Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પદ્માવતીના નિર્માતા-નિર્દેશક સામે કાર્યવાહી માટેની માંગને ફગાવાઈ

દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતી પર જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પ્રધાનો સહિત ટોપ હોદ્દાઓ ઉપર રહેલા લોકો દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે સુપ્રીમ કોર્ટે આજે જોરદાર લાલઆંખ કરી હતી. સુપ્રીમે કહ્યું હતું કે, જ્યાં સુધી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સીબીએફસી) દ્વારા ફિલ્મને મંજુરી આપવામાં ન આવે ત્યાં સુધી કોઇપણ પ્રકારની ટિપ્પણી ન કરવા આદેશ કર્યો હતો. આના કારણે સેન્સરબોર્ડના નિર્ણય ઉપર અસર થઇ શકે છે. સુપ્રીમ કોર્ટે પદ્માવતી ફિલ્મના નિર્માતા નિર્દેશકો સામે ક્રિમિનલ પ્રોસીક્યુશન અથવા તો ફોજદારી કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કેટલાક આદેશો જારી કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પદ્માવતી સાથે સંબંધિત સુનાવણી વેળા આ મુજબની વાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના મુખ્યમંત્રી ફિલ્મ પદ્માવતીને લઇને ફિલ્મની રજૂઆત ન થવા દેવાની જાહેરાત કરી ચુક્યા છે. પદ્માવતિ ફિલ્મને લઇને છેડાયેલા વિવાદ વચ્ચે કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાનો અને નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદનને લઇને સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરી છે. કેટલાક રાજ્યોના મુખ્યપ્રધાનો અને નેતાઓએ દ્વારા હાલમાં નિવેદન કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે નિવેદનબાજી કરનાર નેતાઓને સલાહ આપતા કહ્યુ હતુ કે જ્યારે આ ફિલ્મ રજૂ થઇ રહી નથી અને પેન્ડિંગ છે ત્યારે ટોપ પોસ્ટ પર રહેલા લોકો કઇ રીતે નિવેદન કરી શકે છે. સેન્સર બોર્ડને આ ફિલ્મને મંજુરી આપવી જોઇએ કે નહી તે અંગે નિવેદન કઇ રીતે કરી શકે છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવમી કરતી વેળા કહ્યુ હતુ કે આવી નિવેદનબાજી કરવાથી સેન્સર બોર્ડના નિર્ણયને પણ અસર થઇ શકે છે. બીજી બાજુ કોર્ટમાં ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણશાળી તરફથી કોર્ટમાં રજૂ થયેલા હરીશ સાલ્વેએ કહ્યુ હતુ કે ફિલ્મને બીજા દેશોમાં ભારતમાં મંજુરી મળતા પહેલા રજૂ કરવામાં આવનાર નથી. બીજા દેશોમાં પહેલી ડિસેમ્બરના દિવસે ફિલ્મને રજૂ કરવાની તૈયારી કરવામાં આવી હોવાની બાબતને ખોટી ઠેરવી છે. સુપ્રીમ કોર્ટે પદ્માવતિના નિર્માતા નિર્દેશક પર અપરાધિક કેસ દાખલ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સાથે સાથે અરજીકારને ફટકાર લગાવી હતી. પદ્માવતિ ફિલ્મને લઇને હાલમાં દેશભરમાં જોરદાર દેખાવ થઇ રહ્યા છે. કોર્ટે આદેશ કરતા કહ્યું હતું કે, ટોપ હોદ્દા પર રહેલા લોકોએ કાયદાનું પાલન કરવું જોઇએ. સેન્સર બોર્ડથી જે ફિલ્મને મંજુરી મળી નથી તે અંગે ટિપ્પણી કરવી જોઇએ નહીં. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા, જસ્ટિસ એએમ ખાનવીલકર અને ડીવાય ચંદ્રચુડની બનેલી બેંચે કહ્યું હતું કે, ટોપ હોદ્દા ઉપર રહેલા જવાબદાર લોકો દ્વારા કરવામાં આવેલા નિવેદનો બિનજરૂરી છે. આના કારણે અંધાધૂંધી સર્જાઈ શકે છે. આવા નિવેદન કાયદાની પણ વિરુદ્ધમાં છે. પદ્માવતી ફિલ્મને લઇને દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ ચુક્યા છે. પોલીસ સાથે ઝપાઝપી થઇ ચુકી છે. પદ્માવતીની રજૂઆત સામે રાજપૂત કર્ણી સેના અને અન્યો દ્વારા વિરોધ કરવામાં આવ્યા બાદ આ ફિલ્મની રજૂઆતને આખરે ટાળી દેવાનો નિર્ણય કરાયો હતો. આ ફિલ્મ નિર્માણ વેળાથી જ વિવાદના ઘેરામાં રહી છે. ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ ફિલ્મ નિર્માતા સંજય લીલા સાથે મારામારી કરવા, સ્ટેજને તોડી પાડવા, ફર્નિચરને તોડી પાડવા અને આગ ચાંપવા જેવા બનાવો બની ચુક્યા છે. ભારે તોડફોડ અને મારામારી બાદ સંજય લીલાને ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાંથી ખસેડીને અન્યત્ર લઇ જવાની ફરજ પડી હતી. ફિલ્મ બનીને તૈયાર થઇ છે ત્યારે રાજપૂત સમુદાયના લોકો દ્વારા વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. કર્ણી સેના સહિત રાજપૂત સમુદાયના લોકોની રજૂઆત છે કે, ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી મહારાણી પદ્માવતીના પાત્ર સાથે ચેડા કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કેટલાક સીનને રદ કરી દેવાની માંગ પણ થઇ ચુકી છે.

Related posts

રાહુલ અધ્યક્ષ બનવા તૈયાર ના હોય તો બીજાને જવાબદારી આપો, કોંગ્રેસમાં ઉઠી માંગ

editor

હવાનામાં વિમાન ક્રેશ થતા ૧૦૦ પ્રવાસીના મોત

aapnugujarat

ચિદમ્બરમનો મોદી પર કટાક્ષ, કહ્યુ – કોરોના તરફ થોડું ધ્યાન આપવા તમારો આભાર

editor

Leave a Comment

UA-96247877-1