Aapnu Gujarat
ગુજરાત

રૂપાણીને એહમદ પટેલની જીત માન્ય નથી; કહ્યું, ‘ચૂંટણી પંચના નિર્ણય અંગે ભાજપ કાનૂની પગલાં લેશે’

રાજ્યસભા માટે ગુજરાતની ત્રણ બેઠકોની ચૂંટણીના પરિણામ ગઈ કાલે મોડી રાતે ભારે નાટ્યાત્મક વળાંકો બાદ જાહેર કરવામાં આવ્યા હતા. આમાંની બે સીટ શાસક ભાજપના ફાળે ગઈ છે જ્યારે ત્રીજી સીટ કોંગ્રેસના એહમદ પટેલે રોમાંચક વિજય મેળવીને જાળવી રાખી છે. ભાજપપ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ ૪૬-૪૬ મતોથી વિજય મેળવ્યો છે જ્યારે પટેલને ૪૪ મત મળ્યા છે. ભાજપના હારી ગયેલા ત્રીજા ઉમેદવાર બળવંતસિંહ રાજપૂતને ૩૮ મત મળ્યા છે.પટેલની જીતથી કોંગ્રેસમાં આનંદ ફરી વળ્યો છે જ્યારે ગુજરાત ભાજપમાં નિરાશા વ્યાપી ગઈ છે.ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું છે કે, અમે ચૂંટણી પંચના નિર્ણય સાથે સહમત નથી. ત્રીજી સીટ પર કોંગ્રેસના ઉમેદવાર એહમદ પટેલે જીત મેળવી છે કારણ કે ચૂંટણી પંચે કોંગ્રેસના કહેવાથી બે વોટ રદબાતલ જાહેર કર્યા હતા. ચૂંટણી પંચના નિર્ણયને કાનૂની રીતે પડકારવા માટે ભાજપ વિચારણા કરી રહ્યો છે.રૂપાણીએ કહ્યું કે, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ૫૭થી ઘટીને માત્ર ૪૪ રહી જવા પામ્યું છે. કોંગ્રેસ પાસે અગાઉ ૫૭ વિધાનસભ્યો હતા અને સાથી પક્ષોના ટેકા સાથે એમને ૬૧ વિધાનસભ્યોનો સાથ હતો. પરંતુ એમનું સંખ્યાબળ ઘટીને ૪૪ થઈ ગયું છે.
કોંગ્રેસના બે બળવાખોર સભ્યોના વોટને રદબાતલ જાહેર કરવાના ચૂંટણી પંચના નિર્ણય વિશે રૂપાણીએ કહ્યું કે અમે એની સાથે સહમત નથી. અમે તમામ શક્ય કાનૂની પગલાં લઈશું. જો એ રદબાતલ કરાયેલા વોટને ગણતરીમાં લેવાયા હોત તો અમારા ઉમેદવાર જીતી ગયા હોત.ગુજરાત વિધાનસભામાં પહેલાં કુલ ૧૮૨ સભ્યો હતા. એમાંથી કોંગ્રેસના ૬ વિધાનસભ્યોએ રાજીનામા આપ્યા હતા. એટલે સંખ્યાબળ ઘટીને થયું હતું ૧૭૬. રાજ્યસભાની બેઠક પર જીત માટે ઉમેદવારે ૪૫ વોટ મેળવવા પડે એમ હતા. ગઈ કાલે મતદાન બાદ કોંગ્રેસના બે વિધાનસભ્યોના મત રદ જાહેર કરાયા હતા. એટલે સંખ્યાબળ ઘટીને થયું ૧૭૪. ચૂંટણીમાં જીત માટે હવે જરૂર હતી ૪૩.૫ વોટની. એહમદ પટેલે ૪૪ વોટ મેળવીને જીત મેળવી. અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને ૪૬-૪૬ વોટ મળ્યા.રાજ્યસભાની ચૂંટણીમાં જીત મેળવવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપપ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીને ટ્‌વીટ કરીને અભિનંદન આપ્યા.

Related posts

ચૂંટણી ઢંઢેરો જાહેર કરી રહેલા પક્ષોની જવાબદારી નક્કી કરો : સેવા ગુર્જરી ટ્રસ્ટ દ્વારા હાઇકોર્ટમાં અરજી

aapnugujarat

પીએસઆઇ આપઘાત કેસમાં પત્નીના ડીવાયએસપી એન.પી.પટેલ સામે ગંભીર આરોપ

aapnugujarat

અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1