Aapnu Gujarat
Uncategorized

શિક્ષણ મંત્રીશ્રી જીતુ વાઘાણીના હસ્તે નવીન સ્કૂલનું લોકાર્પણ

સુરેશ ત્રિવેદી, રાજકોટ

રાજકોટમાં મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૪૮ ના નવા બિલ્ડીંગનુ લોકાર્પણ તેમજ રાજકોટ શહેરમાં પ્રદુષણમુકત સ્માર્ટ સિટી અભિયાન અંતર્ગત ૨૪ ઈલેક્ટ્રીક બસને પ્રસ્થાન તેમજ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી આવાસ યોજનાના આવાસના ડ્રોનો સમારોહ જીલ્લા ગાર્ડન ખાતે જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યોજાયો હતો.
આ પ્રસંગે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચીંધેલા વિકાસના માર્ગે ગુજરાતમાં અનેક નવી સુવિધાઓ ઉભી થઇ રહી છે. ગુજરાતની સરકારી શાળાઓ તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓની શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે તેમ સ્પષ્ટ જણાવીને મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સરકારી શાળાઓમાં આધુનિક બિલ્ડીંગ છે અને બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો પણ ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે . સરકારે ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તેમ જણાવીને મંત્રીશ્રીએ કહ્યું હતું કે બાળકોમાં વૈજ્ઞાનિક માનસ કેળવાય તેમજ તેઓ અવનવા પ્રયોગો કરે અને તેમની પ્રગતિ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રત્યેક નાગરિકને ‘‘ઘરનું ઘર’’ મળે તે દિશામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર ટીમ કાર્યરત છે.
આ પ્રસંગે મેયર ડૉ. પ્રદીપભાઈ ડવે રાજકોટ શહેરમાં હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યોની રૂપરેખા આપી હતી. આવાસ યોજના તેમજ સ્માર્ટ સીટી અંતર્ગત ઊભી થયેલી સુવિધાઓ વિશેની માહિતી આપી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલે પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી અતુલભાઈ પંડિતે સૌને આવકારી મહાનગર પાલિકા- રાજ્ય સરકાર દ્વારા ઉભી કરવામાં આવેલી શિક્ષણની વ્યવસ્થાની માહિતી આપી હતી. મ્યુનિસિપલ કમિશનરશ્રી અમિત અરોરાએ યોજનાકીય માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ૫૦ નવી ઇલેક્ટ્રિક બસ દ્વારા પરિવહન સેવા શરૂ થવાની છે જે અંતર્ગત ૨૪ બસ સેવાનો આજે પ્રારંભ થયો છે. રૂ. ૧ કરોડથી વધુની કિંમતની બસમાં એ.સી. તેમજ એફ.એમ. સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. આ યોજનામાં ગ્રીન મોબિલીટી પ્રોજેક્ટ અન્વયે રૂપિયા ૪૫ લાખ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવાનું નક્કી કરવામાં આવેલ છે તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ ઇલેક્ટ્રિક બસ દીઠ પ્રતિ કિલોમીટર મહત્તમ રૂ. ૨૫ મુજબ ગ્રાન્ટ મળવાપાત્ર થશે.

આ કાર્યક્રમમાં રૂ. ૨.૮૦ કરોડના ખર્ચે શ્રી પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નંબર ૪૮ માટે નવું બિલ્ડીંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતું .આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઇ.ડબલ્યુએસ -૧ અને એમ આઈ જી -૧ આવાસ યોજનાના ૭૦૦ થી વધુ આવાસો ફાળવણીના ડ્રો મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યા હતો.

આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એવોર્ડ પ્રાપ્ત શિક્ષક ભાઈ બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. બાંધકામ સમિતિના ચેરમેન શ્રી કેતનભાઇ પટેલે આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, અને શ્રી રામભાઈ મોકરીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી,શ્રી બીનાબેન આચાર્ય, શ્રી ઉદયભાઇ કાનગડ, ડેપ્યુટી મેયર શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી વિરેન્દ્રસિંહ, શ્રી પુષ્કરભાઈ ,શ્રી નરેન્દ્રસિંહ, શ્રી કિશોરભાઈ ,શ્રી વિનુભાઈ સહિતના અગ્રણીઓ તેમજ કોર્પોરેટરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રણજિત વિલાસ પેલેસમાં તસ્કરો ત્રાટક્યા

aapnugujarat

RBI ने निजी बैंकों के मुखिया की 70 साल रिटायरमेंट सीमा की तय

aapnugujarat

અમદાવાદમાં હવા દિલ્હી – પુના કરતા વધારે દૂષિત

editor

Leave a Comment

UA-96247877-1