Aapnu Gujarat
ગુજરાત

ઝુંડાલ ગામમાં સાવકા પિતાનો સગીર પુત્રી પર રેપ : શરમજનક કિસ્સો

શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઝુંડાલ ગામમાં એક નરાધમ સાવકા પિતાએ પંદર વર્ષીય સગીર પુત્રી પર તેની પત્ની અને અન્ય બાળકોની હાજરીમાં જ બળાત્કાર ગુજારતાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. બનાવને પગલે સ્થાનિક રહીશો દ્વારા આરોપી સાવકા પિતા પરત્વે ફિટકારની લાગણી વરસાવવામાં આવી હતી. સગીર પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવનાર નરાધમ પિતાની અડાલજ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના ડોડિયારા ગામની રહેવાસી મહિલા ઝુંડાલ ગામમાં આવેલા ઇંટોના ભઠ્ઠા પર તેના પતિ અને બાળકો સાથે રહે છે. પ્રથમ પતિ દ્વારા મહિલાને બે પુત્રીઓ હતી, જેમાં એકની ઉમંર ૧૫ વર્ષ હતી, જયારે બીજા પતિ દ્વારા બે પુત્ર અને બે પુત્રીનો જન્મ થયો હતો.
સોમવારે રાત્રે આ શ્રમિક પરિવાર જમી પરવારીને સૂઇ ગયો હતો ત્યારે મહિલાનો પતિ ઉઠીને સૌથી મોટી પંદર વર્ષીય સગીર પુત્રીની બાજુમાં આવી ગયો હતો, જેથી મહિલાએ તેના પતિને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તે તેની સાથે શારીરિક સંબંધ બાંધવા આવ્યો છે, જેથી મહિલા એકદમ રોષે ભરાઇ હતી અને પતિની આ અમાનવીય કરતૂતનો વિરોધ કર્યો હતો. જો કે, તેના પતિએ મહિલાને માર માર્યો હતો અને તારા છોકરાઓને પણ જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. સાવકા પિતાએ તેની પત્ની અને અન્ય બાળકોની હાજરીમાં જ સગીર પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી પતિએ ફરીથી તેની પત્ની અને અન્ય બાળકોને કોઇને કહેશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી અને બીજા દિવસે પતિ કામ પર નહી જતાં તેની બીકના લીધે મહિલાએ ફરિયાદ કરી ન હતી. પરંતુ ગઇકાલે તેનો પતિ કામ પર જતાં મહિલાએ હિંમત દાખવી પોતાની પંદર વર્ષીય સગીર પુત્રીને લઇ અડાલજ પોલીસ મથકે પહોંચી હતી અને નરાધમ પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે અડાલજ પોલીસે તાત્કાલિક આરોપી પતિની ધરપકડ કરી તેની વિરૂદ્ધ જરૂરી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related posts

ગુજરાતમાં હજુ વધશે કોરોના

editor

અમદાવાદમાં વરસાદી માહોલ અકબંધ રહેતા અંધાધૂંધી ફેલાઈ

aapnugujarat

નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર્યપર્વની ઉજવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1