Aapnu Gujarat
ગુજરાત

કેમિકલથી કેરીઓ પકવવા મુદ્દે સોગંદનામા રજૂ કરાયા

અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કેલ્શિયમ કાર્બાઇડ સહિતના ઝેરી કેમીકલ તત્વોથી કેરીઓ અને ફળો પકવવાની દુષ્પ્રવૃત્તિ મામલે હાઇકોર્ટે સુઓમોટો વ્યુ લઇ દાખલ કરેલી પીઆઇએલ(જાહેરહિતની રિટ અરજી)માં આજે હોલસેલ ફ્રુટ માર્કેટ એસોસીએશન પણ પક્ષકાર તરીકે જોડાયું હતું. હાઇકોર્ટે એસોસીએશનની આ કેસમાં પક્ષકાર તરીકે જોડવાની અરજી ગ્રાહ્ય રાખી હતી અને તેમને પક્ષકાર બનાવ્યા હતા. તો, ભાવનગર, વડોદરા સહિતના સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જવાબી સોગંદનામા હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને અગાઉ હાઇકોર્ટે જારી કરેલા નિર્દેશાનુસાર તેઓએ હાથ ધરેલી કાર્યવાહી અને માહિતી કોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી. કેસની વધુ સુનાવણી જૂલાઇ માસમાં મુકરર કરવામાં આવી હતી. રાજયમાં કાર્બાઇડ સહિતના તત્વોથી કેરી પકવી લોકોને વેચવાના દૂષણના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે જાતે સુઓમોટો વ્યુ લઇ જાહેરહિતની રિટ દાખલ કરી હતી. હાઇકોર્ટે તા.૨૭-૪-૨૦૧૭ના રોજ રાજય સરકાર, રાજયના તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિતના સત્તાવાળાઓને કેલ્શિયમ કાર્બાઇડ કે અન્ય આર્ટિફિશીયલ કેમીકલ્સથી કેરીઓ પકવનાર વેપારીઓ અને તત્વોની દુકાનો-ગોડાઉનો સીલ કરવા, આવા તત્વો વિરૂધ્ધ આકરા શિક્ષાત્મક પગલાં લેવા સહિતના મહત્વના નિર્દેશો જારી કર્યા હતા. આ કેસમાં આજે હોલસેલ ફ્રુટ માર્કેટ એસોસીએશન તરફથી પક્ષકાર બનવા અરજી કરી જણાવ્યું હતું કે, તેઓને પણ આ કેસમાં પક્ષકાર તરીકે જોડવા જોઇએ અને તેમની રજૂઆત કોર્ટે સાંભળવી જોઇએ. એસોસીએશન તરફથી તેઓ હાઇકોર્ટના નિર્દેશાના પાલન માટે તત્પર હોવાની તૈયારી બતાવાઇ હતી પરંતુ સાથે સાથે કોર્પોરેશન સત્તાવાળાઓ દ્વારા તેમને ખોટી રીતે હેરાનગતિ ના થાય તેનું ધ્યાન રાખવા પણ કોર્ટને અનુરોધ કરાયો હતો. એસોસીએશને કોર્ટને એવી વિનંતી પણ કરી હતી કે, વેપારીઓ, ખેડૂતો સહિતના લોકો ફળો-શાકભાજી માટે કેમીકલ અને કાર્બાઇડ તત્વોનો ઉપયોગ કરતા હોઇ કાં તો આ કેમીકલ અને તત્વો પર બિલકુલ પ્રતિબંધ ફરમાવી દેવો જોઇએ અથવા તેને મંજૂરીપાત્ર બનાવી દેવું જોઇએ. બીજીબાજુ, ભાવનગર, વડોદરા સહિતના સંબંધિત મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જવાબી સોગંદનામાં હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને અગાઉ હાઇકોર્ટે જારી કરેલા નિર્દેશાનુસાર તેઓએ હાથ ધરેલી કાર્યવાહી અને માહિતી કોર્ટના રેકર્ડ પર રજૂ કરી હતી. આ કોર્પોરેશનોએ કેટલા વેપારીઓ અને એકમો વિરૂધ્ધ સીલ કરવાની કાર્યવાહી કરાઇ, કેટલો દંડ વસૂલાયો અને કયા પ્રકારના શિક્ષાત્મક પગલા લેવાયા તે સહિતની માહિતી અદાલતને આપી હતી. હવે આ પીઆઇએલની સુનાવણી જૂલાઇ માસમાં મુકરર કરાઇ હતી.

Related posts

દેશની હાલની સ્થિતિ માટે મોદી જવાબદાર : વાઘેલા

aapnugujarat

અલ્પેશ કથીરિયાને કોર્ટે ૧૦ હજારના બોન્ડ પર આપ્યા જામીન

aapnugujarat

दो नैशनल, १७ स्टेट हाईवे समेत ११० मार्ग बंध किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1