Aapnu Gujarat
ગુજરાત

રખડતા ઢોરનો ત્રાસ નથી તેવી ખાતરીનું સોગંદનામું કોર્ટમાં રજૂ કરો

અમદાવાદ શહેરમાં રખડતા ઢોરોના મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીની સુનાવણીમાં આજે હાઇકોર્ટે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સત્તાવાળાઓને ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારિઆની ખંડપીઠે સાફ શબ્દોમાં ચીમકી આપી હતી કે, જો હવે અમદાવાદના જાહેર રસ્તાઓ પર રખડતા ઢોરોના ત્રાસ જોવા મળશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને શહેર પોલીસ કમિશર સામે અદાલતી તિરસ્કારની કાર્યવાહી હાથ ધરાશે. હાઇકોર્ટે હવે પછી અમદાવાદ શહેરમાં જાહેર રસ્તા પણ એકપણ રખડતા ઢોરનો ત્રાસ નથી તેવી ખાતરી સાથેનું સોગંદનામું તા.૨૫મી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા અમ્યુકો સત્તાવાળાઓને આદેશ કર્યો હતો. હાઇકોર્ટે એવી પણ ગંભીર ટકોર કરી હતી કે, શહેરમાં કેટલાક માથાભારે લોકોના કારણે કાયદો અને વ્યવસ્થા તોડવાની છૂટ ના આપવી જોઇએ. હાઇકોર્ટે શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ અને વિવિધ વિસ્તારોમાં હજુ પણ ખુલ્લેઆમ વેચાતા ઘાસ મુદ્દે અમ્યુકો સત્તાવાળાઓની ઝાકટકણી કાઢતાં જણાવ્યું હતું કે, શહેરમાં જયાં રસ્તા પર ૪૫ હજાર ઢોર રખડે છે ત્યારે તંત્ર ૪૦૦-૫૦૦ ઢોર પકડીને બહુ મોટી કામગીરી કરી હોવાનો દાવો કરે છે. હાઇકોર્ટના હુકમ છતાં હજુ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦થી ૨૫ જગ્યાએ ઘાસ વેચનારા ફેરિયા ઉભા રહેલા જોવા મળે છે. તેઓ હજુ પણ ત્યાં જ ધંધો કરે છે. હાઇકોર્ટ હુકમ કરે છે, તે મજાક નથી. જો આવું જ ચાલુ રહેશે તો, હાઇકોર્ટ અમ્યુકો સત્તાવાળાઓ વિરૂધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરશે. અધિકારીઓએ સવારે ૬.૦૦ વાગ્યે ઉઠીને આ સ્થળોએ જવું જોઇએ તો તેમને ખ્યાલ આવશે કે કેટલા ઘાસ વેચનારા અને ઢોર જાહેર રસ્તા પર રખડે છે. માત્ર કેટલાક માથાભારે લોકોના કારણે રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કોરાણે મૂકી શકાય નહી. હાઇકોર્ટે અમ્યુકોને એવી ગંભીર ટકોર પણ કરી હતી કે, લોકોમાં એવી પૃચ્છા ચાલે છે કે, હાઇકોર્ટે હુકમ કર્યો તેનું શું થયું..શું તમે એમ માનો છો કે, હાઇકોર્ટે દર વર્ષે હુકમ કરવા જોઇએ. ૨૦૦૫-૦૬માં હાઇકોર્ટે હુકમ કર્યો છે કે, પશુપાલકોને શહેરની બહાર વસાવો. કાયદો તોડવા માટે કેટલાક લોકોને સંપૂર્ણ મુકિત આપી ન શકાય. એક તબક્કે હાઇકોર્ટે શહેરના જે વિસ્તારોમાં હજુપણ ઘાસ વેચાય છે અને જાહેરમાર્ગો પર રખડતા ઢોરોના ત્રાસ વર્તાય છે તે સોલા, ઘાટલોડિયા અને ચાણકયપુરી પોલીસમથકના અધિકારી સામે પણ કન્ટેમ્પ્ટ ઇશ્યુ કરવાની ચીમકી આપી હતી. હાઇકોર્ટ ઇચ્છે છે કે, અદાલતના હુકમોનું ચુસ્તપણે પાલન થાય અને નાગરિકોની સુરક્ષા જળવાય. હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને એવી ખાતરી આપતું કે, હવે શહેરમાં એકપણ રખડતા ઢોરનો ત્રાસ નથી તેવું સોગંદનામું તા.૨૫મી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા મહત્વનો હુકમ કર્યો હતો.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર ચાઇલ્ડ હેલ્પ ડેસ્કનો પ્રારંભ

aapnugujarat

ઉત્તરાયણમાં ૪ હજારથી વધારે પક્ષી ઇજાગ્રસ્ત

aapnugujarat

નર્મદા જિલ્લાની ૫૦ જેટલી શાળાઓમાં યોજાયો લર્નિંગ આઉટકમ મેળો : ૧૦,૫૦૦ જેટલા વાલીઓ-વિદ્યાર્થીઓને “ક્ષમતાદર્પણ” નું વિતરણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1