Aapnu Gujarat
Uncategorized

મુખ્‍યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્‍થિતિમાં શ્રી પ્રાણનાથજી ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવનો સમાપન સમારંભ યોજાયો

રાજયના મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જામનગરના પ્રસિદ્ધ ધર્માચાર્યશ્રી પ્રાણનાથજીના ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવના સમાપન સમારોહમાં ઉપસ્‍થિત રહયા હતા. આઝાદી સમયના ભારત દેશમાં આધ્‍યાત્‍મક ચેતના જગાવવામાં શ્રી પ્રાણનાથજીના અમુલ્‍ય પ્રદાનની મુખ્‍યમંત્રીશ્રીએ મુકત મને સરાહના કરી હતી તથા મોગલો સામે શ્રી પ્રાણનાથે આદરેલા સંઘર્ષને ભારતીય સંસ્‍કૃતિમાં સીમાચિહનરૂપ ગણાવ્‍યો હતો. મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્‍ટ્રને સંતો અને શુરાઓની ભૂમિ તરીકે ઓળખાવી હતી અને આ ભૂમિમાં નીપજેલા સંત શ્રી પ્રાણનાથને આ ધરાની મોંધેરી મિરાત તરીકે પ્રસ્‍થાપિત કર્યા હતા.

દેશભરમાં થયેલા આધ્‍યાત્‍મિક અભિયાનો વિષે સવિસ્‍તાર રજુઆત કરીને મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીએ તેમના ઇતિહાસ જ્ઞાનનો સુપેરે પરિચય ભક્તજનોને કરાવ્‍યો હતો અને આ આંદોલનોમાં ગુજરાતના સંતોએ તથા સ્‍વાતંત્ર્ય વીરોએ ભજવેલી ભૂમિકાની ભરપેટ પ્રશંસા કરી હતી. રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજી તથા લોખંડી પુરૂષ સરદાર પટેલનો ઋણ સ્‍વીકાર કરવાનું પણ મુખ્‍યમંત્રીશ્રી ચુકયા નહોતા. પ્રણામી સંપ્રદાયના સ્‍થાપક શ્રી પ્રાણનાથના અનુજ આચાર્યોએ દેશભરમાં સામાજિક રીતે સમરસ સમાજનું નિર્માણ કરવામાં મહત્‍વની ભૂમિકા ભજવી છે. એ બદલ મુખ્‍યમંત્રીશ્રીએ સંપ્રદાયના તમામ અનુયાયીઓને અભિનંદન પાઠવ્‍યા હતા.

મુખ્‍યમંત્રીશ્રીએ રાજયના નાગરિકોને એવી હૈયાધારણા પાઠવી હતી કે રાજયમાં દારૂબંધીના કાયદાની કડક અમલવારી કરવામાં આવશે તથા ગુનેગારોને અચુક સજા કરવામાં આવશે. દેશના વિકાસમાં ગુજરાત અન્‍ય રાજયો માટે રોલ મોડેલ સાબિત થઇ રહયું છે એ વાત મુખ્‍યમંત્રીશ્રીએ ગૌરવ સાથે જણાવી હતી. તથા રાજયના ઉતરોતર વિકાસ માટે ધાર્મિક સંતોના આશીર્વાદની કામના કરી હતી. શ્રી પ્રાણનાથજીના જન્‍મના ૪૦૦ વર્ષ પુરા થવા નિમિતે પ્રણામી સંપ્રદાય દ્વારા કરવામાં આવનારી સ્‍વચ્‍છતા અંગેની, વ્‍યસનમુ્ક્તિની, વૃક્ષ ઉછેરની, ગીર ગાયના સંવર્ધનની, કન્‍યા ભૃણ હત્‍યા રોકવાની વગેરે કામગીરી માટે મુખ્‍યમંત્રીશ્રી રૂપાણીએ સમગ્ર ભક્તજનોને બિરદાવ્‍યા હતા અને આવી જ સમાજોપયોગી પ્રવૃતિ આચરવા અનુરોધ કર્યો હતો.

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રણામી સંપ્રદાયના આચાર્યશ્રી કૃષ્‍ણમણીજી મહારાજ સાથે પરાયણ મંડપમાં આરતી ઉતારી હતી. તથા મસ્‍તક નમાવી પ્રભુઆશિષની કામના કરી હતી. સમગ્ર સંત સમુદાયે મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું ફુલોના વિશાળ હારથી સન્‍માન કર્યુ હતું. આચાર્યશ્રી કૃષ્‍ણમણીજી મહારાજે મુખ્‍યમંત્રીશ્રીને પ્રણામી સંપ્રદાયનો ખેસ તથા ઉત્તરીય પહેરાવ્‍યા હતા અને સ્‍મૃતિચિન્‍હ એનાયત કર્યું હતું. શ્રી પ(પાંચ) નવતનપુરી ધામના વર્તમાન આચાર્યશ્રી કૃષ્‍ણમણિજી મહારાજે સ્‍વાગત પ્રવચનમાં સંપ્રદાયનો ટુંકો ઇતિહાસ રજુ કર્યો હતો.

જામનગરમાં જન્‍મેલા પ્રસિદ્ધ ધર્માચાર્યશ્રી પ્રાણનાથના જન્‍મને ૪૦૦ વર્ષ પુરા થવા નિમિતે એક સપ્‍તાહનો ચતુર્થ શતાબ્‍દી મહોત્‍સવ જામનગરના રણજીતનગર ખાતે યોજાયો હતો જેમાં પ્રણામી સંપ્રદાયના દેશ વિદેશથી પધારેલા આચાર્યો, ગાદીપતિઓ, સંતો તથા ભક્તો સામેલ થયા હતા. આ પ્રસંગે મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના અધ્‍યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરા, સાંસદ સુશ્રી પુનમબેન માડમ, મેયર શ્રીમતિ પ્રતિભાબેન કનખરા, ધારાસભ્‍ય શ્રીમતિ વસુબેન ત્રિવેદી, પુર્વ પ્રદેશ પ્રમુખ શ્રી આર.સી. ફળદુ, જિલ્‍લા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રેશભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ શ્રી હસમુખભાઇ હિન્‍ડોચા, પુર્વ ધારાસભ્‍ય શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, જિલ્‍લા કલેકટર શ્રી રવિશંકર, મ્‍યુનિસિપલ કમિશનર શ્રી બારોટ સહિત ઉચ્‍ચ અધિકારીશ્રીઓ, સંતો-મહંતો, તથા બહોળી સંખ્‍યામાં ભક્તજનો ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

કેનાલોમાં ગાબડા પાડવાનો સિલસિલો યથાવત

editor

૨૦ દિવસની દીકરીને ન્યાય અપાવીને જ રહીશું -હર્ષ સંઘવી,ચચાણા ગામે મૃતક કિશન ભરવાડના પરિવારજનોને સાંત્વના પાઠવતા ગૃહ રાજ્યમંત્રી

editor

ચુડા શહેરી વિસ્તારમાંથી એક સગીર વિદ્યાર્થીનુ ત્રણ અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું

editor

Leave a Comment

UA-96247877-1