૨ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા તા.૧૦મી મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં ગણિતનું પેપર ખૂબ જ અઘરૂં પૂછાતાં વિદ્યાર્થીઓ રીતસરના રડી પડયા હતા. ગુજકેટની પરીક્ષા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા પ્રોવીઝનલ આન્સર કી જાહેર કરાઇ હતી, જેમાં ફિઝિક્સ-કેમેસ્ટ્રીના પેપરમાં એક પ્રશ્નની ભૂલ હોવાથી અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના તમામ વિદ્યાર્થીઓને તે પ્રશ્ન માટે એક માર્ક આપવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો હતો. જયારે બાયોલોજીના અંગ્રેજી માધ્યમના પેપરમાં એક પ્રશ્નમાં ભૂલ હોઇ તેમાં અંગ્રેજી માધ્યમના તમામ વિદ્યાર્થીઓને એક ગુણ આપવાનું નક્કી કરાયું હતું. ગણિતના એક પ્રશ્નના જવાબમાં ફેરફાર થયો હતો. હવે જયારે ગુજકેટની પરિણામને લગતી તમામ તૈયારીઓ બોર્ડ દ્વારા પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે ગુજકેટનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં ૯૯થી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૩૨૭ જેટલી હતી, જેમાં એ ગ્રુપના ૬૬૫ અને બી ગ્રુપના ૬૬૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જયારે ૯૮થી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓમાં એ ગ્રુપના ૧૩૪૦ અને બી ગ્રુપના ૧૩૧૨ વિદ્યાર્થીઓ હતા. આ સિવાય ૯૦થી પર્સેન્ટાઇલ રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા એ ગ્રુપમાં ૬૭૦૦ અને બી ગ્રુપમાં ૬૫૯૦ જેટલી હતી.
પાછલી પોસ્ટ