Aapnu Gujarat
ગુજરાત

નજીવી બાબતમાં પિતા-પુત્ર પર હુમલો થતાં પિતાનું મોત

શહેરના અમરાઇવાડી વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં નજીવી બાબતમાં તકરાર, મારામારી અને હુમલાની ત્રણ અલગ અલગ બનાવો નોંધાવા પામ્યા છે. જેમાં એક સામાન્ય વાતમાં માથાભારે શખ્સોએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતાં તેમાં પિતાનું કરૂણ મોત નીપજયુ હતુ. જયારે પુત્રને ઇજા પહોંચી હતી. આ બનાવોને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો, બીજીબાજુ સ્થાનિક રહીશોમાં માથાભારે શખ્સોના આવા આંતક અને હુમલાને પગલે ભારે ડર અને ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, અમરાઇવાડી વિસ્તારમાં નાથાજી ધૂળાજીની ચાલીમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો યોગેશ ઉર્ફે જીતુ ગુલાબજી રાણા ગઇકાલે રાત્રે તેના મિત્રો બબલુ રાજેન્દ્રભાઇ મિશ્રા, રણજિત ઉર્ફે કાંચા સાથે ચાલતા ચાલતા શ્રીનાથ નગર પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આરોપી મનીષ અને તેના મિત્રો ટીનટીન, સનીયોએ અહીંથી કેમ નીકળો છો તેમ કહીને યોગેશને બિભત્સ ગાળો આપી હતી. આટલી સામાન્ય વાતમાં મામલો બીચક્યો હતો અને મનીષે પોતાની પાસેનું ચપ્પુ કાઢીને યોગેશના ખભા અને આંખ પાસે મારી દીધુ હતુ, જે જોઇ ગભરાઇ ગયેલા યોગેશના મિત્રો રણજિત અને બબલુ ત્યાંથી નાસી ગયા હતા અને યોગેશના પિતા ગુલાબજી રાણાને બોલાવી લાવ્યા હતા. પિતા ગુલાબજી રાણાએ આવી આરોપી મનીષ અને તેના મિત્રોને ઠપકો આપતાં વાત વધુ વણસી હતી. ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોએ ગુલાબજી રાણા પર ઉપરાઉપરી ચપ્પાના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડયા હતા, એટલામાં આરોપી મનીષના પિતા પણ તલવાર લઇને ત્યાં આવ્યા હતા અને આ લોકોને પતાવી દો તેમ કહી તેમની પર તૂટી પડયા હતા. આ હુમલાના કારણે ચીસાચીસને લઇ સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા. જેથી આરોપી મનીષ, તેના પિતા અને અન્ય મિત્રો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બીજીબાજુ, ગંભીર રીતે ઘવાયેલા ગુલાબજી રાણાનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવ અંગે ગુલાબજીના પુત્ર યોગેશે અમરાઇવાડી પોલીસમથકમાં આરોપી મનીષ, તેના પિતા અને મિત્રો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ વિસ્તારના અન્ય બનાવમાં ટાઇગર ચોક ખાતે ક્રિકેટ રમવા ગયેલા એક યુવક હીરેન પરમાર અને તેના મિત્ર મનીષ મકવાણા પર ભોલા નામના શખ્સ દ્વારા કોઇક કારણસર થયેલી માથાકૂટમાં ચપ્પા વડે હુમલો કરાયો હતો. ભોલાએ બંને યુવકોને દોડાવી દોડાવીને ચપ્પાના ઘા માર્યા હતા, જેમાં હીરનને ખૂબ જ ગંભીર ઇજા પહોંચતા તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, તેની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. અમરાઇવાડી વિસ્તારના ત્રીજા બનાવમાં મહાલક્ષ્મીનગર ખાતે રહેતા રવિ પોપટભાઇ રાઠોડ અને સ્થાનિક યુવકો વચ્ચે માતાજીના ગાગર-બેડુ બાંધવા મુદ્દે થયેલી તકરારમાં રવિને માથામાં લોખંડની એંગલ મારી આરોપી યુવકોએ ઇજા પહોંચાડી હતી.

Related posts

સાપુતારા પ્રવાસીઓ માટે ખૂલ્લુ મૂકાયું

editor

રાજ્યમાં કોરોના ટેસ્ટિંગના દરોમાં ઘટાડો

editor

ગુજરાત કોંગ્રેસ પક્ષ નેતાનું નામ એક-બે દિનમાં જાહેર થવાની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1