Aapnu Gujarat
ગુજરાત

અમને તમારા આંકમાં નહીં, રસ્તાઓ સુધારો તેમાં રસ છે : હાઈકોર્ટે અમ્યુકોનો ઉધડો લીધો

અમને તમારા આંકમાં નહીં, રસ્તાઓ સુધારો તેમાં રસ છે : હાઈકોર્ટે અમ્યુકોનો ઉધડો લીધો શહેરમાં તૂટી ગયેલા અને ખાડા પડી ગયેલા બિસ્માર રસ્તાઓને લઇ આજે ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો રીતસરનો ઉધડો લઇ નાંખ્યો હતો. જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારિઆની ખંડપીઠે જણાવ્યું કે, અમ્યુકો તંત્ર હાઇકોર્ટના હુકમને ગંભીરતાથી લે, હળવાશથી લેવાની ચૂક ના કરે. તંત્ર રસ્તાઓ રીસરફેસ કરવાને બદલે ટેકરા કરી રહ્યું છે, રસ્તાઓ તાત્કાલિક અને સારી રીતે સરખા કરો. અમને તમારા આંકડામાં રસ નથી, તમે શું કર્યું એ કહો. લોકોને પણ તમારા આંકડામાં રસ નથી પરંતુ શહેરના રસ્તાઓ સુધારો તેમાં રસ છે, લોકો તમારી પાસે સારા પરિણામની અપેક્ષા રાખે છે. હાઇકોર્ટે અમ્યુકોને રસ્તાઓ કઇ રીતે સુધારશો તેનો રોડમેપ તૈયાર કરી તા.૨૫મી સપ્ટેમ્બર સુધીમાં રજૂ કરવા આદેશ કર્યો હતો. સાથે સાથે વિજિલન્સનો રિપોર્ટ પણ માંગ્યો હતો. બિસ્માર રસ્તાઓના મામલે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.એન.કારિઆની ખંડપીઠે અમ્યુકો સત્તાવાળાઓને સણસણતી ટકોર કરતાં જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો શહેર છે, મેટ્રો ટ્રેન આવી રહી છે અને નાગરિકો ઇચ્છે છે કે, આ શહેર દેશનું શ્રેષ્ઠ શહેર હોય તમે તે આપો. બિનઅનુભવી કોન્ટ્રાકટરોને કામ આપવાને બદલે તમે અનુભવી અને સારા કોન્ટ્રાકટરોને કામ આપો..સરવાળે તે સસ્તુ પડશે. શહેરના બિસ્માર થયેલા અત્યારસુધીમાં ૨૦૨ કિ.મી રસ્તાઓ પૈકી ૩૦ કિ.મીના રસ્તાનું કામ જ થયું છે. તમે સારા કોન્ટ્રાકટરોને કેમ રાખતા નથી. તમે અનુભવ વિનાના કોન્ટ્રાકટરોને કામ આપો છો, અને તેના પરિણામે તમને આ કામ મોંઘુ પડે છે. રૂ.૫૦૦ના ત્રણ શર્ટ લેવા કરતાં રૂ.એક હજારનો એક શર્ટ લેવો સસ્તો પડે. એક કરોડના રસ્તાઓના કામ માટે માત્ર રૂ.પાંચ લાખની સીકયોરીટી લેવાય છે તે ખૂબ જ ઓછી છે, કોન્ટ્રાકટરો ભાગી જશે તો, શું તમે તેની પાછળ પાછળ દોડશો. જે કોન્ટ્રાકટરો ખરાબ રસ્તા માટે જવાબદાર હોય, તેઓના ખર્ચે આ રસ્તા રીસરફેસ થવા જોઇએ. અમ્યુકો તંત્રએ નિખાલસતાથી સ્વીકાર્યુ હતું કે, ધાર્યા કરતાં બિસ્માર રસ્તાઓના મુદ્દે કામ ઓછું થયું છે પરંતુ અદાલતને વિનંતી છે કે, અમને એક વધુ તક આપે. જેથી આગામી દર સપ્તાહે અમે યોગ્ય કામ કરી અદાલતને રિપોર્ટ આપી શકીએ. અરજદારપક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, શહેરમાં માત્ર અમુક રસ્તા કર્યા સિવાય કોઇ કામ થયું નથી. ૨૦૨ કિ.મી પૈકીના ૧૮ કિ.મીના રસ્તાઓ તંત્રની ખરાબ બનાવટના કારણે તૂટયા હોવાનું સામે આવ્યું છે, તો બાકીના ૧૮૪ કિ.મીના રસ્તાઓ કોના ખર્ચાથી બનશે. તેનો ખર્ચ નાગરિકો પાસેથી નહી, કોન્ટ્રાકટરો પાસેથી વસૂલાવો જોઇએ. હજુ સુધી કોઇ અધિકારી સામે પણ અમ્યુકોએ પગલાં લીધા નથી કે કોઇની તપાસ પણ શરૂ કરાઇ નથી.

Related posts

वडोदरा में मोबाइल चार्जिंग के दौरान फिल्म देखते हुए युवक की करंट से मौत

aapnugujarat

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે આજે પ્રદેશ યુવા મોરચાની બેઠક પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ.પ્રશાંતભાઇ કોરાટની અધ્યક્ષતામાં યોજાઇ હતી.

aapnugujarat

નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

editor

Leave a Comment

UA-96247877-1