આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હજુ પણ કુમાર વિશ્વાસ ઉપર બિલકુલ વિશ્વાસ કરતા નથી. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ હંમેશા કુમાર વિશ્વાસ ઉપર શંકા કરતા રહે છે. એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કુમાર વિશ્વાસ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, તેઓ પાર્ટી માટે કામ કરે છે. કોઇ સંબંધ અદા કરવા માટે કામ કરતા નથી. બીજી બાજુ દિલીપ પાંડેએ શંકા વ્યક્ત કરતા કહ્યું છે કે, કુમાર વિશ્વાસને પાર્ટીને અપમાનિત કરવામાં ખુશી થાય છે. કુમાર વિશ્વાસ પાર્ટીને નુકસાન પહોંચાડવા કામ કરી રહ્યા છે. દિલીપ પાંડેનું કહેવું છે કે, કુમાર વિશ્વાસ કોંગ્રેસી નેતાઓને ખુબ ગાળો બોલે છે પરંતુ રાજસ્થાનના વસુંધરા રાજેની સામે કોઇ વાત કરતા નથી. આ ટિપ્પણીની સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભાજપ સામે કુમાર વિશ્વાસ કોઇ નિવેદન કરતા નથી. કુમાર વિશ્વાસે પંજાબ અને ગોવામાં પાર્ટીની હાર થયા બાદ આમ આદમી પાર્ટીના નેતૃત્વ ઉપર આકરા પ્રહારો કરવાની શરૂઆત કરી હતી. ટિપ્પણી પહેલા વિશ્વાસે એક વિડિયો જારી કરીને કહ્યું હતું કે, કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના લોકો નિષ્ક્રિય થયેલા છે. બીજી બાજુ દિલ્હીના આમ આદમી પાર્ટીના અનેક નેતાઓએ કુમાર વિશ્વાસ સામે વાંધો ઉઠાવ્યો હતો. કુમાર વિશ્વાસના ભાજપ સાથે નજીકના સંબંધો હોવાની વાત હમેશા સપાટી ઉપર આવતી રહી છે. જો કે, કુમાર વિશ્વાસ પાર્ટીમાં યથાવતરીતે સ્થાન જાળવવામાં સફળ રહ્યા છે.