Aapnu Gujarat
ગુજરાત

પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જાહેરાત છતાં અનેક વિસ્તારમાં રોડના કામો ચાલુ હોવાથી વિપક્ષ ખફા

અમદાવાદ શહેર માટે પ્રિ-મોન્સુન એકશન પ્લાનની જાહેરાત કરવામાં આવ્યા બાદ પણ હજુ સુધી અનેક વિસ્તારોમાં રોડની ચાલી રહેલી કામગીરી સામે વિપક્ષે ભારે આક્રોશ વ્યકત કર્યો છે.શહેરના મેયરના વોર્ડમાં જ ડેટલાઈન વીતી ગયા બાદ અનેક સ્થળોએ રસ્તાના કામો ચાલી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.ચોમાસુ શરૂ થવાની તૈયારીમાં છે તેવા સમયે શહેરમાં સ્ટ્રોમ વોટર લાઈનો કે કેચપીટોની સફાઈ કરવામાં ન આવી હોવાને કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.આ અંગે વિપક્ષનેતા દિનેશ શર્માએ કહ્યુ છે કે,પ્રણાલી મુજબ ૧૫ જૂનથી રોડ સહીતના ખોદકામની કામગીરી બંધ કરી દેવાની હોય છે.ઉપરાંત અન્ય એજન્સીઓ કે સંસ્થાઓને પણ ઈમરજન્સી સિવાય પરવાનગી આપવામાં આવતી નથી.આમ છતાં ધ્યાનમાં આવ્યુ છે કે શીવરંજની ચાર રસ્તાથી નહેરૂનગર સર્કલ વચ્ચે ઝાંસીની રાણીના સ્ટેચ્યુવાળા રોડ પર ખોદકામ કરવામાં આવ્યું છે.ઉપરાંત મેયર ગૌતમ શાહના વોર્ડમાં પણ અનેક ઠેકાણે ખોદકામ ચાલી રહ્યુ છે.વસ્ત્રાલમાં ત્રણ-ચાર દિવસ અગાઉ નવો બનેલો રસ્તો ખોદી કાઢવામાં આવતા સ્થાનિક રહીશો દ્વારા કામ અટકાવવામાં આવ્યુ હતુ.આ ઉપરાંત પણ શહેરના અનેક વિસ્તારોમાં રોડના કામ ચાલી રહ્યા છે જે દરમિયાન આડાશ પણ મુકવામાં આવતી નથી. તેમણે કહ્યુ કે,પ્રિ-મોન્સુન એકશન પ્લાનની બેઠકમાં મેયર તરફથી એવી ખાત્રી આપવામાં આવી હતી કે ૧ લી જૂન બાદ શહેરમાં એક પણ સ્થળે રોડ ખોદવામાં નહીં આવે.આમ મેયરની ખાત્રી બાદ પણ શહેરમાં ખોદકામના કામો બેફામ ગતિથી કરવામાં આવી રહ્યા છે.જો આ હાલતમાં વરસાદ આવે તો નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.બીજી તરફ શહેરમાં ૯૦૦ કિલોમીટરથી વધુની સ્ટ્રોમ લાઈન આવેલી છે આ પૈકીની કોઈપણ સ્ટ્રોમલાઈનમાં સફાઈનું કામ કરવામાં આવ્યું નથી.મોટાભાગની સ્ટ્રોમલાઈનમાં ગેરકાયદે ડ્રેનેજના જોડાણો હોવાથી કેટલીય સ્ટ્રોમ લાઈનમાં શિલ્ટ ભેગો થઈ ગયો છે.કેચપીટોની સફાઈ પણ કરવામાં આવી નથી.વૃક્ષોના ટ્રીમીંગ પણ બાકી છે.આમ શાસકોની અપૂરતી તૈયારી અને તંત્રની નિષ્ક્રીયતા અને બેદરકારીને લીધે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ચોમાસાની શરૂઆત બાદ આ સ્થિતિ વધુ વકરશે એમ માનવામાં આવી રહ્યુ છે.

Related posts

કડી રિક્ષાચાલકનું મહિલાઓની સુરક્ષાને લઈ નવું અભિયાન શરૂ કર્યું

aapnugujarat

નર્મદા યોજના પર કોંગ્રેસ સંકટને ભાજપે દૂર કર્યા છે : ભરત પંડ્યા

aapnugujarat

આ છે દુનિયાનો સૌથી મોંઘો સિક્કો, કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1