Aapnu Gujarat
બિઝનેસ

અનિલ અંબાણીની FEMA ભંગના કેસમાં પૂછપરછ થઈ

જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા FEMAના કાયદાના ભંગને લગતા એક કેસમાં પૂછપરછ કરવામાં આવી છે. અનિલ અંબાણી આજે EDની ઓફિસ પર હાજર થયા હતા જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી. અનિલ અંબાણી એ રિલાયન્સ ADA ગ્રૂપના ચેરમેન છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના નાના ભાઈ છે. તેમની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999ના ભંગનો એક જૂનો કેસ છે જે મામલે તેમણે આજે ઈડી સમક્ષ ઉપસ્થિત થવું પડ્યું હતું.

રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ધીરુભાઈ અંબાણી (Dhirubhai Ambani)ના અવસાનના થોડા વર્ષો પછી અનિલ અંબાણી અને મુકેશ અંબાણી (Mukesh Ambani) અલગ પડ્યા હતા અને તેમના બિઝનેસનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી મુકેશ અંબાણી એક પછી એક સફળતાના શિખર સર કરતા ગયા છે અને હાલમાં તેઓ ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગણાય છે, જ્યારે તેનાથી વિપરીત અનિલ અંબાણીએ તમામ ઉદ્યોગોમાં ભારે નુકસાન વેઠવું પડ્યું છે અને તેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાયેલા છે.

અધિકારીઓએ જણાવ્યું કે અનિલ અંબાણી સામે ફોરેન એક્સચેન્જના કાયદાનો કથિત રીતે ભંગ કરવાનો આરોપ છે. તેના અનુસંધાને ઈડી દ્વારા આજે તેમની પૂછપરછ કરવામાં આવી હતી. 64 વર્ષના અનિલ અંબાણી બેલાર્ડ એસ્ટેટ એરિયામાં આવેલી ઈડીની ઓફિસ પર પોતાનું નિવેદન નોંધાવવા આવ્યા હતા. આ કેસ ફેમા કાયદાના વિવિધ સેક્શન હેઠળ નોંધાયેલો છે. અનિલ અંબાણી સવારે 10 વાગ્યે EDની ઓફિસ પર પહોંચ્યા હતા જ્યારે તેમના એક્ઝિક્યુટિવ્સ બહાર રાહ જોતા હતા.
અનિલ અંબાણી અગાઉ 2020માં ED સમક્ષ હાજર થયા હતા. તે સમયે તેઓ યસ બેન્કના પ્રમોટર રાણા કપૂર અને બીજા લોકો સામે મની લોન્ડરિંગના કેસમાં હાજર થવું પડ્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં બોમ્બે હાઈ કોર્ટે 420 કરોડના ટેક્સ ચોરીના કેસમાં અનિલ અંબાણીને થોડી રાહત આપી હતી અને અનિલ અંબાણી સામે કોઈ દબાણપૂર્વકની કાર્યવાહી ન કરવા આવકવેરા વિભાગને સૂચના આપી હતી. અનિલ અંબાણીની સૌથી મોટી નિષ્ફળતા તરીકે રિલાયન્સ કોમ્યુનિકેશન્સની ગણતરી થાય છે. 2006માં રિલાયન્સ કોમ્યુનિકેશન દેશની બીજા ક્રમની સૌથી મોટી મોબાઈલ કંપની હતી. ત્યાર બાદ દેશમાં ટેલિકોમ સેક્ટરમાં જે ફેરફાર આવ્યા તેમાં રિલાયન્સ કોમ્યુનિકેશન અને બીજી કંપનીઓનું પતન થયું હતું.

Related posts

જીએસટી મામલે મોદીનો રોલબેકનો ઇનકાર

aapnugujarat

એફપીઆઈ દ્વારા જૂનમાં ૩.૫૫ અબજ ડોલરનું મૂડીરોકાણ

aapnugujarat

પીએનબી ફ્રોડ : નિરવ મોદી, મેહુલ ચોકસીનાં પાસપોર્ટ સસ્પેન્ડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1