કોઇમ્બતુરમાં વડાનું વેચાણ કરનાર ૫૦ વર્ષનો જાવેદ ખાન ભારે ડાયાબિટીસથી પીડાય છે. ડાયાબિટીસને કારણે એક તબક્કે પગ કપાવવો પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે. આ સર્જરી પછી તેના માટે નાણાંકીય કટોકટી ઉભી થઈ ગઈ હતી. આ સંજોગોમાં જાવેદની મદદે આવ્યું સોશિયલ મીડિયા.
રિપોર્ટ પ્રમાણે જાવેદની પરિસ્થિતિ વિશે ફેસબુક પર મુકાયેલી પોસ્ટ એટલી વાઇરલ થઈ હતી કે તેને દોઢ લાખ રૂ.નું ડોનેશન મળી ગયું હતું. ફેસબુક પર ફિલ્મમેકર અરવિંદે મૂકેલી આ પોસ્ટથી તેને એટલા પૈસા મળ્યા કે તેની સારવાર તો થઈ જ ગઈ પણ સાથેસાથે તેની દુકાનનો ખર્ચ અને બે બાળકોની સ્કૂલ ફી પણ નીકળી ગઈ હતી.
હકીકતમાં અરવિંદ નિયમીત રીતે જાવેદ ખાનના સ્ટોલની મુલાકાત લીધો હતો. જોકે બે અઠવાડિયા પહેલાં આ સ્ટોલ બંધ થતા તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે ડોક્ટરોની સલાહ માનીને જાવેદ ખાને તેનો પગ કપાવી નાખ્યો છે. અરવિંદે જ્યારે જાવેદની મુલાકાત કરી ત્યારે ખબર પડી કે તે ભારે નાણાંકીય કટોકટીની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. અરવિંદે તેની વ્યથા ફેસબુક પર પોસ્ટ કરી તો આ પોસ્ટ વાઇરલ થઈ ગઈ અને તેને દોઢ લાખ રૂ. જેટલું ડોનેશન મળ્યું હતું.
જાવેદને આ ડોનેશન ભારત સિવાય વિદેશમાંથી મળ્યું છે. જાવેદ વિશેની પોસ્ટ ૪,૦૦૦ કરતા વધારે વખત શેયર થઈ છે. જાવેદની પત્ની ફયરોઝા લોકોના આ પ્રેમ અને સપોર્ટથી બહુ ખુશખુશાલ છે. હાલમાં જાવેદને પલક્કની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે બહુ જલ્દી રિકવર થઈ રહ્યો છે.