વેસ્ટઇન્ડિઝ પ્રવાસ માટે આજે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાલ ભારતીય ટીમ સેમિફાઇનલમાં રમી રહી છે પરંતુ વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં પાંચ વનડે મેચો અને એક ટ્વેન્ટી મેચ રમાશે. આ ટીમમાં કુલદીપ યાદવ અને રિષભ પંતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોચ તરીકે અનિલ કુંબલેને જારી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ૨૩મી જૂનના દિવસે પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચ ત્રિનિદાદમાં રમાશે. જ્યારે બીજી વનડે ત્રિનિદાદમાં જ ૨૫મી જૂનના દિવસે રમાશે. ભારતીય ટીમને વેસ્ટઇન્ડિઝના પ્રવાસ માટે તૈયારીમાં વધારે સમય મળશે નહીં. ૧૮મી જૂનના દિવસે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાનાર છે. વિરાટ કોહલીના નેતૃત્વમાં જાહેર કરવામાં આવેલી આ ટીમમાં તમામ સ્ટાર ખેલાડીઓ યથાવત રહ્યા છે જેમાં રહાણે, ધોની, યુવરાજસિંહ, હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે. આ ટીમ વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં રમવા માટે ઉત્સુક બની છે. ટી ટ્વેન્ટી મેચ ૯મી જુલાઈના દિવસે રમાશે જ્યારે પાંચ અને અંતિમ વનડે મેચ છઠ્ઠી જુલાઈના દિવસે રમાશે.