Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સત્તા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૫૦થી વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસ અને આપનો સફાયો થઈ ગયો છે. આમ, રાજ્યમાં ફરી ભૂપેન્દ્ર પટેલની સરકાર બનશે તે નિશ્ચિત થઈ ગયું છે. ગુજરાતની ચૂંટણીના આજના પરિણામે બધા રાજકીય વિશ્લેષકોને ખોટા પાડ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ પણ ભાજપને ૧૧૦થી ૧૨૦ બેઠકો મળવાનું અનુમાન લગાવાયું હતું. જોકે, ભાજપે આ બધા અનુમાનોને ખોટા પાડ્યા છે અને ઐતિહાસિક જીત મેળવતા માધવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભાજપે ૧૮૨ બેઠકમાંથી ૧૫૬, કોંગ્રેસે ૧૭ અને આપે ૫ અને અન્યોએ ચાર બેઠક પર વિજય મેળવ્યો છે. એટલું જ નહીં, સતત બીજી વખત મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ’દાદા’ના હુલામણા નામથી જાણીતા ભૂપેન્દ્ર પટેલે ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ફરીથી જીત મેળવતા વોટના મામલે પોતાનો જ રેકોર્ડ તોડી નાખ્યો છે.
તેમણે ૧.૯૧ લાખની લીડથી આ બેઠક પર વિજય મેળવ્યો છે. તો ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ સુરતની મજુરા બેઠક પરથી ૧.૩૩ લાખ કરતા વધુ બેઠકથી વિજય મેળવવાની સાથે સપાટો બોલાવ્યો છે અને તેમની સામેના બધા ઉમેદવારોએ પોતાની ડિપોઝીટ ગુમાવી છે. ભાજપના વર્તમાન મંત્રીઓમાંથી એકમાત્ર કીર્તિસિંહ વાઘેલા કાંકરેજ બેઠક પરથી હારી ગયા છે. ગુજરાતની ચૂંટણીના પરિણામો સવારે જાહેર થવાનું શરૂ થયું તે સાથે જ ભાજપના કાર્યાલયો પર ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો.
શરૂઆતથી ભાજપ ૧૫૦થી વધુ બેઠકો પર આગળ રહ્યો હતો અને તે પછી જેમ-જેમ એક-એક બેઠકના પરિણામો જાહેર થતા ગયા, તેમ-તેમ વિપક્ષના નેતાઓના મોં પર નિરાશા છવાઈ જવા લાગી હતી. ભાજપ માટે આ જીત એટલા માટે પણ મહત્વની છે કે, આ વખતે સત્તા વિરોધી લહેર ઘણી પ્રબળ હતી. તેમ છતાં પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની મહેનત અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના મેનેજમેન્ટના કારણે ભાજપ જીત મેળવવામાં સફળ રહ્યો છે. આ ચૂંટણીમાં જે ચર્ચામાં રહ્યા હતા તેવા હાર્દિક પટેલ વિરમગામથી, અલ્પેશ ઠાકોર ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અને જિજ્ઞેશ મેવાણી વડગામ બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે. જોકે, જિજ્ઞેશ મેવાણીને ભારે રસાકસી બાદ જીત મળી છે. પાટીદારોના ગઢ કહેવાતા સુરતમાં પણ ભાજપે બધાના સૂપડાં સાફ કરી નાખ્યા છે. અહીં આમ આદમી પાર્ટી ગાબડું પાડી દેશે તેવું મનાતું હતું, પરંતુ અહીં બધી બેઠકો પર ભાજપનો કબજો થઈ ગયો છે.

Related posts

नरेन्द्र पटेल और वरुण की बात का ओडियो सतह पर

aapnugujarat

ધોળકા તાલુકાનાં રનોડા ગામમાં ૩૦ ઓગસ્ટનાં રોજ શ્રી મહાવીર મેઘમાયાદાદાનો જન્મોત્સવ ઉજવાશે

aapnugujarat

અમદાવાદીઓ સુધરી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1