Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ભુવાનું સામ્રાજ્ય

હજુ તો ગયા ચોમાસામાં વરસાદના પહેલા રાઉન્ડમાં આશરે રૂ.૪પ૦ કરોડના રોડ ધોવાયાનું કૌભાંડ હાઇકોર્ટમાં ગાજી રહ્યું છે, લોકો પણ ઠેર ઠેર તૂટેલા રોડથી ભોગવેલી પારાવાર મુશ્કેલીની યાદ ભૂલ્યા નથી ત્યાં તો આ ચોમાસામાં ગઇકાલે પડેલા માંડ પાંચ ઇંચ વરસાદને પગલે અમદાવાદમાં ફરી એકવાર ભુવાઓ અને ખાડાઓનું સામ્રાજય જોવા મળી રહ્યું છે. શહેરના જીવરાજપાર્ક, રન્નાપાર્ક, હેલ્મેટ સર્કલ, બાપુનગર, ગોમતીપુર, નિકોલ સહિતના અનેક વિસ્તારોમાં મસમોટા ભુવા પડી ગયા છે તો મોટા-મોટા ખાડાઓએ પણ જન્મ લઇ લીધો છે. કેટલાક ભુવા અને ખાડાઓ તો એટલા જોખમી છે કે, જો તેમાં કોઇ પડી જાય તો ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાઇ શકે છે. શહેરમાં ફરી એકવાર ઉભરી આવેલા ભુવા અને ખાડાઓના સામ્રાજયને લઇ નાગરિકોમાં અમ્યુકો તંત્રના અણઘડ વહીવટ પરત્વે ઉગ્ર આક્રોશની લાગણી ફેલાઇ છે. શહેરના જીવરાજપાર્ક વિસ્તારમાં પડેલો ભુવો સૌથી મોટો લગભગ પંદર ફુટથી વધુનો છે, જેને લઇ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. આટલા મોટા ભુવાને લઇ એક તો ટ્રાફિક ચક્કાજામની સ્થિતિ સર્જાઇ છે તો બીજીબાજુ, આટલા મોટા ભુવામાં કોઇ મોટી ગાડી કે બસ પણ પડી શકે અને કોઇ ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાવાની દહેશત પણ બની રહી છે. આ ભુવાને લઇ મચેલી ચકચાર બાદ આજે ખુદ શહેરના મેયર બીજલબહેન પટેલ તંત્રના અન્ય પદાધિકારીઓ સાથે ઘટનાસ્થળે જાતનીરીક્ષણ માટે પહોંચ્યા હતા અને જરૂરી કાર્યવાહી કરવાની અધિકારીઓને સૂચના આપી હતી. જો કે, તેમણે અમ્યુકો તંત્રની કંઇક અંશે જે તે વખતે ખાડા પૂરવામાં સહિતની કેટલીક બાબતોમાં ક્ષતિ રહી ગઇ હોવાનો નિખાલસ એકરાર પણ કર્યો હતો. તેમણે હૈયાધારણ આપી હતી કે, હવેથી આ પ્રકારના કામોમાં કોઇપણ કચાશ નહી રખાય. ગઇકાલે રાતભર વરસાદે વિરામ લેતાં અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ તંત્રની લાપરવાહીના કારણે પ્રિ-મોન્સૂન એકશન પ્લાનના તો લીરેલીરા ઊડી જ ગયા, પરંતુ કહેવાતા અત્યાધુનિક કંટ્રોલરૂમમાં શહેરનાં ૧૩૦ જંકશન પર ગોઠવાયેલા ૧૪૯૦ કેમેરા પણ લોકોને વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે ખાસ ઉપયોગી બન્યા ન હતા.
બીજી તરફ રાહુલ ટાવરથી બુટભવાની ક્રોસિંગ તરફ જતા રોડ પર કેડસમા પાણી ભરાતાં સ્થાનિક રહેવાસીઓએ રોડ પરના એક ખાનગી પ્લોટની આશરે ૩૦ મીટર લાંબી દીવાલને તોડી નાખી હોવાની ચર્ચા ઊઠી છે. ઉપરાંત બોડકદેવ અમૂલ ગાર્ડન હજુ પણ વરસાદી પાણીથી બેટમાં ફેરવાયેલો છે. અશ્વિની પબ્લિક પાર્કમાં શનિ-રવિના માહોલમાં સવારે ર્મોનિંગ વોક કરવા ગયેલા નાગરિકોએ સમગ્ર બગીચામાંથી તંત્ર દ્વારા વરસાદી પાણી ઉલેચવાની કોઇ કામગીરી ન કરાતાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
ગઇકાલના વરસાદમાં ખાસ કરીને મેટ્રો રેલ રૂટ પર ભારે વરસાદી પાણી ભરાતાં ટ્રાફિક જામ થવાથી હજારો નાગરિકો તોબા પોકારી ઊઠ્‌યા હતા તેમજ જીવરાજપાર્ક પાસે વિશાળકાય ભૂવો પડવાથી સર્વત્ર ગભરાટ પ્રસરી ગયો હતો.
આ બાબતને ગંભીરતાથી લઇને મ્યુનિસિપલ કમિશનર નહેરાએ આજે બપોરે મેટ્રો રેલના અધિકારી સાથે ખાસ બેઠક બોલાવી હતી. આ સાથે અમદાવાદ શહેરનો સીઝનનો કુલ વરસાદ સાત ઇંચ થયો છે. ગઇકાલના વરસાદથી વરદાન ટાવર પ્રગતિનગર, એચ. કે. કોમ્પ્લેક્સ-પાલડી, ગુરુદ્વારા, સરખેજ-જૂની એડવાન્સ સિનેમાની સામે સહિતનાં સ્થળોએ ૧૧ વૃક્ષ ધરાશાયી થતાં ચાલુ સિઝનમાં ૧૦૦થી વધુ વૃક્ષ ધરાશાયી થઇ ચૂક્યાં છે.

Related posts

મહિસાગરના પુલ પર રેલવે અકસ્માતમાં અજાણ્યા પુરૂષનું મરણ

aapnugujarat

રાજ્યમાં હજુય વરસાદ ખેંચાવાની શક્યતા

aapnugujarat

खोखरा क्षेत्र में १३वीं मंजिल से कूदी महिला बुजुर्ग पर गिरी, दोनों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1