પાકિસ્તાને દાવો કર્યો છે કે કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય અદાલતે લેખિત રજૂઆત કરવા ભારતે છ મહિનાની મુદત આપવા કરેલી વિનંતીને નકારી દીધી છે. કોર્ટે ભારતને ૧૩ સપ્ટેમ્બર સુધીમાં રજૂઆત કરવા આદેશ આપ્યા છે. કોર્ટે તે મુજબ જ પાકિસ્તાનને પણ તે પછી ૧૩ ડિસેમ્બર સુધીમાં જવાબ આપવાનો રહેશે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા મુજબ જાન્યુઆરી ૨૦૧૮થી કેસની સુનાવણીનો આરંભ થશે.પાકિસ્તાની એટર્ની જનરલ અશ્તાર ઔસાફ અલીએ જણાવ્યા મુજબ નેધરલેન્ડ ખાતેના પાક. દૂતાવાસ મારફતે આંતરરાષ્ટ્રીય અદાલતે આ સંદેશો આપ્યો છે. ૮ જૂનની સુનાવણી વખતે ભારતે છ મહિનાની મુદત માટે વિનંતી કરી હતી, પરંતુ પાકિસ્તાને તેનો વિરોધ કર્યો હતો. ભારતે રજૂઆત કરી હતી કે કેસ જીવન અને મરણનો છે. પરંતુ પાકિસ્તાને કોર્ટમાં રજૂઆત કરી હતી કે આંતરરાષ્ટ્રીય કોર્ટ તે કોઈ અપીલ કોર્ટ નથી. છ મહિનાના સમયની જરૃર નથી. કોર્ટે એટલું જ નક્કી કરવાનું છે કે જાધવને કોન્ઝયુલર સહાય મળવી જોઈએ કે કેમ?અગાઉ આંતરરાષ્ટ્રીય કોર્ટે ભારતે કરેલી રજૂઆતને પગલે પાકિસ્તાનને ફાંસીની સજાને અટકાવવા ફરમાન કર્યું હતું. કોર્ટે ભારતે દાખલ કરેલા કેસ સંબંધે અંતિમ ચુકાદો ના આવે ત્યાં સુધી મૃત્યદંડની સજા સામે મનાઈહુકમ ફરમાવ્યો હતો.ભારતીય નૌકાદળના પુર્વ અધિકારી જાધવની ગયા વર્ષે માર્ચમાં બલોચિસ્તાનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાની સૈન્ય અદાલતે ૧૦ એપ્રિલના રોજ પાકિસ્તાનમાં જાસૂસી અને ત્રાસવાદી પ્રવૃત્તિમાં સંડોવણી બદલ જાધવને મૃત્યુદંડની સજા ફરમાવી હતી. પાકિસ્તાન આક્ષેપ કરી રહ્યું છે કે જાધવ તે ભારતની જાસૂસી સંસ્થા રોના એજન્ટ છે. જાધવની ધરપકડથી માંડીને તેને સજા ફરમાન થયું ત્યાં સુધી ભારતે જાધવને કોન્ઝયુલર સહાય પુરી પાડવા કરેલી વિનંતીઓને પાકિસ્તાને ફગાવી દીધી હતી.